રાસચંદ્રિકા/નાચ
← દૂરના સૂર | રાસચંદ્રિકા નાચ અરદેશર ખબરદાર |
રસપ્રભુતા → |
નાચ
♦ ઝીણા ઝરમર વરસે મેહ. ♦
એક રસિયો રહ્યો દૂર દૂર,
થનગન નાચે રે !
એના નાચે જગત ચકચૂર,
રસભર રાચે રે ! -
રસિયો નાચે પ્રીતિના ચોકમાં,
જાગે જગત ઝમકારે રે ;
પદે પદે નવજ્યોતિ ઝરે ઊંડી,
જાગે જીવન અમીધારે :
હો ! થનગન નાચે રે ! ૧
નાચે આકાશ, નાચે તારલા, ને
નાચે સૂરજને ચંદા રે;
નાચે ધરા, નાચે સિંધુનો ધમકતો,
હૈયે મારે નાચે પડછંદા :
હો ! થનગન નાચે રે ! ૨
ઊંડે આંનંદ એક નાચે અલબેલડો,
રેલે અખંડ રસહેલી રે;
ભરતી ભરાય જગઅંગે ઊછળતી,
રંગે ભીંજાય ઘેલી ઘેલી :
હો ! થનગન નાચે રે ! ૩
નાચે રીઝાય કોઈ, નાચે ખીજાય કોઈ,
નાચે ભીંજાય સહુ સાથે રે;
વાંકીચૂંકી પડે પગલી જગતની,
તોય રાખે ધરી નિજ હાથે :
હો ! થનગન નાચે રે ! ૪
આઘી દિશાઓ ધીમે ખૂલતી ને
જામે પુનિત ગીત ઘેરાં રે;
ભુવન ભુવનમાં ઊઘડે આંખડલી,
નાચે હૈયે શમણાં અનેરાં :
હો ! થનગન નાચે રે ! ૫
રસિયાં ! આવો કુમકુમ પગલે,
નાચે દઈએ સહુ તાળી રે;
નાચો, નાચો, માર રસિયાના નાચમાં
તાળી ન જાય કદી ખાલી :
હો ! થનગન નાચો રે ! ૬