પૃષ્ઠ:Pankaj.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૨ : પંકજ
 

દેખાયાં. યુવાન પ્રમોદરાય એક તકિયે આંખ મીંચી પડ્યા હતા. પ્રભાલક્ષ્મીનું યૌવન આકર્ષક હતું, પરંતુ પ્રમોદરાયની દ્રષ્ટિ યૌવનને ખોળતી નહોતી. પ્રભાલક્ષ્મીએ પૂછ્યું :

'શું છે? કેમ આમ ઉદાસ લાગો છો ?'

'કાંઈ નહિ.'

'ના, ના. કશું મનમાં છે.'

'અમસ્તું જ; જરા સૂઈ રહીશ.'

'જેને મારા સમ, મને ન કહે તે !'

'તું તો બહુ જિદ્દી. આજ ને આજ થોડા પૈસાની સગવડ કરવાની છે. બે જગાએ ગયો પણ કાંઈ બન્યું નહિ. '

'કેટલા જોઈએ?'

'બે હજાર.'

‘હજાર મારા પલ્લાના છે, અને હજાર ઘરેણામાંથી મળશે.' પ્રભાલક્ષ્મીએ કહ્યું.

પ્રમાદરાયે ન છૂટકે એ સૂચના સ્વીકારવી પડી. પરંતુ તેમાંથી તેમની શાખ પાછી બંધાઈ, અને ધીમે ધીમે તેઓ ધનવાન બની ગયા. તે દિવસે પ્રભાલક્ષ્મીએ પોતાના પલ્લાનો – ઘરેણાંનો મોહ રાખ્યો હોત તો ?

'વીણા !' એકાએક પ્રમોદરાય બૂમ પાડી ઊઠ્યા.

'જી.' કહી વીણા તરત અંદર આવી.

પ્રમોદરાયે ભૂલથી જ બૂમ પાડી. પ્રભાલક્ષ્મીને દવા પાવાનો વખત યાદ કરવા માટે તેમણે વીણાને બોલાવી હતી, પરંતુ પ્રભાલક્ષ્મી તો ગઈ કાલનાં માનવ દવાથી પર બની ગયાં હતાં ! પ્રમોદરાયને તે યાદ આવ્યું, અને તેમણે ભૂલ છુપાવતાં કહ્યું :

'બધાં શું કરો છો? કેમ કોઈ દેખાતું નથી ?'

'બધાં અહીં જ છે. હું બોલાવું?'

'ના. કાંઈ કામ નથી. હું જરા બાગમાં ફરું છું.'