પૃષ્ઠ:Van Vruksho.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લીલા બાવળને કાંટા તો છે; પણ ડાહ્યા બાવળના કાંટાની જેમ નીચે પડીપડીને માણસોને તે લાગતા નથી. ડાહ્યા કહેવાતા માણસો ય બીજાઓને ધાર્યા કરતાં વધારે લાગે છે, એની સાક્ષી ડાહ્યો બાવળ આપી શકે છે. લીલા બાવળના કાંટા ઝાડ ઉપર જ રહે છે, અને સંભાળીને ઝાડ ઉપર ચડે તો તે કોઈને લાગતા પણ નથી. કાંટા કાંટામાં યે ફેર છે. બોરડીના કાંટાને લાગ્યા વિના રહેવાય જ નહિ; ગુલાબના કાંટાનો પણ એવો જ સ્વભાવ ઘડાયેલો. આ વળી લીલા બાવળના કાંટાનો સ્વભાવ જરા સારો છે; એની કેળવણી સારી હશે.

લીલા બાવળને પરડા નથી થતા પણ શીંગો તો થાય છે. ખીજડાને જેવી સાંગરો થાય છે એવી જ સાંગરો લીલા બાવળને થાય છે. પક્ષીઓમાં પોપટ અને માણસોમાં નાના બાળકોને સાંગર બહુ ભાવે છે. પોપટને લીલી અને બાળકોને સૂકી સાંગરો બહુ ભાવે છે. એટલે તો બંનેમાં તફાવત હોય જ ના ?

લીલા બાવળનાં ફૂલો તલબાજરડાના જેવાં થાય છે. એમાં ક્યાં ને કેવી રીતે મધ રહેતું હશે તે તો સક્કરખોરાઓ જાણે; પણ સક્કરખોરા તેમાંથી મધ લેવા આવે છે ખરા ! બરાબર બારીક અવલોકન કરી નક્કી કરવા માટે એક બાયનોક્યૂલર ગળે લટકાવી જ રાખવું જોઈએ.

લીલો બાવળ અમારા આંગણાની શોભા છે. સવારે સૂર્યના તડકાને પોતાના શરીરની ચારણીમાંથી ચાળી ચાળીને અમારા ઉપર-ઘર અને ફળિયા ઉપર પાથરે છે, રાતે ચાંદનીની ધોળી ચાદરમાં કાળી ભાત પાડવાનું કામ પણ એનું જ છે. દિવસે કે રાતે આકાશને આખું જોવામાં આડે આવી ઊભો રહેનાર પણ એ જ છે.

પવન સાથે લહેરો લેવાનું લીલા બાવળને બહુ ગમે છે. હિલોળેલ જેમ હિલોળા લેતો જાય છે ને ઝીણા સુસવાટે દુહાસોરઠા લલકારતો જાય છે. એની