રાષ્ટ્રિકા/વીરાંગના કર્મદેવી

વિકિસ્રોતમાંથી
← હલદીઘાટનું યુદ્ધ રાષ્ટ્રિકા
વીરાંગના કર્મદેવી
અરદેશર ખબરદાર
વીરબાળક બાદલ →
. ખંડ હરિગીત .



વીરાંગના કર્મદેવી

ખંડ હરિગીત


અંગના !
વીરાંગના !
કર્મદેવી વીરાંગના !
સ્ત્રીધર્મદેવી વીરાંગના !
લાવણ્યમયી રમણી બની શું આજ માણી વીરાંગના ?
ક્યાં કુમદની
કોમળ બની,
ક્યાં થુવર તે કાંટાભર્યો ?
આ રંગ શો ન્યારો ધર્યો,
હો રજપૂતાણી વીરાંગના ?
ચંદા તપે રવિશું અરે, વીરાંગના ?
ઊકળે અમીસરિતા ખરે, વીરાંગના ?
ક્યાં ચાલી, હો વીરાંગના ! કર ઝાલી આ તરવારને ?
શું રસિક લલના યુદ્ધ ઝૂઝે કાજ દેશોદ્ધારને ?



અંગના !
વીરાંગના !
કર્મદેવી વીરાંગના !
રિપુકાલ જેવી વીરાંગના !
મધુરી, રસીલી, શાંત કાંતા આજ એવી વીરાંગના ?
રંગમહેલ સુખાસને
યુવતી રસમાં ખેલતી,
તજી સર્વ વિલાસને
તે યુદ્ધક્ષેત્રે રેલતી
આ ચાલી કેવી વીરાંગના ?
ક્યાં કંકણો આભૂષણો, વીરાંગના ?
ક્યાં સાજ આ યોદ્ધાતણો, વીરાંગના ?
તે ગાન ,મધુરું આજ આ બદલાય શું વીરહાકમાં?
વીરાંગના ! તુજ હૃદય ગુંજે રિપુદમનના રાગમાં ?



અંગના !
વીરાંગના !
કર્મદેવી વીરાંગના !
દૃઢ દુર્ગ જેવી વીરાંગના !
શૌર્યસંજીવની, ઉગ્ર, પ્રભાવિશાલ વીરાંગના !

ઉન્મત સરિત ધસી
જળ પૂર્ણવેગ ઘુમાવતી,
નિજ બળ પ્રચંડ કસી
સાગર ગગન ઉછળાવતીઃ
એવી કરાળ વીરાંગના !
મેવાડ શું પરતંત્ર થાય, વીરાંગના ?
શું વીરભૂમિકળી છુંદાય, વીરાંગના ?
શું યવનકિંકર કુતુબુદ્દિન જયધ્વજા ઊડાવશે,
જ્યાં સમરસિંહતણી શૂરી સિંહણ સમર ધ્રૂજાવશે ?



અંગના !
વીરાંગના !
કર્મદેવી વીરાંગના !
હો વિરલપ્રતિમા વીર્યગંગ વીરાંગના !
રણમાં ચઢ્યો.
શૂરો પડ્યો
પૃથુ સાથ પતિ મેવાડનો;
પુણ્ય ભૂમિ
ધૂળ ચૂમી
ખમે કંઇ કંઇ તાડનો,
ત્યાં શો નવીન ઉપાડનો
તું ભરે રંગ, વીરાંગના !—

શું દેશનો સૌભાગ્યભાનુ ડૂબી જશે ?
વીરાંગના ! શું અંધજાળ ઊભી થશે ? -
ના, રજપૂતાની નહિ ડરે !
શો ઓટનો તે નીરવ સાગર ઊછળતો ઊલટે અરે !
વીરાંગના ! આંબેરમાં તુજ કીર્તિકેતુ જ ફરફરે !



અંગના !
વીરાંગના !
કર્મદેવી વીરાંગના !
શુચિધર્મદેવી વીરાંગના !
મહાશક્તિપ્રકાશિની વીરાંગના !
દેશપ્રેમવિલાસિની વીરાંગના !
બળવંત રિપુ રગદોળનારી મહાભાવ વીરાંગના !
રિપુવિલયથી
તુજ વિજયથી,
તેરમી સદી ઝળહળીઃ
સૌભાગ્યરવિ ત્યાં નીકળી
લે હાસ્ય લહાવ, વીરાંગના !
સાગર ભલે ભૂમિને ગળે, વીરાંગના !
તુજ કીર્તિ અક્ષય ના ચળે, વીરાંગના !
અમ ભૂતશૌર્ય તુંમાં મળે, વીરાંગના !
તુજ પરાક્રમની ગીતા ઘરઘર ગવાશે ભારતે !
વીરાંગના ! તુજ પ્રાણમંત્રો ઘૂમજો નિત આરતે !