પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ચૂંટી કાઢો : મુલાકાત લો : ઈસારીઆની કર્મ-કથાથી વાકેફ કરો : પૂછો કે, ’આપ એની જગ્યાએ શું કરત ?’ ગમે તેમ કરીને કંઈક તો તેઓનાં મોંમાથી કઢાવજો. ને તેઓએ કંઈક તો કહેવું જ પડશે : નહિ કહે તો જશે ક્યાં ! ’દીનબંધુ’ છાપાની કટારોમાં તેઓનું મૌન કેવો અર્થ પકડશે, એ તેઓ જાણે છે ! મૌનનો અવળો અર્થ લેવાશે એટલો ઇશારો કરજો જરૂર પડે તો, હો કે !"

"જી હો !"

એટલું કહેતો હું મારી દફ્તર-થેલી લઈને ઊપડ્યો. તંત્રીજીનું અરધા દિવસનું કામ તો એ રીતે મને રવાના કરવાથી ખલ્લાસ થઈ ગયું. માત્ર મારું જ કામ બાકી રહ્યું. મેં પચીસ નામો કેટલી મહેનતે તારવ્યાં, દરેકની પાસે જઈને ત્રીસ વર્ષના, બેકાર, બચ્ચરવાળ, લાંઘણો કરતા ઇસારીઆની, એને ભાડાને અભાવે ઘર ખાલી કરવાની ધમકી આપતા મકાન-માલિકની અને આવી મૂંઝવણો વચ્ચે એને પૈસાની ચીંથરી ચોર્યાની વિગતવાર કથા કેવી સફાઈથી સંભળાવી - એ આખી વાતના વર્ણનમાં ઊતર્યા સિવાય હું ફક્ત ટૂંકમાં કહી નાખું છું કે, મને પેલાં મારાં ભગિની-રિપોર્ટર જેવું સરસ ભજવતાં તો ન જ આવડ્યું.

એક તો હું ’ગેરન્ટી ટ્રસ્ટ કંપની’ના ઉપ-પ્રમુખને મળ્યો. અગાઉ એક વાર મેં બૅન્કની બાબત પર એની મુલાકાત લીધી હતી, એટલે આજ પણ હું પેસી જઈ શક્યો. મેં તો જાણે કે મરણિયા થઈને પેલા બેકાર, બચ્ચરવાળ, ભૂખે મરતા... વગેરે વિગતદાર કથાના નાયક ઇસારીઆની અથ-ઇતિ કથા કહી, અભિપ્રાય પૂછ્યો : "આપ એની જગ્યાએ -"

"હું એની જગ્યાએ !!!" શેઠ હેબતાઈ ગયા. પછી મેં એમને મારી ને ઇસારીઅની બન્નેની મૂંઝવણ જ્યારે સમજાવી, ત્યારે પછી એમણે એક સિગરેટ સળગાવી, ખુરશી પર દેહ લંબાવી તત્ત્વાલોચના આરંભી :

"જુઓને, યાર, ભારી વિચિત્ર છે આ આત્મરક્ષણનો પ્રકૃતિ-અંશ. એ પ્રકૃતિ-તત્ત્વ કેવે રૂપે પ્રકટ થશે, તે કોઈ કહી જ ન શકે. હવે તમે જ કહો છો કે ઇસારીઓ માંદો હતો, કામ જડતું નહોતું. બાયડી પણ