પૃષ્ઠ:Van Vruksho.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અમે ચંદનનું છોડિયું કાપ્યું અને સૂંઘ્યું; ચંદનની સુવાસ આવતી હતી. પણ તે કઈ જાતનું હતું તેની પૂછપરછ કરવાનું સાંભર્યું નહિ. ચંદનનાં ઝાડો બે ત્રણ જાતનાં થાય છે. એક જાતને મલયગિરિ ચંદન કહે છે, બીજાને બર્બર ચંદન કહે છે, ત્રીજાને શબર ચંદન કહે છે, અને ચોથાને હરિચંદન કહે છે. વાત બરાબર છે.

સંસ્કૃતમાં કહેલું છે કે --

घृष्टं घृष्टं पुनरपि पुनश्चंदन चारुगन्धम् ।

એટલે જેમ જેમ ચંદનને ઘસીએ તેમ તેમ તેમાંથી વધારે ને વધારે સુગંધ નીકળે. હરિચંદન વિષે ભવભૂતિએ લખેલા ઉત્તરરામચરિત નામના નાટકમાં લખેલું છે --

पश्चोतनं नु हरिचन्दनपल्लवानाम् ।

મુદ્દે વાત એમ છે કે હરિચંદન બહુ શીતળ છે; બધાં ચંદનનો ગુણ શીતળ તો છે જ. પણ નવાઈ જેવું છે કે તે બધાંનો સ્વાદ કડવો છે.

સુખડનાં ઝાડ કાઠિયાવાડમાં થાય છે એમ રખે માનતા. પણ મહુવા એ અમારા કાઠિયાવાડનો નાનકડો બાગ છે; ત્યાં એકાદ ઝાડ કોઈએ શોખથી આણેલું છે. બાકી સુખડનાં મોટાં ઝાડ મલબાર પ્રાંતમાં થાય છે. અને મલબાર પ્રાંત હિંદુસ્તાનને પશ્ચિમ કિનારે પગે લાંબો થઈ પડેલો છે.

સુખડનું ઝાડ પવિત્ર ગણાય છે. પારસી લોકો આતશબહેરામમાં હંમેશાં ચંદન જ વાપરે છે. પારસી લોકોને રંગ છે. તેઓ ઈરાનમાંથી આવ્યા ત્યારે ત્યાંથી પોતાના ઘરનો અગ્નિ સાથે લાવ્યા છે, અને સુખડનાં લાકડાંથી આજ સુધી બળતો રાખ્યો છે. એ વાતને આજે ૧૩૦૦-૧૪૦૦ વર્ષ થયાં છે. જે જગ્યાએ