લખાણ પર જાઓ

રાસચંદ્રિકા/રાસ

વિકિસ્રોતમાંથી
← મહાગુજરાતની બહેનોને રાસચંદ્રિકા
રાસ
અરદેશર ખબરદાર
સુમનવાડી →
. કુંજલડી હો !સંદેશો અમારો .




રાસ

♦ કુંજલડી હો !સંદેશો અમારો ♦


ચાંદની રાત ને કેસરીઆ તારલા,
રાસે રમવા આવજો જી રે !
સરખી સમાણી સૌ સહિયર સાહેલીઓ
સાથે તેડી લાવજો જી રે ! ૧

આણી મેર પેલી મેર ગંગા ને જમના
વચ્ચે વૃંદાવન ચોક છે જી રે.
ગોકુળ ને મથુરાં ને વ્રજ ને વૈકુંઠ,
આવ્યાં ચોદે લોક જી રે. ૨

પગલે પગલે ઝબૂકજો વીજળી,
ફૂલડાં ફૂટજો હાથમાં જી રે;
રાસે રમતાં ને ઘૂમરી ઘૂમતાં
તાળી પૂરજો સાથમાં જી રે ! ૩


નંદનવનથી મોંઘી છે ગુર્જરી
ગરબો ગરબી રાસથી જી રે :
ગુર્જરી કુંજ છે દેવોને દોહ્યલી
ગુર્જરી રાસના ઉલ્લસથી જી રે ! ૪

સારા સંસારના તાપથી તારવા
સૂરના ફુવારા ઉડાડજો જી રે;
કંઠે કલ્લોલતાં, હૈયાં હીંચોળતાં,
રસની પરબ કંઇ માંડજો જી રે ! ૫

આભે લખ્યા કંઈ અક્ષર ઉકેલતાં
હાથમાં આવ્યા તારલા જી રે :
રસની રસીલી સૌ સજનીઓ આવજો,
કંઠે ઝુલાવજો એ હારલા જી રે ! ૬

ચાંદની રાત ને કેસરીઆ તારલા;
રુમઝુમ રુમઝુમ ખેલજો જી રે :
ઉરને આંગણે ધમકે ધમકતાં
અદ્દલ આનંદે રેલજો જી રે ! ૭