આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૧૮
રાષ્ટ્રિકા
રણહાક
• ગીત[૧] •
તનમનધન તમ અર્પણ કરવા ગુર્જરજન સહુ ચાલો ! —
થનગનતા આંગણ હણહણતા હય મારે ખૂંખારા :
ભય હણતી રણહાક પડે ને માત કરે હોંકારા :
દિશદિશ ડગમગ ડોલે,
ભાવિ અનેરું ખોલે ;
અવસર વર કર ઝાલો,
અણગણ તારકગણ સમ ગરવા ગુર્જરરત્ન સહુ ચાલો !
જ્યો જી ! જ્યો જી ! જ્યો જી !
જ્યો જ્યો જ્યો જ્યો જી ! ૧
ગગન થકી અંગાર ઝરે ને અગન અગન દિલ બળતી,
પરમ વીરના પ્રાણતણી ત્યાં જ્યોતિ અધિક ઝળહળતી :
ભર રણને અજવાળે,
અરિજન સર્વ પ્રજાળે ;
જીવથકી જશ વહાલો—
નરતનનું ઉરધન ઉદ્ધરવા ગુર્જરજન સહુ ચાલો !—જ્યો જી ! ૨
- ↑ કવિવર રવીંન્દ્રનાથ ઠાકુરના "જનગણમન અધિનાયક જય હે ભારતભાગ્ય વિધાતા" એ રાષ્ટ્રગીતની ચાલ.