પૃષ્ઠ:Van Vruksho.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અર્જુને બીલીનાં પાંદડાં કાઢી નાખ્યાં, સહદેવે હસીને કહ્યું : "જુઓ ભીમ ! આ તો લોટી છે."

નકુળે કહ્યું : "એ તો મેં ઊંધી વાળી હતી. હું દિશાએ લઈ ગયો હતો."

ભીમે આંખ બંધ કરી. તેની આંખ આગળ લોટીને બદલે શંકર જ દેખાતા હતા. તેણે કહ્યું : "એ લોટી નથી, શંકર છે."

"ના, ના." કહી સૌ ભીમને ચીડવવા લાગ્યા.

ભીમે સામેથી ખિજાઈને ગેડીનો લોટી ઉપર ઘા કર્યો. ત્યાં તો નીચેથી દૂધની ધારાઓ છૂટી અને શંકરનું સુંદર બાણ દેખાયું. સૌ બાણને અને ભીમને નમી પડ્યા.

તે દિવસથી એ શંકરનું નામ ભીમનાથ પડ્યું. બરવાળાની પેલી પાર ભીમનાથ નામના મહાદેવ છે. જાળ્યની જગ્યા નીચે તેનો વાસ છે. દર વર્ષે ત્યાં મેળો ભરાય છે. ભીમની ભક્તિએ માટીની લોટીને અને જાળ્યના ઝાડને પ્રસિદ્ધ કર્યાં છે. અમર કર્યાં છે.

જાળ્ય કાંટા વિનાનું ઝાડ છે; તેનાં પાંદડાં લીલાંછમ રહે છે; તેનો છાંયો ઘટ્ટ હોય છે. પણ જાળ્યનું ઝાડ વડ જેવું વિશાળ નથી એટલે છાંયાનો ઘેરાવો ઓછો હોય છે.

તોપણ ઝાડ નીચે બેપાંચ ગાયો બેસે છે. જાળ્ય ઉપર બેઠેલો ગોવાળિયો દૂરનાં ઝાંઝવાનાં જળ જોતો જોતો બપોર વિતાવે છે.