પૃષ્ઠ:Van Vruksho.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


ચંદનવૃક્ષ

નાનપણમાં ઓરશિયા ઉપર સુખડ ઘસતાં ઘણી વારે આવડેલું. ઉતારેલું ચંદન કળશિયા ઉપર લગાડી બાળકેશ્વરની પૂજા કરવા જતા, અને મહાદેવને ઠંડા પાણીથી નવરાવી તેના ઉપર ચંદન લગાડતા. મહાદેવના ઠંડે કપાળે ઠંડા ચંદનનાં ત્રિપુંડ કરતાં આંગળાંને આનંદ આવતો.

ચંદનમાં પિત્તળનું ટીલું બોળીને કપાળે ટીલું એટલા માટે બનાવતા કે મોટાભાઈ જેમ આંગળી વડે ટીલું કરતાં આવડતું નહોતું.

ઘણાં વર્ષો વહી ગયાં મહુવાના બાગમાં ૨૭ વર્ષની ઉંમરે હું ફરતો હતો. કોઈએ મને કહ્યું : "ચંદનનું ઝાડ જોયું છે ? ચાલો બતાવું." મને થયું કે તે કોણ જાણે કેવું યે હશે ! વાર્તામાં વાંચેલું કે ચંદનને ઝાડે સાપો વીંટળાયેલા રહે છે એટલે હું તો ચંદનનું ઝાડ, વીંટળાયેલા સાપ અને તેની ખુશબો માટે ઉત્સુક બનીને ઉતાવળો ચાલ્યો.

કોઈએ કહ્યું : "આ જ ચંદનનું ઝાડ."

હું પાછો પડી ગયો અને આશ્ચર્ય સાથે તેના સામે જોઈ રહ્યો. મેં પૂછ્યું : "આ જ ચંદનનું ઝાડ ?"

સાધારણ બોરડી જેવડું, ગૂંદી કે લીમડાની થડડાળ જેવું અને પાંદડે લીમડા જેવું ભૂખડું ઝાડ હતું. મને થયું : "શાસ્ત્રમાં કહ્યું છે કે आकृतिर्गुणान् कथयति એટલે આકૃતિ ઉપરથી ગુણની ખબર પડે છે, તે અહીં તો સાચું નથી લાગતું."