પૃષ્ઠ:Van Vruksho.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


નાળિયેરી


પક્ષીઓમાં મોરને માથે કલગી છે એમ ઝાડમાં નાળિયેરીને માથે મુગટ છે. પવન આવે છે ત્યારે મુગટ ભજન કરતા ભજનિકના તંબૂર ઉપર જેમ મોરપીછાં ડોલે છે, તેવી રીતે ડોલે છે.

તમે ચિત્રકાર હો તો ભૂરા આકાશ નીચે અને દરિયાના ભૂરા ધોળા પાણી નજીક ઊગેલા નાળિયેરીના ઝાડને આબાદ ચીતરવાનું મન થઈ જાય. તમે તેનું થડ રાખોડિયું કાઢી લીલી પટ્ટીથી તેને શણગારશો.

મોમ્બાસામાં આવેલી મ્નાજીમોજાની જગા હું કદી ભૂલ્યો નથી. મ્નાજી એટલે નાળિયેરી અને મોજા એટલે એક : એક નાળિયેરી. અસલ આ જગાએ એક નાળિયેરી હતી. પછીથી ત્યાં અનેક નાળિયેરીઓ થઈ, પણ એ જગાનું નામ તો મ્નાજીમોજા જ રહી ગયું.

એસ્કાર્પમેન્ટના મોટા શામ્બા (ખેતર)માં આવેલાં નાળિયેરીનાં ઝાડો નીચે બેસી ધરાઈ ધરાઈને નાળિયેરીનાં મીઠાં પાણી પીધેલાં એ કેમ ભુલાય ?

મારા ભાઈબંધો કાચા નાળિયેરમાંથી પાણી પીધા પછી તેમાંથી ધોળું કાચું ટોપરું મને વહાલ કરી ખવરાવતા હતા. તે વાતને આજે વીશ વર્ષો વીતી ગયાં છે.

જંગબારનાં મહાફળો એટલે લીલાં નાળિયેર ઉપર મેં એક વાર કવિતા કરેલી. પણ એ ખોવાઈ ગઈ, એટલે દિલગીર છું કે અહીં લખી શકતો નથી.

જંગબાર અને પૂર્વ આફ્રિકાનો કિનારો એ નાળિયેરીનાં ઘર છે.