લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આ આપત્તિમાં અપ્રામાણિકતા આચરવાનો ઇન્કાર કર્યો હતો. સગાંવહાલાંઓની આર્થિક સહાય સ્વીકારવાની પણ એણે ઘસીને ના પાડી હતી. ઓતમચંદના આવા અક્કડ વલણથી કપૂરશેઠ ઉશ્કેરાઈ ગયા હતા પણ ચંપાના અંતરમાં તો પોતાના શ્વશુ૨૫ક્ષ પ્રત્યે ઊંડો આદર જ ઉત્પન્ન થયો હતો.

દિવસો જતા ગયા તેમ કપૂરશેઠની અસ્વસ્થતા વધતી ગઈ. અસ્વસ્થતાનું કારણ એ હતું કે ચંપાનું વેવિશાળ કર્યાને આટલા મહિના થઈ ગયા છતાં વેવાઈઓ ત૨ફથી કપડાં-દાગીના આવ્યાં નહોતાં. આ અસ્વસ્થતા સાથે એમનો ઉશ્કેરાટ પણ વધતો ચાલ્યો.

‘હવે એ ભિખારચોટ્ટો શું દાગીના ઘડાવવાનો હતો ! ઘ૨માં ચંપાના સમુરતાનો પ્રશ્ન ચર્ચાય ત્યારે કપૂરશેઠ ઉશ્કેરાટ અનુભવીને આખી ચર્ચાનું ભરતવાક્ય ઉચ્ચારી નાખતા.

ચંપા છાને ખૂણે ઊભી ઊભી માતાપિતા વચ્ચેનો ખાનગી સંવાદ સાંભળતી.

‘હવે તો ગામ આખું પૂછ પૂછ કરે છે કે ચંપાનું સમુરતું કેમ નથી આવ્યું… ?’ સંતોકબા ફરિયાદ કરતાં.

‘અરે, હું તો બજાર વચ્ચે ઊંચું માથું લઈને ચાલી નથી શકતો.’ કપૂરશેઠ કહેતા. ‘મારા વાલીડા વેપારી પણ વાતમાં ને વાતમાં પૂછે છે: ‘કાં, વાઘણિયાવાળા વેવાઈના શું વાવડ છે ? સાકરચૂંદડી ચડાવવા કેદી આવે છે ?’

‘સહુ પૂછે તો ખરા જ ને !’

‘આમાં તો આપણી ને વેવાઈની બેયની આબરૂ ભેગી રહી. એટલે હું જેમતેમ ગોળ ગોળ જવાબ આપી દઉં, એમ એમ તો મારા દીકરાવ વધારે ને વધારે દાઢમાં બોલતા જાય: હમણાં સોનાનો ભાવ તેજ છે એટલે ઢાળિયો પડાવવા જતાં આપણો જ ઢાળિયો થઈ જાય એવું છે… સોનાની દુકાનનો ઉંબરો ચડવા જેવો આ સમો

૯૨
વેળા વેળાની છાંયડી