પૃષ્ઠ:Van Vruksho.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પીલુટાણે કહે છે કે કોયલની ચાંચ પાકે. પીલુટાણે એટલે વસંત-ગ્રીષ્મની સંધિ. આંબે મોર આવે ને મરવા બેસે ને જાળ્યે મોતી જેવાં પીલુ આવે. કોઈ જાળ્યે ધોળાં મોતી આવે ને કોઈ જાળ્યે ફૂલગુલાબી મોતી આવે.

જાળ્યનાં પીલુનો ઝૂમખો જાણે કે લાલધોળાં મોતીનું ઝુમ્મર હોય એવો લાગે.

આંબાના મોરનાં વાસ અને રૂપ બંને ગમે, પણ રૂપમાં તો જાળ્યનાં પીલુ ચડે.

ગામડાંના છોકરાંઓને પીલુટાણું એટલે ઉજાણી. પાદરે જાય અને છોકરાંઓ પીલુડીએ ચડી પીલુ ખાધા જ કરે. એક પીલુ ચૂંટે અને એક ખાય; ખાતાં ધરાય જ નહિ.

હોંશીલાં છોકરાંઓ નાનાં ભાઈભાંડું માટે પીલુનાં ડાખળાં ઘેર લાવે.

ગામડામાં બાપા સીમથી પાછા આવતા હોય કે બા નદીએ પાણી ભરી ઘેર આવતી હોય ત્યારે બેપાંચ પીલુનાં ડાળખાં હાથમાં લેતાં આવે.

કોળણો અને ભીલડીઓ જાળ્યનાં પીલુ વેચવા આવે. "લેવાં છે સાકરિયાં પીલુ !" જાળ્યનાં પીલુમાં ઠળિયા નથી હોતા. છોકરાં દાણાને બરોબર પીલુ લઈને બુકડાવી જાય છે. સાચે જ પીલુ મીઠાં સાકર જેવાં લાગે છે.

પીલુડી જાળ્યની જ જાત છે, પણ તેને ઠળિયાવાળાં પીલુ આવે છે. ચણીબોરથી સહેજ નાનાં કે તેના જેવડાં રંગબેરંગી તે હોય છે. પીલુ શહેરમાં વેચાવા આવે છે. દેખાવમાં બહુ સુંદર લાગે છે. જાણે જાતજાતનાં મોતી જોઈ લ્યો !

પાણીમાં પીલુ નાખીને જોઈએ ત્યારે જોવાની બહુ મજા આવે છે.