પૃષ્ઠ:Van Vruksho.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


કોકમ

માણસો દાળમાં કોકમ નાખે છે તે તમે જાણો છો.

કોકમનો સ્વાદ અને રંગ કેવો છે તે તમે જાણો છો.

શિયાળામાં હાથપગની ચામડી અને હોઠ ફાટી જાય છે ત્યારે ધોળું કોકમનું ઘી તમે લગાડતા હશો; જો કે હાલના સુધરેલા જમાનામાં ઘણા લોકો કોકમના ઘીના બદલે વેસેલાઈન લગાડે છે.

કોઈ સારો ભૂગોળ ભણાવનાર હશે તો તમને એમ ભણાવશે કે કોકમ કોંકણ અને કર્ણાટક દેશમાં ઘણાં થાય છે.

કોંકણ અને કર્ણાટકના છોકરાઓ કહેશે કે અમે રાતાં કોકમ ખાધેલાં છે, અંદરનું પાણી પીધેલું છે, એનાં બિયામાંથી મીણ જેવું જાડું ને ધોળું તેલ કાઢેલું છે.

છાશને બદલે તમારી ડાહી બા કોકમની કઢી કોઈ કોઈ વાર કરતી હશે, અને તમે તે ખાધી હશે.

દક્ષિણી લોકોને ઘેર જાવ ત્યારે કહેજો કે " અમને કોકમનું સાર બનાવીને ચખાડો ને ? " કોકમનું સાર મીઠું થાય છે.

બીજી ચટણીઓ વેચવાવાળા દુકાનદારો હાલમાં કોકમની ચટણી બનાવે છે; ચેવડા સાથે એની ચટણી મીઠી લાગે છે.

કહો હવે કોકમ વિષે બાકી શું રહ્યું ?