પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ખાટલાવશ હતી... પાંચ બચ્ચાં : ઘર ભાડું ચડેલું : રઝળતા થવાની તૈયારી : આમાં એણે કંઈક તો કરવું જોઈએ ને, ભાઈ ! આપણે જ, જુઓને, ઘણાંખરાં પશુ-પ્રકૃતિનાં છીએ : પડ્યાં-પડ્યાં લાંઘણો ખેંચીને જાન કાઢી નાખી શકતા નથી - કંઈક કરી બેસીએ છીએ. હવે આ ઈસારીઓ જુઓ : એણે પેલી થેલી -"

"ના જી, ચીંથરી જ હતી." મેં સુધાર્યું.

"- કહો કે ચીંથરી ચોરી; સંભવ છે કે એને ભાન જ નહિ રહ્યું હોય કે પોતે શું કરતો હતો. આમ બધો ગોટાળો છે, ભાઈ ! હાં, પણ એનાં બાળબચ્ચાનું શું થયું ?"

મેં કહ્યું : "મદદનાં કહેણ આવી પડ્યાં છે. અમે ’ઈસારીઆ સહાયક ફંડ’ ખોલ્યું છે. કદાચ એ અદાલતમાંથી પણ છૂટી જશે."

"હું નહોતો કહેતો ?" કહીને એણે મારી સામે, મારી તાળી લેવા સારુ, હથેળી લંબાવી.

આમ મને એક સરસ મુલાકાત મળી ગઈ. બહાર નીકળીને મેં બધું યાદ કર્યું; પણ મને લાગ્યું કે, આખી વાતની મલાઈ તો હું ક્યાંક એની ઑફિસમાં જ ભૂલી આવ્યો છું...

પછી પ્રોત્સાહિત બનીને મેં બીજા પકડ્યા... બેરિસ્ટરને ’દિનબંધુ’ નામનું મારું કાર્ડ ગયું, એટલે સડેડાટ મને દાખલ કરવામાં આવ્યો, મેં એમની પાસે એ બેકાર, બીમાર, બચ્ચરવાળ, બાયડીવાળા, ભાડાવિહોણા... ઇત્યાદિ વિગતોવાળા ઇસારીઆની કથા કહી : આખા બનાવની પાછળ રહેલું તત્ત્વ સમજાવ્યું : સમાજરચનાની ઉથલપાથલનો દાવાનલ-તણખો આ એક જ ઘટનાના ભસ્મ-ઢગલાના ગર્ભમાં ગાયેબ રહીને કેવો એકાદ ફૂંકની રાહ જોતો બેઠો છે એનો ફોડ પાડ્યો.

"મને મૂળ કિસ્સો બરાબર ન સમજાયો;" એમણે કહ્યું.

મેં ફરીને કથા કહી - ડોશીમાઓ શ્રાવણિયા સોમવારની વ્રતકથા જે કડકડાટીથી બોલી જાય છે તે કડકડાટીથી હું બોલી ગયો.

એણે કહ્યું : "આ વાત હું માનતો જ નથી. આવું બને જ નહિ. તમે