પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૨

કરી પાછી વળી, અને આકાશ ભણી જોતી હાથ જોડી નમ્ર સ્વરે બોલવા લાગી.

“ઈશ્વર અને ઈશ્વરીને નામે જેને જગત જાણે છે તે ઓ માજી! આ સંસારમાં તમે મને જન્મ આપ્યો, મને ક્ષણવાર મહાત્માનો આસંગ કરાવ્યો, અને અંતે તમે મ્હારા મનમાં એવી શ્રદ્ધા ઉત્પન્ન કરી છે કે તેમની તો શું પણ કોઈની કૃપાને હું પાત્ર નથી અને આ તમારી પવિત્ર સૃષ્ટિમાં રહેવાને હું રંક અનાથ બાળામાં યોગ્યતા પણ નથી અને શક્તિ પણ નથી. તો, માજી, હવે હું તમારાં નિરાકાર ચરણારવિન્દને પામવાનો પ્રયત્ન કરુંછું તેમાં નિરાશ ન કરસો. જાતે દેહ છોડવો એ લોકમાં પાપ ગણાય છે; એનું ફળ કષ્ટ ગણાય છે. પણ, મ્હારા જેવીને આ સંસારમાં ર્‌હેવું જેટલું કષ્ટ ભરેલું છે એવું કષ્ટ કોઈ પણ નરકમાં નહી હોય – અને – માજી, સંસાર અને તમારા મન્દિર વચ્ચે યમરાજનું ધામ છે તો ગમે તેવું પણ એ ધામ તમારા મન્દિરની પાસે છે એટલો તમારી પાસે આ સંસાર નથી. માજી, નથી ! નરકમાં પડ્યા પછી માણસને કપાળે વધારે પાપ કરવાનું લખેલું નથી. ત્યાંથી તે શિક્ષા પુરી થતાં તમારી પાસે જ આવવાનું, માટે માજી ! હું એ દુ:ખ ખમીશ અને તમારી પાસે આવીશ. માજી! મને એટલું ધૈર્ય આપો – એટલી મ્હારી છાતી ચલાવો.”

“માજી, હું દુ:ખી છું, અધમ છું, પાપી છું, મ્હારો કોઈને ખપ નથી, હું તમારી પાસે આવવા આતુર છું – મ્હારે આ સંસારમાંથી છુટકારો જોઈએ છીયે. માજી, સહસ્ત્રવાર ક્ષમા માગું છું, સહસ્ત્રધા આશ્રય માગું છું, અને હવે મ્હારાં દુઃખનો અંત આવ્યો સમજું છું.”

દક્ષિણ દિશા ભણી ફરી અને ઉભી. આઘેની ઉંચી ભેખડો અને તે ઉપરનાં ઝાડો અન્ધકારના પર્વત અને તેનાં શિખર જેવાં જણાતાં હતાં. યમરાજની એ દિશાને નમસ્કાર કરતી કરતી બોલી.

“પાસે છે જ પ્રકાશ, આધે છે અન્ધકાર,
“જીવન આ, એ પડદો મરણનેા! પાસે ૦
“પાસે છે સંસાર, આઘે એ યમરાજ,
“દુખ છે સંસાર, સુખ યમગૃહે ! પાસે૦
“ક્રુર છે આ સંસાર, દયાળુ યમરાજ,
“અશરણશરણ યમ ! નમો નમો ! પાસે૦
“યમ ! છો ધર્મરાજ, તમથી હું છું સનાથ,
“ધર્મરાજ, મને લ્યો ઉપાડીને ! પાસે૦ ”