પૃષ્ઠ:Pankaj.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૦ : પંકજ
 

ધમકાવવાની તક મળે તે પહેલાં તો પીયૂષે કહ્યું :

'વીણા ! પોલીસનાં માણસો આવ્યાં છે'

'પોલીસ? શા માટે?' ભયભીત બની વીણાએ પૂછ્યું. તેના મુખ ઉપરની સઘળી લાલાશ પોલીસના નામ સાથે જ શોષાઈ ગઈ.

'કોણ જાણે ! પણ તારું નામ દે છે.'

'મારું નામ? શા માટે ? '

'તારી અને ઘરની કાંઈ તપાસ કરવા માગે છે.'

વીણા ક્ષણ બેક્ષણ સ્થિર બની ગઈ. તેણે હાથમાં રહેલી ઝોળી તરફ અને ઓરડીના એક નાનકડા કબાટ તરફ જોયું. હસતું મુખ કરી તેણે પીયૂષને કહ્યું :

'પીયૂષ ? જરા ચોક્કસ ખબર કાઢ ને.'

'એ લોકો રોકાયા રોકાતા નથી, તારી ઓરડી જોવા માગે છે.'

'હરકત નહિ. પણ તું જરાઈને પૂછ તો ખરો કે શી વાત છે?'

પીયૂષે વીણાની શાન્તિમાં અને હાસ્યમાં કોઈ ભયાનક તત્ત્વ જોયું. તે ક્ષણભર તેના સામું જોઈ રહ્યો. અને ઝડપથી ઓરડીની બહાર નીકળી ગયો. બહાર નીકળતાં તેણે ઓરડીનાં બારણાં બંધ કર્યાં.

પરંતુ બારણાં બંધ કરી તે ત્યાં જ ઊભો રહ્યો. પોલીસને પૂછવા જવાની તેણે જરા ય આતુરતા બતાવી નહિ. પીયૂષના ચારિત્ર્યમાં આજ સુધી કોઈએ ખામી કાઢી ન હતી, બંધ બારણા પાછળ બનતા બનાવ જાણવાની કે જોવાની તેણે કદી તજવીજ કરી ન હતી; છતાં અત્યારે તે બારણાની તડમાંથી વીણાની ઓરડીમાં તીક્ષ્ણ દૃષ્ટિ નાખી રહ્યો. દરેક ક્ષણ આમ વીતી. એકાએક પીયૂષે બારણાને હડસેલી અંદર ધસારો કર્યો અને ફાળ ભરી તેણે વીણાનો હાથ પકડી લીધો.

વીણાના એક હાથમાં સુંદર ચમકતું જવાહીર હતું, અને બીજા