પૃષ્ઠ:Pankaj.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ધનિક હ્રદય : ૯૫
 

હોય તો સહજ કલાક લાગે એમ હતું. ગાડી, મોટર કે ટ્રામની સગવડ મન્મથ પાસે ન હોય તો !

'એટલામાં ક્યાં જઈશું ?' તેણે પૂછ્યું.

'ચાલ, પેલા જૂના રેસ્ટોરાંમાં બહુ દિવસે સાથે ચા પીઈએ.' મેં કહ્યું. કૉલેજના દિવસોમાં તેમ જ પછી પણ એ સ્થળે અમે કવચિત્ ભેગા બેસી 'ટી–ટોસ્ટ'નો ઘેર ન લેવાતો આનંદ લેતા હતા;

'ચાલ, તને ના નહિ કહું.' જરા ખમચીને તે બોલ્યો.

અમે બન્ને ગલીની બહાર નીકળી મોટા રસ્તા ઉપર આવી રેસ્ટોરાંમાં ગયા. ચાલતાં ચાલતાં તેણે તેની જૂની આકર્ષક ઢબે અનેક વાતો કરી નાખી. મારી, બીજા મિત્રોની, ઓળખીતાઓની ખબર પૂછી. એટલું જ નહિ, પણ એની જાણીતી રીત પ્રમાણે વિવિધ વાનીઓ મંગાવવા માંડી.

'હજી ટોસ્ટ તો ભાવે જ છે ને ?' તેણે પૂછ્યું.

'હા.' મારા શોખની તેને હજી યાદ રહી હતી.

પંદરેક મિનિટ સુધી મોજથી ખાઈ પી વાત કરતા અમે ઊઠ્યા. દરવાજા પાસે એક ઊંચે આસને બેસી પૈસા ગણી લેતાં રેસ્ટોરાંના માલિકે અમને બન્નેને ઓળખ્યા, અને સલામ કરી કહ્યું :

'સાહેબો, બહુ વર્ષે પધાર્યા !'

'હા. હું પરદેશ ગયો હતો. શેઠ ઠીક ચાલે છે ને?' મન્મથે મુરબ્બીપણુ દાખવી પૂછ્યું.

'હા જી, આપ જેવાની મહેરબાનીથી ઠીક ચાલે છે.'

'કેટલા પૈસા આપવાના છે ?' મન્મથે તેને પૂછ્યું.

હું ચમક્યો. મન્મથના પૈસા ખર્ચાવવા હું તેને અહીં લાવ્યો નહોતો. પૈસા મારે જ ચૂકવવા જોઈએ. મેં સખત વાંધો લઈ કહ્યું :

'શેઠ, પૈસા મારે આપવાના છે. એની પાસેથી લેશો નહિ.'

'શું ? તું શી વાત કરે છે? મન્મથ જોડે હોય અને તે પોતાના મિત્રોને પૈસા ખર્ચાવે ? જા, આગળ થા. હું આવું છું.' મન્મથે