પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૫
 

વાર્તાકથનનો ઉદ્દેશ માનવી સ્વભાવ અને માનવી જીવન વિષે બોધ આપીને આપણને ખબર ન પડે તેમ ઊંચે ચડાવે છે. જે ઉપદેશ ઠસાવવામા નીતિપાઠો નિષ્ફળ નીવડે છે તે વાર્તાઓ સહેલાઈથી ઠસાવી શકે છે. પ્રાણીઓ ઉપર દયા કરો એમ કહેવા કરતાં એના ઉપર પ્રેમ થાય અથવા એની દીન દશા જોઈને દયા ઉત્પન્ન થાય એવી વાર્તાઓ કહીએ તેની અસર વધારે સારી થાય છે. આ સંબંધે જ શ્રીયુત કાકાસાહેબ કાલેલકરના સુંદર શબ્દોનું એક વધારે અવતરણ આપી આ પ્રકરણ હું અહીં જ પૂરું કરીશ. બૌદ્ધકાલીન જાતકથાઓ લ્યો, જૈનકાલીન પંચતંત્ર લ્યો, વિષ્ણુશર્માનું હિતોપદેશ વાંચો અથવા મિસર દેશના ઈસારૂની નીતિકથાઓ વાંચો તો જણાશે કે માણસ પરિસ્થિતિ સાથે, તિર્યગ્લોનિઓ સાથે, જીવસૃષ્ટિ સાથે એકરૂપ હતો. રામાયણમાં પણ વાલ્મીકિ પશુ, પક્ષી, મત્સ્ય, વાનર વગેરે સર્વ પ્રાણીઓ સાથે એકરૂપ થઈ શકે છે. આ સમભાવને લીધે આપણે સર્વ પ્રાણીઓ ઉપર પ્રેમ કરી શકતા હતા, એમના સ્વભાવ ઉપરથી ઘણું શીખી શકતા હતા. અને સર્વત્ર એક જ આત્મા છે એ સમજવું સહેલું હતું. વાર્તાઓ એ મનુષ્યજાતિનું જૂનામાં જૂનું અને અત્યંત વ્યાપક એવું જીવનરહસ્ય છે.’’ ૧૫