પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નથી ! મારે અભાગણીને હવે મારી આબરૂ તે કેમ કરીને સાચવવી ? પાંચ દી તો ખેંચી નાખ્યા. હવે હું કેટલુંક ખેંચી શકીશ ?"

ખસિયાણી પડેલી એ ગોલીઓએ ટ્રંકમાંથી નીકળેલા મૂએલ બાળકને એક બાજુ ગોટો વાળી મૂક્યું, ને મધરાત પછી પાછલા વાડામાં ખાડો ખોદી દાટી દીધું. દાટતાં દાટતાં બેઉ જણીઓ વચ્ચે વાત ચાલીઃ

"હવે ?"

"હવે તો ભાઇએ ફરી ઘોડાં દોડાવ્યાં છે. કહે છે વડલીના સૂતારને ઘેર પંદરેક વાસાનો છોકરો છે."

"ત્યારે આ મૂવો ઇ કોનો હશે ?"

"કીને ખબર છે, માડી ? ભગવાન જાણે ! અટાણે કાંઇ નાતજાત જોવાની હોય ?"

"હજી તો ટ્રંક ઊઘડતી'તી ત્યાં જ પેટની છોકરીને કેવી ઠેલી દીધી ?"

"અવતાર ! અરે અભાગી અવતાર !"

"અભાગણી તો જૂઓઃ પંદર વરસની જુવાન્ય સાઠ વરસનાને પરણીને આવી, અને પાંચ વરસ બેઠાંબેઠ કાઢ્યાં પછેં ગામેતીને મૂવા ટાણું આવ્યું ત્યારે આને આશા રહી ! આમાં તે છોરુ જણ્યાનો સવાદ શો, મારી બાઇ !"

"પોતાની છોકરીને તો મારશે, પણ પારકા કેટલા છોકરાની હત્યા લેશે !"

"ટ્રંકમાં ઘાલીને છોકરો લાવતાં એના ભાઇનું કાળજું ન કંપ્યું ?"

"ગરાસ ખાવો છે, માડી ! કાળજાં કંપે તો કામ કેમ આવે ?"

દિવસ પર દિવસ ખેંચાયે જતા હતા. સાત મહિનાપર મૂએલા એ ગામના બુઢ્ઢા ગામેતીની જુવાન વિધવાએ ચૂડો ભાંગતેભાંગતે ગર્ભનું જતન કર્યું હતું. કાણ્યો માંડીને છાતીફાટ રોવાના તમાશા કરવા પડ્યા, અને ગર્ભનું જતન કરવું પડ્યું - નહિ કે પુત્ર-પુત્રી જે જન્મે તેનું લાલન કરવાની લાગણીથી, પણ નિર્વંશ મૂએલા ગામેતીનો રૂપિયા પંદર હજારનો ગરાસ એના સગા ભાઇના દીકરાને ભાગે ન જાય તેવી એક જ દાઝનાં