પૃષ્ઠ:Van Vruksho.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


લીલો બાવળ

મારા ફળિયામાં ઊગેલો છે તે ડાહ્યો બાવળે નથી ને ગાંડો બાવળે નથી. ગાંડો બાવળ ગાંડો નથી હોતો; લોકોએ એને ગાંડો શા માટે કહ્યો હશે તેનું કારણ લોકો જાણે, અને ડાહ્યા બાવળને ડાહ્યો કહેવામાં લોકોએ એમાં કયું ડહાપણ ભાળ્યું હશે તે મને તો કદી નથી સમજાયું. લોકો ડાહ્યા બાવળનાં દાતણ કરે છે અને ગાંડો બાવળ દાતણના કામમાં નથી આવતો એટલા માટે ઉપયોગી તે ડાહ્યો અને પોતાને નહિ ઉપયોગી તે ગાંડો એમ વખતે ઠરાવ્યું હોય ! લોકોનો સ્વભાવ તો એવો જ છે. જે બાળકો ઝટપટ ઊઠીને માબાપનું કામ કરે છે તેને તેઓ ડાહ્યાં કહે છે, અને જેઓ કોઈ પણ કારણે કામ નથી કરી શકતાં તેમને તેઓ ગાંડા કહે છે. લોકોનું ધોરણ ઉઘાડી રીતે સ્વાર્થનું છે. લોકોના સ્વાર્થમાં બિચારાં બાળકોને, ઝાડોને અને પોતાના સિવાય સૌને સહેવાનું.

સારું છે કે આ લીલો બાવળ લોકોના ઝપાટે નથી ચડ્યો. એનું કારણ છે. એ પરદેશી છે. કદાચ પરદેશીથી લોકો ડરે છે તેમ આ બાવળથી યે ડર્યાં હોય અને તેનું નામ ન લીધું હોય તો તે સંભવિત છે ! અગર તો તેઓ આ પરદેશથી આવનારને હજી કૌતુક અને વહેમથી જોતા હોય અને તેને વિષે કંઈ કહેતા પહેલાં સાવધાની રાખતા હોય એમ બનવું ય સ્વાભાવિક છે.

અમે એને લીલો બાવળ કહીએ છીએ કારણ કે તે બારે માસ લીલો રહે છે. પરદેશમાં આવાં કાયમી લીલાં ઝાડો છે તેમાંથી આવેલ આ ભાઈ કદાચ ને હોય ! કોઈ કહેતું હતું કે આ બાવળ ઓસ્ટ્રેલીયાનો વતની છે; કદાચ એમ હશે.

બાવળ કાયમ લીલો છે એટલે એ હમેશની શોભા છે. અને છતાં પાનખરમાં તે બૂંઠો નથી થતો એટલે જ વસંતમાં તેની શોભા વધી જતી નથી. એ એનું ભાગ્ય કહો એ દુર્ભાગ્ય કહો, પણ એ તો હમેશાં એવો ને એવો જ રહેવાનો. પાંદડાં લજામણી જેમ બિડાઈ જાય છે; અને મા બાળકને પારણે ઝૂલાવે તેમ જ ફક્ત પવનની દોરીએ તે હળુ હળુ ઝૂલે છે.