પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૮
સોરઠી બહારવટીયા : ૩
 
૧૦

ભેંસાણ ગામને ઝાંપે એક દિવસ એક ચિઠ્ઠી બાંધેલી છે. સવારને પહોર લોકો નીકળે છે અને ચિઠ્ઠી ભાળી એ સાપની ફેણ હોય તેમ બ્હીને ચાલ્યા જાય છે. ગામના મૂછાળા મરદ ફોજદાર માણેકલાલને જાણ થઈ કે કોઈક જાસા ચિઠ્ઠી બાંધી ગયું છે. પાદર જઈને ફોજદારે જાસા ચિઠ્ઠી છોડી, વાંચી. અંદર લખ્યું હતું કે “માણેકલાલ ફોજદાર, કચેરીમાં બેસી કાદુ સામે ભારી મૂછો આમળો છો, માટે ભેંસાણ ભાંગવા અને તમારું નાક કાપવા આવું છું. મરદ હો તો બંદૂકો ભરીને બેસજો !”

ફોજદાર સાહેબ વાંચતા જાય છે તેમ તેમ છ મહિનાનો મંદવાડ હોય તેવા પીળા પડતા જાય છે. પડખે ઉભેલા નાના અમલદારો સામસામા મીંચકારા મારીને મૂછમાં હસી રહ્યા છે.

“ફિકર નહિ. ભલે આવતો કાદુ. આવશે તો ભરી પીશું.” એવા બોલ બોલવા છતાં માણેકલાલભાઈના પેટમાં શું હતું તે અછતું ન રહ્યું. પણ રૂવાબમાં ને રૂવાબમાં સાહેબ બેસી રહ્યા. બે ચાર દિવસ નીકળી ગયા. એમાં એક રાતે ગામમાં હલકું પડ્યું કે “ મકરાણી આવી પહોંચ્યા છે !” ભડાભડ બજારો દેવાઈ ગઈ, વેપારીઓ કાછડીના છેડા ખોસતા ખોસતા ચાવીના જૂડા લઈને ઘર ભેગા થઈ ગયા. અને ગામના કાઠી લોકોની વસ્તી જાડી હોવાથી કાઠીઓ મોરચા પકડવા મંડ્યા. એક ઉતાવળીયા જણે તો બંદૂકનો અવાજ પણ કરી નાખ્યો. એટલે સરકારી લાઈનમાં ઝાલર વાગી અને ગોકીરો વધ્યો.

ફોજદાર સાહેબ માણેકલાલભાઈ દિવાલ ઠેકીને ભાગ્યા. વાંસે એક ભરવાડનું ઘર હતું તેમાં ભરાયા, અને ભરવાડણને કરગર્યા કે “તારે પગે લાગું. મને તારાં લૂગડાં દે !”

ભરવાડણે પોતાનું પેરણું અને ધાબળી દીધાં. માણેકલાલભાઈ એ પહેરીને ઘંટીએ બેઠા. આખી રાત ધૂમટો તાણીને