પૃષ્ઠ:Van Vruksho.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નેતર વાળીએ તેમ વળે તેવું છે. ચોપડીઓમાં તેને માટે અઘરું વિશેષણ લખેલું છે; વાળીએ તેવું વળે ને પાછું હતું તેમ થઈ જાય એટલે સ્થિતિસ્થાપક.

વાંસની સોટી જેમ નેતર ભાંગી જતું નથી. તે ઘણું ચીકણું છે એટલે જ માસ્તરો નેતરની સોટી પસંદ કરે છે. છોકરાનો બરડો ભાંગે પણ નેતરની સોટી ન તૂટે ! પણ મને લાગે છે કે નિશાળના બધા છોકરા ભેગા મળીને માસ્તરના વાંસા ઉપર એને ભાંગી શકે ખરા. પણ આવું કોઈ કરશો નહિ, હો ભાઈ !

કોઈ કહેશો કે નેતરનું ઝાડ કેટલા હાથ ઊંચું થતું હશે ?

તમે નથી કહેતા ત્યારે લ્યો હું કહું. તે ત્રીશથી ચાળીશ હાથ ઊંચું થાય છે. ઊંચું થાય છે છતાં તે ભલા માણસ પેઠે ખૂબ નમે છે. ભલાઈથી નમવું બહુ સારું છે, પણ નેતરની સોટીથી નમવું એ કાંઈ સારું નથી !