પૃષ્ઠ:Pankaj.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૬ : પંકજ
 

પોતાના મૂળ સ્વભાવ ઉપર કહ્યું :

'મારું અપમાન થાય છે, હો મન્મથ !' મેં કહ્યું.

'મારે ખાતર એટલું અપમાન સહી લે.' મન્મથ બોલ્યો.

'અરે સાહેબો ! ઘણે દિવસે આપ આવ્યા છો. આપની પાસેથી હું બહુ રળ્યો છું. આજ મારા મહેમાન બનો અને કશું ન આપશો.' રેસ્ટોરાંનો વૃદ્ધ માલિક બોલ્યો.

'હું કહું તેમ કર. બહાર જા. અને એક ટેક્સી ભાડે કરી લે. મારે ઉતાવળ છે.' મન્મથે કહ્યું.

મન્મથની જીદને પહોંચી વળાય એમ ન હતું. વસતિવાળાં રેસ્ટોરાંમાં પૈસા આપવાની હુંસાતુંસી કરવી એ હલકું દેખાય એમ લાગ્યું. હું આગળ ગયો અને પગથિયાં નીચે ઊતરી ટેક્સીને બોલાવવા લાગ્યો; ટેકસી આવી, મન્મથ બહાર નીકળ્યો.

'ચાલ, તને ઉતારતો જાઉં.' મન્મથે મને કહ્યું.

કોણ જાણે કેમ મારા હૃદયે તેની સાથે જવાની જોસભેર ના પાડી. હૃદયની આજ્ઞાને હુ આધીન થઈ બોલ્યો :

'ના, મારે બીજે જવું છે. હું ચાલ્યો જઈશ!'

'ઠીક ત્યારે, સાહેબજી !'

'પણ તું પાછો મળીશ ક્યારે?'

'હું ક્યારે મળીશ? અત્યારે કહી શકું નહિ.'

'વચન આપ કે તું મને મળ્યા વગર જઈશ નહિ.'

'હા, હા. મારું વચન છે. તને તે મળ્યા વગર જાઉં? તારાં છોકરાંને જોયા વગર ચાલે એમ નથી. પેલી ભૂરી આંખવાળી બાળકી જયા હવે મોટી થઈ હશે.'

આટલું કહી તેણે મોટર હંકાવી મૂકી. તેની બેસવાની ઢબ એવી ને એવી જ હતી. માત્ર તેનાં કપડાં તેના મનમાં સંકોચ ઉપજાવતાં હતાં એ હું જોઈ શક્યો.

મોટર ચાલી ગઈ અને હું વિચાર કરતો ફૂટપાથ ઉપર ઊભો.