પૃષ્ઠ:Van Vruksho.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દેવદારનું ઝાડ ઘણું ઊંચું થાય છે. કેટલાં ય વર્ષે એને ફળ આવે, ત્યારે એમ પણ હશે જ ને કે એ ભીંડા પેઠે આજ થાય ને કાલે મરે પણ નહિ ! ઝટ જન્મે, ઝટ ફળે ને ઝટ મરે તે ભીંડો; પણ દેવદાર તો સો સો અને બસો બસો વર્ષ સુધી જીવે છે. આંબો પણ ઘણું જીવે છે. સાગ પણ ઘણું જીવે છે. એવાં મોંઘાં ઝાડ ઝટ થઈને ઝટ મરે તો પાર ક્યાં આવે ?

સાગ, દેવદાર એ બધાં એક જંગલમાં વસવાવાળાં, એક જ હિમાલયના હિમના પહાડો જોવાવાળાં, ને આકાશ સાથે વાતો કરવાવાળાં. એમ છતાં માણસે માણસે ફેર, એમ ઝાડે ઝાડે ફેર તો છે જ. સાગ બહુ ભારે છે તો દેવદાર બહુ હળવો છે. સાગનો રંગ એક જાતનો તો દેવદારનો બીજી જાતનો, સાગ ઇમારતમાં કામ આવે ત્યારે દેવદાર સાધારણ જાતના ફરનીચરમાં કામ આવે.

બસ, ત્યારે દેવદારની વાત આટલી છે. બાકીની વાત તમે મોટા થાવ ત્યારે હિમાલયમાં જઈને જાણજો. મને કાંઈ બધી વાત ન આવડે.