પૃષ્ઠ:Van Vruksho.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બીજા ઘરમાં આંબળાનો મુરબ્બો થવા લાગ્યો. ચાસણીમાં બાફેલાં આંબળાંને નાખ્યાં, ને ખાટાં આંબળાંને ગળ્યાં બનાવ્યાં. જરા જરા તાજા મુરબ્બાને ચાખી બાકીનો મુરબ્બો શેઠાણીએ કાચની બરણીમાં ભરાવ્યો. શેઠાણી કહે : “જરા ગળશે, એટલે પછી છોકરાઓ ને ખવરાવીશું.”

ત્રીજા ઘરમાં આંબળાંની ત્રીજી દશા થઈ. એ ઘર જીવન બનાવનારનું હતું. જાતજાતની દવાઓ સાથે આંબળાંને મેળવી તેનું ‘આંબળાંનું જીવન’ બનાવ્યું ને વેચવા માટે બાટલીઓમાં ભર્યું. બાટલીઓ ઉપર ચિઠ્ઠી મારી : “શુદ્ધ આંબળાંનું જીવન.”

એક જ જંગલનાં આંબળા અને ઝાડઝાડનાં આંબળાં ટોપલામાં ભેગાં થયાં હતાં ને ભેગાં બેઠાં આરામ કરતાં હતાં; ત્યાંથી તે છુટાં પડયાં ને જાતજાતની દશા પામ્યાં.

પણ હજી એની વાત અધૂરી છે. ચોથું ઘર વૈદનું હતું. વૈદે આંબળાંને સૂકવ્યાં. સૂકાં આંબળાંને ખાંડીને ભૂકો કર્યો ને ‘આંબળાનો અવલેહ’ બનાવ્યો.

પણ નાનાં નાનાં સૂકાં આંબળાંના તો માત્ર કટકા જ કર્યા ને ઘણા દિવસ સુધી તે વૈદનાં છોકરાંએ મુખવાસ તરીકે ખાધા.

લીલું આમળું કે સૂકું આંબળું ખાધા પછી પાણી પીવાની મજા પડે છે. પાણી મીઠું મીઠું ને ગળ્યું ગળ્યું લાગે છે. છોકરાંઓને તો આવું જ ગમે, એટલે આંબળાં ખાતાં જાય ને પાણી પીતાં જાય.

વૈદરાજે સૂકાં આંબળાંનો ભૂકો કરાવ્યો ને હરડાં ને બહેડાંના ભૂકા સાથે સરખે ભાગે મેળવીને ત્રિફળાં બનાવ્યા. ત્રિફળાં એટલે ત્રણ જાતનાં ફળ.