આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચિત્રદર્શનો
૧૫
૨૬
માંડી જ વેદી ગૃહની, લીંપી પંચગવ્ય,
ત્હેં આદર્યો ગુણવતિ ! કુલયજ્ઞ ભવ્ય;
પંચાગ્નિ પંચશિખ પંચ દિશે જલે છે,
હોમાઈને હવિ રૂપે મહીં તું બળે છે.
૨૭
સદાનીયે ત્હને લાધી સમાધિ કુલયોગનીઃ
આત્મામાં જ્યોતિ એ ધારી સોહે તું યોગિની બની.
૨૮
વિચરે તું નહિ કલ્પના વિશે,
વિસરે ના કંઈ ભ્રાન્તિને મિશે;
તુજને લાધી સમાધિ કર્મની,
કવિતા જીવ છ તું સ્વધર્મની.
૨૯
કરીને સેવના મ્હારી કીધો ત્હેં નિત્યનો ઋણીઃ
નમેરો-નગુણો છું હું, તું તો સાધ્વી મહાગુણી.
૩૦
એ ત્હારૂં ઋણ સખિ ! કેમ ફીટ્યું ફીટાશે ?
એ ઋણના ઋણી તણું સજનિ ! શું થાશે ?
ઓ શાન્તમૂર્તિ ! વરદાયિની કુલદેવિ !
ત્હારી શુભાશીષથી મ્હારૂં અશુભ જાશે.