પૃષ્ઠ:Van Vruksho.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


દેવદાર


એક વાર અમારે ત્યાં વૈદ ઉકાળાની યાદી લખાવતા હતા તેમાં દેવદાર પણ લખાવેલો. બાપાજી ઉકાળાની ચીજો લાવ્યા ત્યારે મેં પૂછ્યું : " બાપુ ! આમાં દેવદાર કયો ?"

મને તેમણે એક લાકડાનો કટકો બતાવ્યો. દેવદારનો કકડો જરા લાલ ધોળો હતો, તેમાંથી સુગંધ આવતી હતી. મેં તેમાંથી એક નાનો કકડો લઈ લીધો ને સૂંઘવા માટે ગજવામાં રાખી મૂક્યો. કેટલા ય દિવસ સુધી નાના કકડાને મેં સૂંઘ્યો. જેમ સુખડના કટકામાંથી વાસ આવે છે તેમ તેમાંથી એક જાતની વાસ આવતી.

ઘણા વખત પછી મને ખબર પડી કે કેટલાક ધૂપના ભૂકામાં દેવદાર પણ વાપરવામાં આવે છે. મેં પોતે તે બાળી જોયો છે ને જાણ્યું કે તેની વાસ સુંદર આવે છે.

થોડા જ વખત પહેલાં ખબર પડી કે ટરપેન્ટાઈન તેલ દેવદારમાંથી બને છે. મને લાગે છે કે કડવા દેવદારમાંથી ટરપેન્ટાઈન નીકળતું હશે.

ભીંડો ચોમાસામાં વાવીએ અને થોડા દહાડામાં એને શિંગો આવે; બોરડી વરસ બે વરસમાં મોટી થાય ને તેના ઉપર બોર આવે; એટલે આપણે તો એમ જ માનીએ કે ઝાડ ઉપર ફળો ઝટઝટ આવતાં હશે. ત્રીશ ચાળીસ વર્ષે દેવદારને ફળ આવે છે એવું કોઈએ નાનપણમાં મને કહ્યું હોત તો હું માનત જ નહિ. પણ વાત તદ્દન સાચી છે.