પૃષ્ઠ:Van Vruksho.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગામડાના છોકરાઓ ભાતું લીધા વિના વનમાં વગર પૂછે ઉજાણીએ ઉપડી જાય છે. આંબલી તેમને કાતરા આપે છે, બોરડી બોર આપે છે, પીલુડી પીલુ આપે છે અને ગાંડો બાવળ પોતાની શીંગો આપે છે. ચોળીની શીંગો જેવી લાંબી અને ભરાવદાર દાણાવાળી ગાંડા બાવળની શીંગોના લૂમખાના લૂમખા બાવળ ઉપર સુંદર દેખાય છે. ગધેડાની પીઠ ઉપર ટેકો દઈ બાવળ પર ચડી જનારા ગામડિયા છોકરાઓ લૂમખાના લૂમખા નીચે પાડે છે.

શીંગોમાંથી મીજ કાઢી, મીજમાંથી ધોળું પડ કાઢી છોકરાઓ તે હોંશે હોંશે ખાય છે, જે જરા ગળ્યું ગળ્યું લાગે છે. કૂણાં બીયાંને વઘારીને પણ નાનાં બાળકો ખાય છે.

માબાપોને આની ખબર જ નથી હોતી, પણ ગાંડા બાવળને તેની પૂરેપૂરી જાણ છે. લોકોએ તેને ગાંડો બાવળ એટલા માટે કહ્યો હોય કે તે છોકરાઓ ભેગા કરે છે અને ખવરાવે છે. માબાપોને મન નિશાળ જેવું કોઈ ડાહ્યું નથી અને છોકરાઓને મન આ ગાંડા બાવળ જેવાં કેટલાં ય જણ બહુ ડાહ્યાં લાગે છે ! મને તો ગાંડો બાવળ બહુ ડાહ્યો લાગે છે.