પૃષ્ઠ:Pankaj.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વૃદ્ધ સ્નેહ : ૧૨૩
 


'જી, કોઈને સાથે મોકલું ?'

'અં હં.'

એમ પુત્રવધૂને કહી તેઓ બગીચામાં ફરવા નીકળ્યા. ફૂલની ક્યારીઓ ખીલવાને તત્પર હતી, છતાં પ્રમોદરાયની નજર સૌંદર્યભરી કળીઓ ઉપર પડી નહિ. તેમને તો જીર્ણ અમરાઈ અને વડવાઈઓને હિંચોળતી વૃક્ષઘટા જ ગમી. જાણે વૃક્ષરાજિમાં ફેલાયેલું આશ્રયદાતા, સહનશીલ માતૃત્વ ! પ્રભાલક્ષ્મીનાં એ પ્રતીક તો નહોતાં ? વૃદ્ધાવસ્થામાં ક્યું એ ભવ્ય સૌંદર્ય દેખાતું હશે ? વૃક્ષ નીચેની એક બેઠક પર તેઓ બેઠા.

'મારી કાળજી સહુ કોઈ રાખે એમ છે, પરંતુ યૌવનઘેલછાથી પર બનેલી, સવારથી રાત સુધી મારી આસપાસ ફરતી એની નજર તો હવે ગઈ જ ને?'

વૃક્ષમાં પવન ભરાયો. ડાળીઓ ચમ્મર કરવા લગી.

'જમતી વખતે આ ઉંમરે પણ એ તો પંખો નાખતી હતી.' પ્રમોદરાયને વિચાર આવ્યો.

તે ઊઠીને ઘર તરફ આવ્યા. સંધ્યાકાળનો સમય થયો હતો. સૂર્ય જતાં સૃષ્ટિની આંખો લાલ બની ગઈ.

'મારો યે સૂર્ય અસ્ત પામ્યો.'

એક યુવાન પ્રેમીના સરખું મરણ પ્રમોદરાયના મનમાં સતત ચાલ્યા કરતું હતું. એમાં માત્ર ન હતી ઘેલછા, ન હતો દેખાવ, ન હતું અધીરાપણું, ઘા વાગ્યો હતો, પરંતુ તેનો તરફડાટ બતાવી શકાતો નહિ. પ્રિય પત્ની નજર આગળથી ચાલી ગઈ હતી, પરંતુ તેનું રુદન શક્ય નહોતું. જગત ખાલી બની ગયું હતું : તો પણ પોકાર કરી જગતને ભરી દેવા માટેનું ક્ષમાયોગ્ય યૌવન તેમની પાસે નહોતું.

અંદર જઈ તેઓ પાછા ખુરશી ઉપર બેઠા. રોજ કરતાં દીવો વહેલો થયો, છતાં તેમને લાગ્યું કે દીવો કરવાનું સંભારનાર પત્નીનું સ્થાન ખાલી હતું. પિતાને એકલા બેઠેલા જોઈ પુત્રી અને પુત્રીઓ