પૃષ્ઠ:Van Vruksho.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


ખાખરો

ખાખરો એટલે પ્રશ્નોરા નાગર ગૃહસ્થોનાં બાળકો સવારે ઊઠીને દૂધમાં બાંધીને કરેલી ટાઢી રોટલી ખાય છે તે નહિ. ખાખરો એટલે ચૂરમું બનાવવા માટે બ્રાહ્મણો ઘઉંના લોટની મોટી જાડી બાટી બનાવે છે તે પણ નહિ. ખાખરો એટલે માર પણ નહિ. પરંતુ ખાખરો એટલે એક જાતનું ઝાડ.


ખાખરાનું સંસ્કૃત નામ છે પલાશ. ઋષિમુનિઓ આ પલાશ એટલે ખાખરાનાં પાતળાં લાકડાંની સમિધ કરતા. સમિધ એટલે યજ્ઞકુંડમાં હોમવાનાં લાકડાં. હજી પણ યજ્ઞ કરનારાઓ ખાખરાની સમિધ એકઠી કરે છે અને યજ્ઞકુંડમાં હોમે છે.

બ્રાહ્મણોનાં બાળકોને જનોઈ દે છે ત્યારે ખાખરાની ડાળીનો દંડ કરે છે, ને તે દંડ ઉપર ભિક્ષા બાંધે છે. સંન્યાસીઓ પણ ખાખરાની ડાળીનો દંડ ધારણ કરે છે.

ખાખરાનું ઝાડ નહિ બહુ ઊંચું, નહિ બહુ નીચું, એવું થાય છે. ઝાડનાં પાંદડાં ગુંદાનાં પાંદડાં જેવાં અને જેવડાં થાય છે. બ્રાહ્મણો ખાખરાનાં અને ગુંદાનાં પાંદડાંનાં પડિયાપતરાવાળાં કરે છે, ને તેમાં લાડુ જમે છે.

ખાખરાનું ઝાડ રૂપાળું નથી પણ તેનાં ફૂલ બહુ રૂપાળાં છે. ખાખરાનાં ફૂલ એટલે કેસૂડાં.

જ્યારે ખાખરા ઉપર કેસૂડાં આવે છે ત્યારે ખાખરાની સુરત બદલાઇ જાય છે. કેસરી રંગનાં ફૂલોથી ખાખરો ઢંકાઈ જાય છે. જાણે કેસરી વાઘા સજેલો કોઇ