લખાણ પર જાઓ

રાત રહે જ્યાહરે, પાછલી ખટ ઘડી

વિકિસ્રોતમાંથી
રાત રે જાહ રે, પાછલી ખટ ઘડી
નરસિંહ મહેતા


રાત રે જાહ રે, પાછલી ખટ ઘડી, સાધુ પુરુષને સૂઈ ન રહેવું;

નિદ્રાને પરહરી, સમરવા શ્રી હરી, એક તું એક તું એમ કહેવું. ટેક.

જોગિયા હોય તેણે જોગ સંભાળવા,

ભોગિયા હોય તેણે ભોગ તજવા;

વેદિયા હોય તેણે વેદ વિચારવા,

વૈષ્ણવ હોય તેણે કૃષ્ણ ભજવા. ટેક.

સુકવિ હોય તેણે સદગ્રંથ બાંધવા, દાતાર હોય તેણે દાન કરવું;

પતિવ્રતા નારિયે કંથને પૂછવું, કંથ કહે તે તો ચિત્ત ધરવું. ટેક.

આપણે આપણા ધર્મ સંભાળવા, કર્મનો મર્મ લેવો વિચારી;

નરસૈંના સ્વામિને સ્નેહથી સમરતાં, ફરી નવ અવતરે નર ને નારી. ટેક.