પૃષ્ઠ:Van Vruksho.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


આમળી

એક હતું ઝાડ; એનું નામ પછી કહીશ. એ ઝાડ ઊંચું હતું; એનાં પાન ખીજડાનાં પાન જેવાં હતાં.

દિવાળી ગઈ ને કારતક મહિનો બેઠો. આમળી ઉપર નાનાં નાનાં આંબળાં આવ્યાં, ને થોડા દિવસમાં મોટાં થયાં.

ઝાડે ઝાડે આંબળાં વીણનાર પહોંચ્યા ને ટોપલેટોપલા ભરી આંબળાં બજારે લાવ્યા.

“લેવા છે કોઈને ધોળાં મોટાં આંબળાં ?”

એક જણ આવ્યો ને શેર આંબળાં લીધાં; બીજો જણ આવ્યો ને બશેર લીધાં; ગાડીમાંથી વાણિયો ઊતર્યો ને પાંચ શેર આંબળાં ખરીદ્યાં; મોટરમાંથી કોક મોટું માણસ ઉતર્યું ને બધાં ય આંબળાં ખરીદી લીધાં.

બેચાર પગે ચાલતા સાધારણ માણસો આવ્યા ને આંબળા માગ્યાં. આંબળાંવાળાએ કહ્યું : “ભાઈ ! આજ તો આંબળાં ખપી ગયાં; પેલા મોટરવાળાએ બધા લઈ લીધાં. કાલે આવજો; કાલે આવવાનો છું.

આંબળાં ખરીદાઈને કેટલે ય ઘરે પહોંચી ગયાં એક ઘરે એનું શાક કર્યું; કાચી કેરીનું શાક થાય એમ આંબળાંનું પણ શાક કર્યું. આંબળાને બાફવું પડ્યું, વઘારમાં વઘારાવું પડ્યું અને પછી મીઠું મરચું વગેરે મસાલાથી મશાલાવું પડ્યું. હોંશેહોંશે આંબળાંના શાકને ઘરના બધા લોકોએ ખાધું.