પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૭
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૫૭
 

લોકવાર્તાનું સાહિત્ય તેને માન આપીએ જ. બાદશાહ ને બીરબલ'ની વાતો આવી વાર્તાઓનો ભંડાર છે. 'ટચુકડી સો વાતો' તે બાળવાર્તાઓ નથી પણ ચતુરાઈનો મહિમા ગાનારી વાર્તાઓનો સંગ્રહ છે. એક રીતે કૌતકમાળા’ની વાર્તાઓ પણ આવા જ પ્રકારની છે. (૮) પૌરાણિક વાતો ૨૫૭ ખુદ પુરાણની વાતો અને તે ઉપરથી જુદો જુદો વેશબદલો કરીને ચાલતી વાતો પૌરાણિક વાતો કહેવાય. આવી વાર્તાઓનો તોટો નથી. આનો એક સારો એવો સંગ્રહ આવશ્યક છે. આપણાં પુરાણો તો વાર્તાઓની કામધેનુ કે કલ્પવૃક્ષ છે. એમ કહેવામાં ખોટું નથી કે પુરાણો વાર્તાઓનું માહેરઘર છે. ઘણી ઘણી લોકવાર્તાઓ પુરાણોમાંથી ઉદ્ભવેલી છે. (૯) શૂરાઓની વાતો કાઠિયાવાડ જેવા અદ્ભુત પહાડી મુલકમાં શૂરાઓની વાતો ન હોય તો બીજે કયાં હોય ? ચાતુરીની વાતો કાઠિયાવાડના વ્યવહારકુશળ વાણિયાના મોંમા જેટલી શોભે છે તેટલી જ આ શૂરાઓની વાતો કાઠિયાવાડના વીરનરોનું ગુણગાન ગાનારા ભાટચારણોને મોઢે શોભે છે. કાઠિયાવાડનો એક એક પાળિયો શૂરાતનની વાત કહી રહ્યો છે. એ શૂરાતનની વાતો આજે પણ ગઢવીઓ પાસે, લડતી વખતે નીકળેલા લોહી જેવી તાજી ને તાજી છે. રજપૂતો એ વાર્તા સાંભળતાં સાંભળતાં આજે પણ પોતાની જૂની તલવારનાં કાતાં ખેંચવા લાગી જાય છે ને બંધાણી ગરાસિયા મૂછે તાલ નાખી ખોખારી ઊઠે છે. આવી વાર્તાઓનો સંગ્રહ થવાની પૂરી જરૂર છે. કવિતો, દુહાઓને સોરઠાથી ભરપૂર ચારણી ભાષામાં ગોઠવાયેલી વાર્તાઓ તો કાઠિયાવાડને જ વરેલી છે. જેવાં એનાં એક કાળનાં અદ્ભુત પરાક્રમો છે એવી જ એની વાતો છે.