લખાણ પર જાઓ

મિથ્યાભિમાન/અંક ૫ મો/વાઘજી અને કુતુબમિયાં

વિકિસ્રોતમાંથી
←  ગંગા ને જીવરામભટ્ટ (૪.૨) મિથ્યાભિમાન
અંક ૫ મો/વાઘજી અને કુતુબમિયાં
દલપતરામ
સંખ્યાદિ પૃચ્છા →


अंक ५ मो


ફારસ એટલે ઉપનાટક.
પાત્ર — ૧. કુતુબમિયાં. ૨. વાઘજી રજપૂત.
(પડદો ઉઘડ્યો.)

કુતુબખાં—(ખભે બતક લઇને હસવા જેવી ચાલ ચાલતાં કેડે હાથ દઇને આવે છે.)

ગાનારા—"મિયાં આવ્યારે, બડે મિયાં આવ્યારે." (૪ વાર)

રંગલો—એસા એસા કે હો હા.

(મિયાં એક કોરે રોવા જેવું મોં કરીને ઉભા રહે છે, ત્યાં વાઘજી રજપૂત ગંભીરાઇથી આવે છે.)

ગાનારા—"ઠાકોર આવ્યારે, વાઘો ઠાકોર આવ્યારે." (૪ વાર.)

રંગલો૦—થેઇયાં કે થેઇથા.

વાઘજી—(વિચારે છે)અરે આવા જંગલમાં પેલો મિયાં ઊભો ઊભો રૂએ છે, તે કાંઇ મહા સંકટમાં પડેલો જણાય છે. માટે ચાલ જીવ, એને ધીરજ આપીએ. મિયાં કેમ રૂઓ છો?

કુતુબ૦—કોન રોતા હે? હમ તો રોતા નહિ હે.

વાઘ૦—તમારૂં મોઢું રોયા જેવું લાગે છે.

કુતુબ૦—એ તો ખુદાને બંદાકી સુરતાંઇ એસી બનાઇ હે.

રંગલો૦—ધન્ય વિધાતા! કેવી સુરત બનાઇ છે ને?

વાઘ૦—તમે ક્યાંથી આવ્યા?

કુતુબ૦—હમ દિલ્લીસે આયે.

વાઘ૦—તમે પરણ્યા છો કે કુંવારા છો?

કુતુબ૦—અબી ગઇ સાલમેં હમને શાદી કીની હે.

વાઘ૦—તમારે પરણતાં કાંઇ ખરચ થાય કે?

કુતુબ૦—તમારે લોક્મેં જાતભાત જોતા હે, ઓર પેસા લગતા હે, લેકીન હમારેમેં તો, મરદકી અચ્છી શીકલ દેખકે ઓરત આપસેં નીકા કરનેકું મંગતી હે. ઉસ સબબસે કુછ પેસા નહિ લગતા.

વાઘ૦—ત્યારે શું તમારૂં રુપ દેખીને બીબી મોહીને આવી?

કુતુબ૦— હા, એસાઇ.

રંગલો૦—આવા રૂપાળા વરને મોહીને કેમ ન આવે?

વાઘ૦—બીબીની ઉમ્મર કેટલા વરસની છે?

કુતુબ૦—હા, હા, હા, (હસીને) બીબીકી ઉમર, ઓર રૂપ, રંગ સબ હમારી બરાબર હે.

વાઘ૦—બીબીના મોમાં દાંત કેટલા છે?

કુતુબ૦—દાંતતો હમારે મુંમેં નહિ હે, ઓર બીબીકે મુંમેંબી નહિ હે.

રંગલો૦—ત્યારે તો મોહીને આવે, તેમાં શી નવાઇ? 'ખોદાને બનાયા જોડા,તો એક અંધા, ઓર દુસરા ખોડા.'

વાઘ૦—આવા ઉજડ જંગલમાં એકલાં આવતાં તમને બીક લાગી નહિ?

કુતુબ૦—બંદા એકલા કીધરબી જા સકતા નહિ. લેકિન દિલ્લીમેં દુકાલ હુઆ ઉસ સબબસે હમ અઠારે ભાઇ નોકરકી ઉમેદવારીસેં ઇધર નીકલ આયેં.

રંગલો૦—જેનાં નસીબ ઉઘડ્યાં હોય, તેને આવો સારો નોકર મળે.

વાધ૦—તો તમારા બીજા ભાઇઓ ક્યાં ગયા?

કુતુબ૦—ઇધર ચુંવાલ પરગણામાં કોળી લોગકી ધાડ સાથ ગામસેં દૂર દો ખેતરવા બડા જંગલમેં લઢાઇ હુઇ. તબસેં સબ ભાઇ જીધર તીધર ભાગ ગયે.ઓર હમ એકીલા બડા હીમતદાર સો ઇધર નીકલ આયે.

વાઘ૦—કોળીની ધાડ સાથે શી રીતે લડાઇ થઇ?

કુતુબ૦—હમ અઠારે ભાઇ એકીલે, ઓર સામને દો કોલીકી ઝુકમ આઇ.

રંગલો૦— વાહ ! વાહ ! !

કુતુબ૦—રામપરા ભંકોડાકા પાદરમેં બડા ઉજડ જંગલમેં આવતીકને હુઇ,સો ક્યા બાત કહું મિયાં? હુઇ સો હુઇએ. એસી લડાઇ તો દિલ્લીકા તખ્ત લેનેકી બખ્ત બી નહિ હુઇ હોઇગી. કોલી ભાઇકી ડાંગાં,ઓર સિપાઇ ભાઇ કી ટાંગા, કોલીભાઇકા ઝરડા ઓર સિપાઇ ભાઇકા બરડા. પીછે કપડાં, હથિઆર સબ કોલીકું દેકેં, કોલીકું હરવાઇ કે નસાઇ દીએ.

રંગલો૦—કોલીને ભલા હરાવ્યા! !

કુતુબ૦—પીછે અઠારે ભાઇ છૂટે પડ ગયે,સો માલુમ નહિ કે કીધર ગયે?

વાઘ૦—તમારાં હથિયાર ક્યાં ગયાં?

કુતુબ૦—હથિઆર ઓર પઘડી હમને કોલી લોકકું દે દીયા. હમ ખાનદાનકે ફરજંદ હે, હમ મખીચુસ નહિ હે,કે કીસીકું નહિ દેવે. "સીર સલામત,તો પઘડી બોતેરી."

રંગલો૦—આ વખતમાં ભીલપલટ્ટણના કોળી લોકોએજ સિપાઇઓનાં હથિયાર છોડાવ્યાં છે.

વાઘ૦—તમારૂં નામ શું?

કુતુબ૦—તુમારા નામ ક્યા?

વાઘ૦—મારૂં નામ તો વાઘજી.

કુતુબ૦—મેરા નામ કુતુબ—

રંગલો૦—તમારૂં નામ કુત્તા.

કુતુબ૦—નહિ નહિ,અબી મેં કહેતા હું. (અવળું જોઇને વિચારે છે.) અરે ખુદા! ઇસકા નામ વાઘ, ઓર મેરા કુતુબ, ઓ તો બડી શરમકી બાત. એસા નામ કેસે કહું?

વાઘ૦—કેમ મિયાં ? તમારૂં પોતાનું નામ તમે ભૂલી ગયા કે શું ?

કુતુબ૦—સુનો મેરા નામ મેં અબી કહેતા હું..

વાઘ૦—હાં, કહો.

રંગલો૦—વિચારીને કહેજો હો, મિયાંનું નામ કાંઈ જેવું તેવું નહિ હોય ?

કુતુબ૦—મેરા નામ "પાંચ સાત સાપોલિયાં, દસે બારે હાથી, ઓર દસ બીસ બાઘખાં" એસા હમારા નામ હે.

વાઘ૦—વારૂ, ચાલો આપણે સોબતે ચાલ્યા જઈએ.

કુતુબ૦—તુમારે કીધર જાના હે ? ઓર ક્યા કામકું જાતે હો ?

વાઘ૦—કચ્છના રાવસાહેબની [] હું નોકરી કરૂં છું, તે એક મહિનાની રજા લઈને ગયો હતો, પણ સિંધના સુમરા લોકો ઉપર રાવસાહેબને ચડાઈ કરવી છે, માટે મારા ઉપર તાકીદનો હુકમ આવ્યો તેથી હું હજુરમાં જાઉં છું.

કુતુબ૦—અચ્છા, તુમેરા રાવસાહેબ અમકું નોકર રખેગા ?

રંગલો—ત્યારે તો પછી રાવસાહેબને બીજી ફોજ રાખવાની જરૂરજ પડે નહિ !

વાઘ૦—તમે શું કામ કરશો ? દફતરખાનામાં ઝાડુ કાઢવા રહેશો ?

કુતુબ૦—હમ પઠાનકી ઓલાદકા હે. એસી હલકી નોકરી કબી કરનેવાલે નહિ. હમ તો શમશેર બજાનેકી નોકરી કરેંગા. હમ જેસે તેસે નહિ હે. એકી બખત હજાર સ્વારૂંકા લશ્કર સામી લડનેકું આવે, લેકીન હમ હઠનેવાલે નહિ.

વાઘ૦—ઠીક છે, ત્યારે તમને નોકરીમાં રાખશે.

કુતુબ૦—(ચાલતાં) અબ તો પાનીકી પ્યાસ બોત લગી હે, મેરા જાન જાતા હે.

રંગલો—પણે પેલો પાડો મુતરે છે તે જઈને પીઓ.

વાઘ૦—હમણાં આગળ જતાં એક વાવ આવશે, તેમાંથી નિર્મળ પાણી પીજો.

કુતુબ૦—અરે ખુદા અબી તો કેતે દૂર વાવ હોયગી. મેં તો પ્યાસસેં મર જાતા હું.

રંગલો—પાણી પાણી કરતાં મરશે તો મિયાં ભૂત થશે.

વાઘ૦—અરે, "પાંચ સાત સાપોલિયાં, દસે બારે હાથી, ઓર દશ વીશ વાઘખાં" સાહેબ, હિંમત રાખો. હવે આ વાવ નજદિક આવી તેમાંથી તમારી બતક ભરી લેજો.

કુતુબ૦—હાં આઈ[] તો ખરી, તુમેરે પાની પીના હે ?

વાઘ૦—મેં તો હમણાંજ પેલા કૂવામાંથી પીધું છે. માટે હું આંહી ઊભો છું, તમે વાવમાં જઈને પી આવો.

કુતુબ૦—અચ્છા, તુમ ખડા રહીઓ. મેં જાતા હું. (મિયાં વાવ તરફ[] જઈને પાછા આવે છે.)

વાઘ૦—કેમ મિયાં ? પાણી પીધું કે નહિ ?

કુતુબ૦—(ધ્રુજતો ધ્રુજતો) અબી મેરેકું બોત પ્યાસ લગી નહિ હે. ચલો આગેં કે ગામમેં પાની પીએગા.

રંગલો—રામપરા ભંકોડાના કોળી બોળી વાવમાં છે કે શું ?

વાઘ૦—અરે પણ તમે પાછા કેમ આવ્યા ? કહો તો ખરા ? વાવમાં વાઘ બાઘ બેઠો છે કે શું ?

કુતુબ૦—હે તો એસા સહી.

રંગલો—હાય ! હાય ! મિયાંને વાઘ ખાઈ ગયો હોત તો ?

વાઘ૦—વાવમાં શું છે ?

કુતુબ૦—વાવમેં જરૂર દસ બીસ વાઘ હે.

વાઘ૦—તમે શાથી જાણ્યું ?

કુતુબ૦—હમ વાવપર ચડા તબ વાં દૂર, પાનીકે નજદિક, ઓ સાલા બડા અવાજ કરને લગા.

વાઘ૦—કેવો અવાજ કરવા લાગ્યા ?

કુતુબ૦—(ડોકી નમાવી નમાવીને) ડરાં ! ડરાં ! ડરાં ! એસા અવાજ કરતા થા.

રંગલો—(ચાળા પાડે છે.) વાઘ ડરાં ! ડરાં ! બોલતો હતો.

કુતુબ૦—ઓ તો હમ બડા સમશેર બહાદૂર હે, સો ઉસકું રોકડા જવાબ દેકર આયા. દુસરેકી ક્યા મગદુર, કે જવાબ દે શકે મિયાં !

વાઘ૦—તમે શો જવાબ દીધો ?

કુતુબ૦—હમને કીયા કે સાલે ડરાં ! ડરાં ! ક્યા કરતે હો ? હમ ડરને વાલા નહિ; ડરે ઓ તો દુસરા. હમારા બાવા બડી લડાઈમેં મર ગયે હે. જો મેરેકું પાની ભરના હોય, તો વાં તેરી નજદિક આકે પાની ડખોલકે ભર લેઉં. લેકિન જા, તુજે છોડ દેતા હું. એસા જવાબ દેકે હમ પીછા આયા.

વાઘ૦—ચાલો, હું તમારી સાથે આવું; એને તમે પાણી પીઓ.

કુતુબ૦—અપનેકું તો અબી પ્યાસ લગી નહિ હે. હમ વાવમેં પેઠને વાલા નહિ.

રંગલો—પચાશ વરસની ન્હાની બાળાક બીબી રંડાઈ બેસે !

વાઘ૦—લાવો તમારી બતક હું ભરી આવું.

કુતુબ૦—લો, ભર લાઓ. (તે જઈને પાણી લાવે છે.)

વાઘ૦—એ તો દેડકો બોલતો હતો.

કુતુબ૦—મેં તો જાના કે વાઘ હે.

વાઘ૦—પાણી પીને ચાલો હવે બેક ઉતાવળા. (ચાલે છે.)

કુતુબ૦—(ચાલતાં) ઠાકોર, તુમકું ક્યા પગાર મિલતા હે ?

વાઘ૦—મને મહિને પચાસ રૂપૈઆ રાવસાહેબ પગાર આપે છે.

કુતુબ૦—જબ તુમકું દુસરી નોકરી પર રખે, ઓર મેરેકું રૂ. ૫૦) કા પાગરકી તુમેરી જગા પર રાવસાહેબ ના રખે ? હમબી તુમારે જેસી એક તલવાર રખેગા; ઓર હમકુ ઘોડે પર બેઠનેકુંબી આતા હે.

રંગલો

उपजाती वृत्त

स्वशक्तिनो संभव ते न जाणे,
अनेक वाते अभिलाख आणे;
मानी जनो थै मगरुर माले,

हरेक कामे नीज हाथ घाले. ५८

કુતુબ૦—હમબી સબ કામમેં વાકેફગાર હે.

રંગલો૦—તમે વાઘજી સાથે કુસ્તી કરીને તેને જીતો, તો તેની જગા તમને મળે.

કુતુબ૦—દેખ્યા તેરા વાઘલા. એક વાઘલા તો ક્યા ? લેકીન વાઘલા જેસા દસકે સાથ એકી બખ્ત મેં કુસ્તી કરૂં.

વાઘ૦—(સાંભળીને ચમકે છે.)

રંગલો

दोहरो

तेजी चमके चाबुके, टूंकारे रजपूत;

वधघट भावे वाणियो, डाक अवाजे भूत. ५९
હવે રજપૂતનો દીકરો બાયલાની પેઠે સાંભળી રહેશે નહિ.

વાઘ૦—આવો ત્યારે, આ મેદાનમાંજ આપણે બે કુસ્તી કરીએ.

કુતુબ૦—આ જાઓ અબ.

રંગલો

उपजाती वृत्त

डरे दिले दूरथी देडकाथी,

वाणी वदे जे वदुं वाघलाथी;
करे खरेखात विचार खोटा,

मिथ्याभिमानी नर मुर्ख मोटा. ६०

(બંને જણા કુસ્તી કરે છે.)

રંગલો—શાબાશ ! શાબાશ ! જોઈએ હવે કોણ હેઠલ પડે છે, અને કોણ ઉપર ચડી બેસે છે ?

કુતુબ૦—મેં કબી નીચે ગીરનેવાલા નહિ.

રંગલો—વાહ ! વાહ ! જાણે કે ગાયકવાડના પાડા બાઝ્યા. જો ગાયકવાડ મહારજની સ્વારી આટલામાં આવતી હોય અને દેખે, તો બંનેને રાતપ બાંધી આપે. વડોદરાના ચૌતામાં બે આખલા લડતા હતા, તેને જોઈને ગાયકવાડે ખુશી થઈને રાતબ બાંધી આપી હતી.

કુતુબ૦—દેખ લે. અબી નીચે ડાલકે ઉપર ચડ બેસતા હું. (ત્યાં તો મિયાંને હેઠા નાંખીને રજપૂત ઉપર ચડી બેસે છે.)

રંગલો—મિયાં હવે શું કરવા મહેનત કરો છો ? તમે હેઠા પડ્યા, અને ઠાકોર તમારા ઉપર ચડી બેઠા, માટે તમે હારી ચૂક્યા.

કુતુબ૦—(પગ ઊંચો કરીને) અબી દેખને મેરી ટંગડી ઊંચી હે કે નહિ ?

રંગલો૦—ખરી વાત; મિયાં નીચે પડ્યા, પણ મિયાંની ટંગડી હજી ઊંચી છે.

उपजाती वृत्त

खत्ता मळे तोपण खेल खेले,
मिथ्याभिमानी ममता न मेले;
काढे कशा उत्तर केरी कूंची,
पड्या मियां तोपण टांग उंची. ६१

(પડદો પડ્યો.)
——<0>——

ગાનારા ગાય છે.
——<o>——


  1. જ્યાં નાટક થતું હોય ત્યાંના રાજાનું નામ લેવું
  2. પડદાની પાછળ વાવ છે એવી કલ્પના કરવી
  3. જો દેડકો બોલાવતાં કોઈને આવડતો હોય તો, પડદા પાછળ રહીને બોલાવવો, તે સાંભળીને મિયાં ભયભીત થાય.