પૃષ્ઠ:Rachanatmak Karyakram.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રાસ્તાવિક


રચનાત્મક કાર્યક્રમને બીજી રીતે અને વધારે ઘટિત નામથી ઓળખાવીએ તો સત્ય ને અહિંસાનાં સાધન વડે પૂર્ણ સ્વરાજ એટલે કે સંપૂર્ણ સ્વતંત્રતાની રચના કહી શકાય.

સ્વતંત્રતાને નામે ઓળખાતી વસ્તુની હિંસા વડે અને તેથી ખસૂસ અસત્યનાં સાધનો વડે થતી રચનાના પ્રયાસો કેટલા બધા દુઃખદાયક હોય છે તે આપણે બરાબર જાણીએ છીએ. હાલ ચાલી રહેલી લડાઈમાં રોજેરોજ કેટલી મિલકતની ને કેટલાં માણસોની ખુવારી થઈ રહી છે, ને સત્યનું કેવું ખૂન થઈ રહ્યું છે !

સત્ય ને અહિંસા વડે સંપૂર્ણ સ્વતંત્રતાની સિદ્ધિ એટલે ન્યાતજાત, વર્ણ કે ધર્મના ભેદ વિના રાષ્ટ્રના એકેએક ઘટકની, અને તેમાંયે તેના રંકમાં રંક ઘટકની સ્વતંત્રતાની સિદ્ધિ. આવી સ્વતંત્રતામાંથી કોઈનેયે અળગા રાખવાપણું ન હોય. અને તેથી રાષ્ટ્રની બહાર બીજાં રાષ્ટ્રો સાથેના અને પ્રજાની અંદર તેના જુદા જુદા વર્ગોના પરસ્પરાવલંબન સાથે એ સ્વતંત્રતાનો પૂરેપૂરો મેળ હશે. અલબત્ત, જેમ આપણે દોરેલી કોઈ પણ લીટી યુક્લિડની તાત્ત્વિક વ્યાખ્યાની લીટીના કરતાં અધૂરી હોય તેમ તાત્ત્વિક સિદ્ધાંતના કરતાં તેનો વહેવારમાં અમલ અધૂરો રહે છે. તેથી જેટલા પ્રમાણમાં આપણે સત્ય ને અહિંસાનો વહેવારમાં અમલ કરીશું તેટલા જ પ્રમાણમાં આપણે મેળવેલી સંપૂર્ણ સ્વતંત્રતા સંપૂર્ણ હશે.

વાચક આખા રચનાત્મક કાર્યક્રમનો નકશો પોતાના મનમાં દોરી જોશે તો તે મારી વાત કબૂલ રાખશે કે, એ કાર્યક્રમનો સફળ અમલ થાય તો તેનું ફળ આપણને જે સ્વતંત્રતા જોઈએ છે તે જ હશે. ખુદ મિ.ઍમરીએ નથી કહ્યું કે, હિંદના મુખ્ય મુખ્ય પક્ષો જે સમજૂતી કરશે તેને માન્ય રાખવામાં આવશે ? મિ.ઍમરીની વાતને મારી ભાષામાં હું એવી રીતે કહું કે કોમી એકતા, જે રચનાત્મક કાર્યક્રમના અનેક મુદ્દાઓ પૈકીનો કેવળ એક મુદ્દો છે તેની સિદ્ધિ