લખાણ પર જાઓ

સોરઠી બહારવટીયા - ભાગ બીજો/જોગીદાસ ખુમાણ

વિકિસ્રોતમાંથી
સોરઠી બહારવટીયા - ભાગ બીજો
ઝવેરચંદ મેઘાણી


જોગીદાસ ખુમાણ

વિશ્રી ન્હાનાલાલે “સોરઠી તવારીખના થરો” ઉખેળતાં જોગીદાસને અત્યંત માનભેર સંભાર્યો છે. એને પોતે 'જોગી બારવટીયો' કહી બિરદાવેલ છે. પોતે સોરઠનું 'રૉબરૉય' લખે તો જોગીદાસને વિષે જ લખે, એ એમની ભાવના છે. ભાવનગર રાજને જોગીદાસે દુશ્મના વટથી પણ શોભા ચડાવી. વજેસંગ-જોગીદાસની શત્રુ–જોડલી તો અપૂર્વ બની ગઈ છે. બન્નેએ જાણે કે પરસ્પર વીરધર્મના પાલનમાં સ્પર્ધા ચલાવી હતી.

તાં જોગીદાસને ભાવનગરના ઇતિહાસમાં સ્થાન નથી. “The Bhavnagar Statistics" નામનું એકનું એક રાજમાન્ય તેમજ સરકારમાન્ય ઇતિહાસ-પુસ્તક વજા-જોગાની અન્યોન્ય નેકીનો શબ્દ સરખો યે નોંધતું નથી, અને કૅપ્ટન બેલનો ઇતિહાસ તો ઉક્ત પુસ્તકમાંથી જ ઉતારો કરે છે ! વાર્તાને છેડે બેલનું કથન મેં ટાંક્યું છે. વૉટસન ભગવાનલાલ સંપતરામ અથવા અન્ય કોઈના ઇતિહાસમાં આ પુરૂષનો ઉલ્લેખ નથી.

જોગીદાસે ભાવનગર રાજ્ય સિવાયનાં ગામ ભાંગ્યાં ક્યાંયે સાંભળવામાં નથી. લુંટ કરવામાં સીમાડો ભાવનગરનો જ છે ને, એ વાતની પોતે ચોકસી રાખતો. સીમાડાનો એવો પાકો માહેતગાર હતો, માટે જ અમરેલી-ભાવનગર વચ્ચેના સીમાડાની તકરાર ફેંસલા માટે એના

સોંપાઈ હતી એમ કહેવાય છે.

"મા૨ા દાદા સામત ખુમાણે ભાઈ બેટાઓનાં લીલાં માથાં વઢાવી વઢાવી કુંડલાની ચોરાશી ઘેરે કરી; રાવણ જેવા ખસીઆઓનું જડાબીટ કાઢી મીતીઆળા સરખા કિલ્લા હાથ કર્યા, અને શું આજ ઠાકોર આતોભાઈ પોતાની બંદુકડી બતાવી અમારાં ચોરાશી પાદર આંચકી લેશે ? ના, ના, તો તો અમે સામત ખુમાણના નવે પોતરા, બાપ આલા ખુમાણના અમે નવે બેટડા બારવટાં ખેડશું.”

“આપા હાદા ! તમારા આઠ ભાઈઓની આશા તો હવે મેલી દ્યો.” ખબર દેનારે કહ્યું.

“કાં ?”

“એને તો ઠાકોર વજેસંગે પાળેલાં પશુડાં બનાવી લીધાં. ઇ તો એ પૂછડીયું પટપટાવે !”

“એટલે ?”

“એટલે શું ? સહુ પોતપોતાનાં છ છ ગામ દબાવીને બેસી ગયા ત્યાં તો ઠાકોરનો સંદેશો આવ્યો કે મારી શરત નહિ માનો તો શેત્રુંજીને કાંઠે ફરીને તોપખાનું ફેરવીશ; અને ખુમાણોને ફુંકી દઈશ.” “ શી શરત ?”

“અકેકક ગામ ડુંગરી (સુવાંગ) અને પાંચ પાંચ ગામમાં ભાવનગર દરબારના ત્રણ ભાગ : ફકત ચેાથ જ તમારી ખુમાણોની : એમ જો ગરાસ ખાવા હોય તો જ ખાવા દેશું. નીકર ભીંસીને ભાંગી નાખશુ.”

“વાહ ઠાકોર ! કરામત સારી કરી. પછી ? કોણે કોણે કરાર કબુલ કર્યો ?”

“પેલો ભાઈ ભોજ ખુમાણે અને એની વાંસે બાકીના સાતે જણાએ.”

“પીઠાએ, વીરાએ, સૂરાએ, લૂણાએ, તમામે ?”

“તમામે.”

“ડાડા સામત ખુમાણના પોતરાએ ? ખોરડું વેચી નાખ્યું ? બંદુકડીથી બીના ?”

“મરવું દોયલું છે આપા ! ભાવનગરને પોગાય એમ નથી. સુરજ સામી ધુડ ઉડાડવી છે ને ? તમે પણ બેસી જાવ. ઠાકોર કે'વારે છે–"

"કે?"

"કે આપા હાદાને પણ એક ડુંગરી ગામ, ને બાકીના પાંચમાં ચેાથ.”

“નીકર ?”

“નીકર તોપખાનાને મોઢે બાંધશે. ભાઈયુંનું જોર તો હવે ભાંગી ગયું. હવે કોનાં બાવડાં માથે ઝૂઝશો આપા હાદા ?”

“મારા ત્રણે વીરભદરનાં બાવડાં માથે ! મારા ગેલા, ભાણ ને જોગીદાસનાં બાવડાં માથે. ભલે ભોજ કુવાડાનો હાથો બન્યો. ભલે ભાઈયું બેસી ગયા. ભગવાને દીકરા શીદ દીધા છે ? શોભા સાટુ નહિ, મરવા મારવા સાટું. અમે મરશું, પણ ભાવનગરનાં અઢારસેંય ઉજ્જડ કરશું. ઠાકોર દૂધ ચોખાની તાંસળીમાં રોજ ખુમાણોનાં ભાલાં ભાળશે. ઉઠો બાપ ગેલા ! ઉઠો ભાણ ! ઉઠો આપા !”

ત્રણ દીકરા ને ચોથો બુઢો બાપ: ઘોડે ચડી ચાલી નીકળ્યા.

“આપા ! શું કરછ બાપ !” હાદા ખુમાણે કુંડલાની નદીમાં ઉભા રહી ગયેલા પુત્ર જોગીદાસને સાદ કર્યો. જોગીદાસને સહુ 'આપો' કહીને બોલાવતા.

“કાંઈ નહિ બાપુ ! ઈ તે કુંડલા ન કામીએ ત્યાં સુધી નાવલીનું પાણી અગરાજ કરતો આવું છું.”

નાવલીનાં અખંડધારાં નીર: નીલો ઘટાદાર કિનારો: કાંઠે ચરતી ભેંસો: અને કાંબી કડલાં પહેરીને ત્રાંબા-બેડે પાણી ભરતી કણબણો: એને માથે મીટ માંડીને બાપ બેટા ચાલી નીકળ્યા

સંવત અઢાર પંચોતરે
ફળહળીઆ ફરંગાણ;
ધર સોરઠ જોગો ધણી
ખોભળતલ ખુમાણ

[સંવત ૧૮૭૫ માં જે વખતે ફીરંગીઓ(અંગ્રેજો) સોરઠ ધરામાં ઉતર્યા, તે વખતે જોગો ખુમાણ સોરઠની ધરતીને રોકી રાખીને ઉભો રહ્યો હતો.]

ફીફાદ ગામને પાદર ઘાટી ઝાડી છે, અને ઝાડીની અંદર ત્રણ ચાર જૂની આંબલીઓની ઘેરી ઘટામાં ધનંતરશા પીરની દરગાહ આવેલી છે. સવાર સાંજ એ સ્થળે લોબાનના ધૂપની એવી ભભક છૂટે છે કે આપોઆપ ખુદાની યાદ જાગે, વિચારો ગેબમાં રમવા માંડે.

એક દિવસ સાંજ નમે છે. બુઢ્ઢો મુંજાવર મુરાદશા એક નળીઆની અંદર દેવતા ભરી તે ઉપર લોબાન ભભરાવી રહ્યો છે, ગામમાંથી હિન્દુઓના ઠાકરની પણ આરતી સંભળાય છે. પીરો અને દેવતાઓને બહાર નીકળવાની વેળા છે.

એવામાં ઓચીંતો એ ઝાડીમાં એક બંદૂકનોને ભડાકો થયો, ધુમાડા નીકળ્યા, અને કીયો ! કીયો ! કીયો ! એવી કારમી કીકીઆરી પાડતો એક રૂપાળો મોરલો ઉડ્યો. ઉડતો ઉડતો, ઉડવાની તે તાકાત નહોતી તેથી અરધો પરધો હવાની ઉપર જ તરતો તરતો મોરલો નીચે ઉતર્યો. અને દરગાહ પર ધૂપ દેતા બુઢ્ઢા મુંઝાવર મુરાદશાહના પહોળા ખેાળામાં પોતાના આખા કલેવરનો ઢગલો કરીને મોરલો ઢળી પડ્યો.

ધોળી ડાઢી ને માથે સેંથેા પાડી ઓળેલા ધેાળા લાંબા વાળવાળો, સફેદ ઘાટાં ભવાં અને સફેદ પાંપણોથી શોભતો, ગળે પીળા પારાની તસબી અને અંગે લીલી કફની વાળેા સાંઈ મૌલા ચમકી ઉઠે છે. મોરલાના મસ્ત શરીરમાંથી ધગધગતા લોહી વડે એની લીલી કફની લાલ ચોળ બનવા લાગે છે, ને પોતાના પ્યારા મોરલાના બદનને ગેાદ સાથે ચાંપી લઈ, એની મખમલ શી મુલાયમ આસમાની લાંબી ઢળી પડેલી ડોક પર હાથ ફેરવી પંપાળે છે, અને છેલ્લા દમ ખેંચતા એ દેવપંખીને બેબાકળા બની પૂછે છે કે “અરે ! અરે બચ્ચા મોતીયા ! તીજે કયા હુવા ! ઓ મેરા પ્યારા ! કોન શયતાન કા બચ્ચાને તીજે ઝખમી કીયા ! મોતીયા ! મોતીયા ! મોતીયા !”

ત્યાં તો ઝાડીમાં ખડખડાટ થયો; “ મેલી દે એય સાંઈ !" એવી ત્રાડ પડી; ને હાથમાં સળગતી જામગ્રીવાળી લાંબી બંદૂક હીંડાળતો એક મદોન્મત્ત સંધી પોતાની ખુની આંખો ખેંચીને શ્વાસભર્યો ધસી આવ્યો. આવીને એણે ફરીવાર હાકલ દીધી કે

“મેલી દે મોરલાને !”

“અરે કમબખ્ત ! તીને યે મોરલા પર ગોલી ચલાયા ! ધનંતરશા પીરકા સવારી કરનેકા યે દુલ્દુલ પર ગોલી ચલાયા! તીને ઈસ જગામે શિકાર કીયા હેવાન ?”

“હવે મેલ મેલ હેવાનના દીકરા ! ઝટ મોરલો મેલી દે, નીકર માર ખાઈશ.”

“અરે જાલીમ ! યે પીરકા મોરલા !”

“હવે પીરને મોરલો કેવો ઉલ્લુ ? ઝાડીનો વગડાઉ મોરલો હતો. ને આજ રોજાં ખોલવાં છે તે શાક કરવા સારૂ શિકાર કર્યો, એમાં ક્યાં તારા દીકરાને માર્યો છે ? મેલી દે !”

એટલું બોલીને સંધીએ જોરાવરીથી મોરલાને મુંજાવરના ખેાળાની બહાર ખેંચ્યો. મોરુલાની છેલ્લી તગતગતી આંખો મુંજાવરના મ્હોં સામે જોઈ રહી. પોચે પોચે હાથે એ ઝખ્મી પક્ષીને ઝાલી રાખવા ફકીરે ઘણી મહેનત કરી. પણ શિકારીએ મોરલાને ગરદન પકડીને ખેંચી લીધો. પ્રાણ વિનાનું દેહપીંજર લઈને શિકારી ચાલી નીકળ્યો.

“ધનંતરશા ! પીર ધનંતરશા ! ઓલીયા ધનંતરશા !” એમ ત્રણ ભયંકર આવાજ દેતો દેતો બુઝર્ગ મુંજાવર પીરની દરગાહ સામે ઘુટણીએ પડીને બેસી ગયો. ઝાડવાંની ચાળણી જેવી ઘટામાંથી આથમતા સૂરજની પચરંગી તડકી એ દરગાહ અને ફકીરને માથે ઢોળાવા લાગી. લોબાનનો ધુપ ગોટેગોટ ધૂમાડા ચડાવીને પીરના થાનકની ચોપાસ ઝાડવાને પાંદડે પાંદડે છવાઈ ગયો. દરગાહનો ઓટો મુંજાવરના અવાજથી થરથરી ઉઠ્યો. પીર જાણે પોતાની સફેદ સોડ્ય નીચે સળવળવા લાગ્યા હોય તેમ પવનમાં કફન ફરકી ઉઠ્યું. અને આંસુડે નીતરતી આંખો મીંચીને મુજાવરે ત્રાડ દીધી કે “ઓ પીર ! આજ રમજાન મહિનાની ખુદાઈ સાંજને ટાણે, તારા દુલ્દુલ મોતીયાનું શાક કરીને ખાનાર નાપાક ઇન્સાન ઉપર મારી કળકળતી આંતરડીની કદુવા પુકારૂં છું. ઓ બાપ ! કે મોરલો એના પેટમાં જ હોય ત્યાં જ જો ખુમાણોનાં ભાલાં એ માંસ ખાનારના પેટમાં પરોવાઈ ન જાય. તો હું ફકીર નહિ, તું પીર નહિ, ને આસમાનમાં અલ્લા નહિ !”

એવો શાપ ઉચ્ચારીને મુંજાવરે ઓટાના પત્થર ઉપર પોતાના બન્ને પંજા પછાડ્યા. પછાડવાની સાથે જ એનાં દસે દસ આંગળાંના જીવતા નખ નીકળી પડ્યા. દસે આંગળીનાં ટેરવામાંથી લાલચોળ લોહીની ધારાઓ વહીને પીરની દરગાહ પર દડ ! દડ ! દડ ! દડ ! પડવા લાગી. પચાસ સંધી સીપાહીઓ, ઝાડવાના ઝુંડમાં થંભી જઈને આ કદુવા સાંભળી રહ્યા ને એ કમકમાટી ભરેલો દેખાવ સંધ્યાનાં અંધારાં-અજવાળાંમાં નિહાળી રહ્યા. સંધ્યા જાણે ગમગીન બની ગઈ. અંધારાં ઘેરાવા લાગ્યાં તો પણ મુરાદશા દરગાહની સામે સૂનસાન બનીને ઘુંટણભર બેઠો જ રહ્યો. થોડીવારે અંધારામાં જાણે ગેબની મશાલો પ્રગટ થઈ. ઘોડા ઉપર ચડીને જાણે કોઈ દૈવી-સવારી ઝાડની ઘટામાં ચાલી ગઈ. માણસો વાતો કરતાં કે કેાઈ કેાઈ વાર રાતે અંધારામાં આવા દીવા આંહી જોવામાં આવે છે ને ધનંતરશા પીરની જ એ સવારી નીકળે છે.

“હવે એવા ફકીરડા તો બચારા કૈંક રખડે છે. એવાને તો રોવા કૂટવાની ટેવ પડી. એવાની કદુવાયું તે ક્યાંય લાગતી હશે ?” દાંત કાઢતા કાઢતા સંધીઓ માંહેમાંહે વાતો કરવા માંડ્યા.

“હા, હા, એલા તમ તમારે ઝટ મોરલાને વનારી નાખો. ઝટ શાક રાંધીને રોજાં છોડીએ. પેટમાં લા લાગી ગઈ છે, ને હજી તો પંથ બહુ લાંબો પડ્યો છે.”

એવી વાતો કરતા કરતા આખા દિવસના ભૂખ્યા-તરસ્યા બંદૂકદાર સંધીઓએ પાપની રસોઈ પકાવી. સહુએ પેટ ભરી ભરીને રોજાં ખોલ્યાં. ફક્ત એક જ સંધીએ મોરલાનું માંસ ન ચાખ્યું.

એ પચાસ ઘોડાંનો પડાવ કોનો હતો ? કોણ હતા આ સંધી સિપાહીઓ ?

એ હતા ભાવનગર રાજના પગારદાર સંધીઓ. એનો આગેવાન હતો ઈસ્માઈલ સંધી. ખુમાણ શાખાના કાઠીઓ પાસેથી કુંડલા પરગણાનાં ચોરાશી ગામ આંચકી લઈને ભાવનગરનાં ઠાકોરે ઈસ્માઈલ જમાદારને એના પાંચસો બરકંદાજ ઘોડેસવારો સાથે કુંડલાની નાવલી નદીને કાંઠે થાણું બેસાડીને રાખ્યો હતો. ખુમાણો ભાવનગરના જોર સામે બહારવટે ઝૂઝતા હતા. કરડો, કદાવર અને નીમકહલાલીના પાકા રંગે રંગાઈ ગયેલો ઈસ્માઈલ જમાદાર તે દિવસે કુંડલાથી નીકળી, પચાસ ઘોડે ભાવનગર ગામે પોતાનો ચડત પગાર વસુલ લેવા જાય છે. રમજાન મહિનો ચાલે છે. સહુ સંધીઓ રોજા રહ્યા છે. તે દિવસની રાત ફીફાદ ગામમાં ગાળવા તમામ ઉતરી પડે છે. તે વખતે ધનંતરશા પીરની ઝાડીમાં આ બનાવ બને છે, અને ઈસ્માઇલ પોતે પણ પોતાનાં તકદીરનો ભૂલાવ્યો એ પીરની ઝાડીના મોરલાની માટી ખાવા બેસી જાય છે. સાંઈના શાપની એને પરવા જ નથી.

આખી રાત ફીફાદ ગામમાં રહી પરોડિયે સરગી કરી જમાદાર ઈસ્માઈલ પોતાના પચાસ ઘોડે ચાલી નીકળ્યો. મુરાદશા મુંજાવરે ખુમાણોનાં ભાલાં ભોંકાવાનો શાપ દીધો, પણ એને તો જરાય ઓસાણ નથી કે આસપાસ પચાસ પચીસ ગાઉમાં ક્યાંયે બહારવટીયાનો પગરવ પણ હોય. ખુમાણોને માથે ઠીકાઠીકનો જાબદો કર્યાની ખુમારીમાં મૂછે વળ દેતો સરદાર ઘોડો હાંક્યે જાય છે. એમાં બરાબર ઘેટી-આદપરના ઠાંસામાં દાખલ થતાં જ મહારાજે કોર કાઢી, અને સામી બાજુએ જાણે બીજો એક નાનકડો સૂરજ ઉગતો હોય એવું દેખાડતાં, કિરણો જેવાં લાગતાં સો એક ભાલા ઝળેળાટ કરી ઉઠ્યાં. એ ઝળેળાટ અને એ સજાવટ ઉપરથી પારખી જઈને સંધીઓએ અવાજ દીધો કે

“ઈસ્માઈલ જમાદાર ! કાઠીઓ આવે છે.”

“અરે હોય નહિ !”

“હોય નહિ શું ? લ્યો ત્યારે, એ આ કટક વરતાણું.”

“ફકર નહિ. આપણે ખભે એકાવન બંદૂકું પડીયું છે, ને ઈ બચારા આડહથીઆરા છે. હમણાં વીંધી લઈએ. જામગ્રીયું ચેતાવો ઝટ !"

પલકમાં તે ચકમક અને લોઢાના ઘસારામાંથી એકાવન હાથમાં આગના તણખા, ઝીણાં રાતાં વગડાઉ ફુલની માફક રમવા લાગ્યા અને જામગ્રીઓ ઝબુકી ઉઠી. “હાં, ફૂંકી દ્યો !” એવો હુકમ થવાની સાથે એકાવન લાંબી બંદૂકો એ અલમસ્ત ભુજાએામાં ઉપડીને પહોળી ઢાલ જેવી છાતીઓ ઉપર ટેકો લઈ ગઈ. તીણી આંખો પોતપોતાના વડીયાની સામે નિશાન લઈ રહી, સામેથી કાઠીઓનાં ઘોડાં વેરણ છેરણ થઈ ગયાં, કોઈ પોતપોતાની ઘોડીએાના પેટાળે ઉતરી ગયા, કોઈએ ઘોડીઓની ગરદન આડાં માથાં સંતાડ્યાં, કોઈએ ઢાલો ઢાંકીને તલવારો ખેંચી લીધી, પણ સંધીઓ બંદૂકોના કાનમાં દારૂ મેલીને જ્યાં સળગતી જામગ્રી દાબે છે, ત્યાં તો સુરૂરૂરૂ ! થઈને કાનનો દારૂ સળગી ગયો. એકાવનમાંથી એક પણ બંદૂકનો ભડાકો ન થયો !

શું કારણ બન્યુ હતું ?

પાછલી રાતે મેઘરવો પડેલો હોવાથી દારૂ હવાઈ ગએલો એટલે બંદૂકો કાન પી ગઈ. કોઈને એ વાતની સરત નહોતી રહી. કેમકે મોરલાનો ભક્ષ કરનારનો કાળ આવવો નક્કી થઈ ચૂકેલો હતો. એકાવને બંદૂકો હાથમાં ઠઠી રહી, અને સામેથી ચકોર કાઠીએાએ ઘોડીઓ ચાંપી. ચકર ! ચકર ! સહુના હાથમાં ભાલા ફરવા લાગ્યા. અગ્નિઝરતાં કોઈ કુંડાળાં સળગતા હોય એવો દેખાવ થઈ રહ્યો. ને મોખરે સંધીઓએ દાણો દાણો થઈ, વેરાઈ જઈ ભાગવા માંડ્યું.

કાઠીએાએ જેયું કે હમણાં સંધીઓ હાથમાંથી ચાલ્યા જશે. ઘોડાંને આંબવા નહિ આપે. પલકારામાં કાઠીઓના આગેવાનને કરામત સૂઝી ગઈ. એણે હાકલ કરી કે "એલા" જોજો હે, જો સંધીડા ઓલા બુટના કૂવામાં પેસી જશે ને, તો આપણને મારી પાડશે હો ! પછી આપણી કારી નહિ ફાવે.”

ભાગતા સંધીઓ સાંભળે તેવી રીતે આ યુક્તિભર્યું વેણ બોલાયું. સાંભળતાંની વારે જ સંધીએાના કાન ચમક્યા. સાચેસાચ જાણે બુટના કૂવામાં દાખલ થઈ જવાથી આપણો બચાવ થઈ જશે ! એવી ભ્રમણામાં આંધળાભીંત બનીને એ એકાવને જણાએ એક સુકાઈ ગએલા મોટા કૂવાની કોરી ખાડ્યમાં ઘોડાં કુદાવ્યાં, ફરીવાર બંદૂકો તોળી જામગ્રી ચાંપી. પણ કાન પી ગયેલી બંદૂક ન જ વછૂટી. કાઠીઓએ ખાડાને કાંઠે ઉભા રહીને ભાલાં બરછી તેમજ તલવારોના ઘા કરી સંધીએાનો કચ્ચરધાણ વાળી નાખ્યો.

એક હાથ એ પચાસ લાશો વચ્ચેથી ઉંચો થયો. એક સંધી અણિશુદ્ધ શરીરે એ ઘોરખાનામાંથી ઉભો થયો. “અરે ! આ શું કૌતક ? આખા કટકનું ખળું થઈ ગયું ને તું એક જીવતો ?”

“જીવતો છું એટલું જ નહિ, જોગા ખુમાણ ! પણ આ ડીલને માથે નજર તો કર ! તારો એક ઘા યે ક્યાંય ફુટ્યો ભાળ છ ?”

બહારવટીયો થંભીને જોઈ રહ્યો.

“જોગીદાસ ખુમાણ ! આ પચાસને માર્યા તેના તને તો ઝાઝા રંગ. પણ તારે ભાલે બેસનાર તો મુરાદશા મુંજાવરની કદુવા હતી. પીરનો મોરલો ખાનારનાં પેટમાં તારાં ભાલાં પરોવાવાનાં નક્કી થઈ ચૂક્યાં હતાં. ને આંહી જો ! મેં મોરલો નો'તો ખાધો. મને એક પણ જખમ નથી ફુટ્યો !”

“ક્યાં છે મુરાદશા ?”

“આ ફીફાદની ઝાડીમાં : ધનંતરશા પીરને થાનકે. અભેમાન કર્યા વિના એના પગુંમાં પડી જા – જો બહારવટે જશ લેવો હોય તો !”

જેને મુખડે પરનારીસિદ્ધ કોઈ જોગંદરની જ્યોત પથરાઈ ગઈ છે, જેની આંખોમાંથી વેરની આગ સાથે ખાનદાનીનો રંગ ઝરે છે, જેની ભ્રુકૂટિમાં જીવલેણ મક્કમપણાનું રામધનુષ્ય ખેંચાયલું દિસે છે. એવો સૂરજમુખો બહારવટીયો જોગીદાસ પલભર વિચાર કરી રહ્યો. એણે ઘોડી મરડી. સહુ અસવારો એની પાછળ ચાલ્યા. ફીફાદની ઝાડીમાં પીરને ઓટે દસે આંગળાંમાંથી નખ કાઢી નાખીને ગમગીન બેઠેલા બુઢ્ઢા મુંજાવર મુરાદશાના પગમાં જોગીદાસે પોતાના હાથ નાખી દીધા.

એનાં પાળેલાં કબુતરો, ખીસકોલીઓ ને કાબરો એના શરીર પર રમતા હતા, એક ડાઘો કૂતરો એના પગ ચાટતો હતો.

પોતાના બન્ને હાથ બહારવટીયાના મસ્તક પર મૂકીને મુરાદશાએ દુવા દીધી કે “જોગીદાસ ! બચ્ચા ! પીર

ધનંતરશા તારાં રખવાળાં કરશે.”

ઠાકોર વજેસંગજી અફસોસ કરી રહ્યા છે :

“ઓહોહો ! ખુમાણોએ મારૂ ઢીમ ઢાળી દીધું : આણંદજી દિવાનને મારી પાડ્યા ! આવો નાગર ફરી નહિ મળે.”

“ફિકર નહિ બાપુ, આણંદજીની કાયા તો ભાવનગરની બાજરીને કણે કણે બંધાણી'તી ને ? અને ટાણું આવ્યે તો લેખે ચડી જ જાવું જેવે ?”

“શી રીતે વાત બની ?”

“બાપુ, આણંદજી ભાઈ તો મહુવે એના બાપનું શ્રાદ્ધ સારવા બેઠા હતા. ઘેરે મહેમાનોનું જૂથ ક્યાંય માતું નો'તું, એમાં વાવડ સાંભળ્યા કે બહારવટીયા ભાણગાળામાં પડ્યા છે. શ્રાદ્ધ અધૂરું મેલીને ઉઠ્યા. ભાણગાળેથી બહારવટીયાને ભગાડીને આણંદજી ભાઈએ ઝપટમાં લીધા. ખેરાળીના ડુંગરાની અંદર હરખાવદરના ગાળામાં ભેટંભેટા થઈ ગયા. એક આણંદજી ભાઈ ને બીજો સૈયદ બાગ:. એક નાગર ને બીજો આરબઃ બેય જણા નીમકની રમત રમી જાણ્યા બાપુ ! આણંદજી ભાઈને ઝાટકે ને સૈયદ બાગાને જમૈયે કાઠીનું ખળું કરી નાખ્યું. અંતે જોગીદાસને ભત્રીજે ચાંપે ખુમાણે આણંદજી ભાઈને બરછીએ પરોવી લીધા, સૈયદ બાગાને ડીલે પણ પૂરા બત્રીસ ઘા પડ્યા. ખુમાણો તો એ બેને જ ઢાળીને ભાગી છૂટ્યા.”

“ઠીક, જેવી મા ખોડીયારની મરજી ! રાજ તરફથી આણંદજી દિવાનના માથા સાટે એના કુટુંબને ત્રણ ગામ આજથી “જાવચ્ચંદર દીવાકરૌ” માંડી આપુ છું : વીસળીયું, વડલી, ને લુવારા.”

આખી કચારીના એકેએક માણસને ઠાકોર વજેસંગના માથા ઉપરથી ઓળધોળ થઈ જવાના ઉમળકા આવ્યા.

“અને સૈયદ બાગાનું શું થયું ?" ઠાકોરે સવાલ કર્યો. “સૈયદ બાગો તો અટાણે પડદે પડ્યા છે બાપુ ! સૈયદ બાગાના જખ્મોને જ્યારે અમે હીરના ટેભા લઈ સીવવા માંડયા ત્યારે એણે હીરના ટેભાની ના પાડી. એણે તો બાપુ હઠ જ લીધી કે મને ચામડાની વાધરીના મજબુત ટેભા લીયો. આખું અંગ વેતરાઈ ગયું'તું તો પણ એક ચુંકારો કર્યા વગર આરબે વાધરીના ટેભા લેવરાવ્યા. મોઢા આગળ આણંદજી દિવાનની લાશ પડી'તી.

“રંગ છે આરબની જનેતાને.એનો ધાવેલો તો જરૂર પડ્યે ઉભા ને ઉભા કરવતે પણ વેરાઈ જાય ને ! ”

કચારીમાં આરબ અમીર ઉમરાવો ને લશ્કરી અમલદારો બેઠા હતા એનાં ગુલાબી મોઢાં ઉપર બેય ગાલે ચાર ચાર ચુમકીઓ ઉપડી આવી. નીમકહલાલીનાં નિર્મળાં રાતાં લોહી સહુના શરીરની અંદરથી ઉછાળા મારતાં હમણાં જાણે કે ચામડી ફાડીને બહાર ધસી આવશે એવી જોરાવર લાગણી પથરાઈ ગઈ. ત્યાં તો ચોપદારે જાહેર કર્યું કે

“બાપુ ! જીભાઈ રાઘવજી દિવાન પધારેલ છે.”

તૂર્ત જ નાગર જોદ્ધો જીભાઈ રાધવજી દેખાયો. કમર પર કસકસતી સોનેરી ભેટમાં જમૈયા ધબેલા છેઃ ગળે ઢાલ, કાખમાં શિરોહીની તલવાર ને હાથમાં ભાલો લીધો છે. પોતાના અમીરી દેખાવની રૂડપથી કચારીને નવા રંગે રંગતો જીભાઈ હાજર થયો. મહારાજ વજેસંગજી હેતભર્યા મળ્યા. “જીભાઈ ! આવી પોગ્યા ? બંદોબસ્ત બરાબર કર્યો છે ને ?”

“મહારાજને પ્રતાપે આ વખતે તો આખા ખુમાણ પંથકને માથે મગીયા–જાળ પાથરીને હાલ્યો આવું છું. મગ જેવડું યે માછલું-ખુમાણનું નાનકડું છોકરૂં પણ ક્યાંય આઘું પાછું ન થઈ શકે એવાં સંધી બરકંદાજોનાં થાણાં કુંડલા, રાજુલા, ડુંગર, આંબરડી, મીતીઆળા વગેરે તમામ જગ્યાએ થાપી દીધાં છે, પાકેપાકી મગીયાજાળ પાથરી દીધી છે બાપા ! ”

“રંગ તમને, જીભાઈ ! બાકી તો બહારવટીઆએ આણંદજીને માર્યા ત્યારથી મારૂં રૂંવાડું હેઠું બેસતું નથી. જોગીદાસના ક્યાંય વાવડ ?”

“જ્યાં હશે ત્યાંથી મારી મગીયાજાળમાં ઝલાઈ જાશે. હવે ફિકર નથી. જોગીદાસ બાપડા હવે કેટલા દિ'?”

“હાજ તો ! ભાવનગરનો ચોર તો ભાગી ભાગીને કેટલેક જાશે ?” એક બીજા અમીરે ટાપસી પૂરી.

ત્યાં તો મહારાજને દુ:ખ ભૂલવવા, હિમ્મત દેવા ને રૂડું મનાવવા બીજા બધા પણ બોલવા લાગ્યા કે “હવે બચાડી ચંદરમાની ભાગી શિયાળ તે કેટલે જઈને રે'શે ?”

“ક્યાં જઈને રે'શે ? દેખ બચ્ચા ! આંહી રે'શે”

કચારીના ખુણામાંથી એવી એક ત્રાડ સંભળાણી. ચમકીને મહારાજે એ ત્રાડ પાડનાર તરફ જોયું. કચારીના તમામ માણસો એ અવાજ કરનારની ખુમારી દેખી સ્તબ્ધ થઈ ગયા. અને ફરીવાર એ ધોળા, વાકડીયા, ખંભે ઢળકતા વાળ વાળા, સુફેદ દાઢી મૂછના ભરાવાવાળા, ધોળી પાંપણો ને નેણો નીચે તબકતી ઝીણી આંખોવાળા, લીલા અંચળાવાળા ને ગળામાં પીળા પારાની માળાવાળા ફકીરે ત્રાડ દીધી કે “ઈસ્મે રે'ગા ! યે મેરા ખપ્પરકે નીચુમેં રે'ગા !”

એટલું કહેવાની સાથે જ એ ફકીરે પોતાનું કાળું ખપ્પર કચારીમાં ઉંધું વાળ્યું.

“નખ્ખોદ વળ્યું !” ઠાકોરના મ્હોંમાંથી ઉદ્ગાર નીકળ્યો, "મુરાદશા એાલીયાએ ખુમાણને આશરો દીધો!"

તૂર્ત જ ચતૂર રાજાએ બાજી પલટી નાખી. મુંજાવર મુરાદશાનો કો૫ હેઠો બેસારવા મીઠાશથી બોલવા માંડ્યું કે “અરે હાં ! હાં ! હાં ! સાંઈ મૌલા! ગુસ્સો શમાવી દો બાવા ! દઃખ ધોખો ન લગાડો. હોય. એ તો થયા કરે.”

“મહારાજ !” મુરાદશાએ બોખા મ્હોંમાંથી દુઃખનો અવાજ કાઢ્યો, “મને દુ:ખ કેમ ન લાગે ? જોગીદાસ જેવા લાખ રૂપીઆના કાઠીને ચોર લુંટારો બનાવી મૂક્યો એ તો ઠીક, પણ ઉપર જાતાં એને નામે આ કચારી ફાવે તેમ બકે ? તારી કચારીની કીર્તિ ધૂળ મળે છે, રાજા સા'બ ? એમાં જોગીદાસને કાંઈ નાનપ નથી ચોટતી.”

“સાંઈ મૌલા ! તમારી વાત સાચી છે. છીછરા પેટનાં મારાં માણસોએ મારૂં સારૂં દેખાડવા માટે જોગીદાસને નાન૫ દેવામાં ભૂલ કરી છે. મારા દિલમાં એવું કાંઈ જ નથી. મારા મનથી તો જોગીદાસ માઈનો પૂત છે. અને એના ગરાસ સાટુ એ અમને સંતાપે એમાં કાંઈ પણ ખોટું નથી સાંઈ ! આપનો ગુસ્સો શમાવો.*[]

ભાવનગરમાં ગંગાજળીયા તળાવને આથમણે કાંઠે વડવાની જમીનના ખુણા પર આજ પણ જે જગ્યા 'પીર મુરાદશાના તકીઆ' તરીકે ઓળખાય છે, ત્યાં વારંવાર અસૂરી વેળાએ આવીને બહારવટીયો ઉતરતો, દિવસોના દિવસ સુધી રહેતો, ને છતાં કોઈને એની બાતમી નહોતી મળતી.

"બાપુ! ગઝબ થઈ ગયો.”

જોગીદાસે બહારવટે રઝળતાં રઝળતાં એક દિવસ મીતીઆળાના ડુંગરામાં પોતાના બાપ હાદા ખુમાણને શોકના સમાચાર સંભળાવ્યા.


  1. *કહેવાય છે કે પેલું વાળેલું ખપ્પર મુરાદશાએ ઉંચુ ઉપાડી લીધું. ઉપાડતાંજ નીચે એક ઘોડીના ડાબલાનું તાજેતાજું પગલું ને બીજું ઘોડાની તાજી કરેલી લાદનું પોચકું દેખાયું.
“શું થયું આપા ?”

“મહારાજ વજેસંગનો કુંવર *[]દાદભા ગુજરી ગયા.”

“અરરર ! દાદભા જેવો દીકરો ઝડપાઈ ગયો ? શું થયું ? ઓચીંતાનો કાળ ક્યાંથી આવ્યો ?”

“ભાવનગરની શેરીએ શેરીએ ભમીને મેં કાનોકાન વાત સાંભળી કે શિહોરથી દશેરાને દિ' નાનલબા રાણીએ કુંવરને ભાવનગર દરિયો પૂજવા બોલાવ્યા, અને કુંવર દરિયો પૂજીને પાછા વળ્યા ત્યારે નાનલબાએ મંત્રેલ અડદને દાણે વધાવીને કાંઇક કામણ કર્યું : કુંવરનું માથું ફાટવા માંડ્યું. શિહોર ભેળા થયા ત્યાં તો જીભ ઝલાઈ ગઈ ને દમ નીકળી ગયો.”

“કોપ થયો. મહારાજને માથે આધેડ અવસ્થાએ વીજળી પડ્યા જેવું થયું આપા !”

“વીજળી પડ્યાની તો શું વાત કરૂં બાપુ ! શિહોર ભાવનગરની શેરીએ શેરીએ છાતીફાટ વિલાપ થાય છે. વસ્તીના ઘરેઘરમાં પચીસ વરસનો જુવાન જોદ્ધો મરી ગયો હોય એવો કળેળાટ થાય છે.”

“આપા ! બાપ ! દાદભાની દેઈ પડે એનું સનાન તો આપણને ય આવ્યું કે'વાય. આપણે ના'વું જોવે.”

સહુ બહારવટીયાઓએ ફાળીયાં પહેરીને નદીમાં માથાબોળ સ્નાન કર્યું. પછી જુવાન જોગીદાસે વાત ઉચ્ચારી:

“બાપુ ! એક વાત પૂછું ?”

“ભલેં બાપ !”

“આપણે મહારાજના મોઢા સુધી ખરખરે ન જઇ આવવું જોવે ?”


  1. * તારીખો મેળવતાં જણાય છે કે આ મૃત્યુ પ્રસંગ કુંવર દાદભાનો નહિ પણ એથી નાનેરા કુંવર કેસરીસિંહનો હોવો જોઈએ.

હાદો ખુમાણ લગરીક હોઠ મલકાવીને વિચારે ચડી ગયા. એને એકસામટા અનેક વિચારો આવ્યા. ઠાકોર વજેસંગ, જેની સામે આપણે મોટો ખોપ જગાવ્યો છે, એની રૂબરૂ ખરખરે જવું ? જેનાં માણસોને આપણે મોલની માફક વાઢતા આવ્યા છીએ તે આપણને જીવતા મેલી દેશે ! જે આપણને ઠાર મારવા હજારોની ફોજ ફેરવે છે, એ આપણને ખરખરો કર્યા પછી પાછા આવવા દેશે ? પણ મારો જોગો તો જોગી જેવો છે. એને ખાનદાનીના મનસૂબા ઉપડે છે. એનું મન ભંગ ન કરાય.

“જાયેં ભલે. પણ છતરાયા નથી જાવું આપા ! દરબારગઢમાં દાખલ થયા પછી મહારાજની તો મને ભે નથી. પણ જો પ્રથમથી જ જાણ થાય તો પછી ઝાટકાની જ મેળ થાય, કેમ કે પાસવાનો ન સમજી શકે કે આપણે લૌકીક કરવા આવ્યા છીએ.”

“ત્યારે બાપુ ?"

“કુંડલાનો સહુ કાઠી કણબી દાયરો જાય એની સાથે તું પણ માથે ફળીયું ઢાંકીને છાનોમુનો ગુડો વાળી આવજે. બીજું તો શું થાય ?”

કુંવર દાદભાને ખરખરે કુંડલાના કાઠી કણબી ને મુસદ્દી તમામ શિહોર ચાલ્યા. તેમાં બહારવટીયો જોગીદાસ પણ પેસી ગયો. માથા પર પછેડી ઢાંક્યા પછી એ પાંચસો જણના સમુદાયમાં કોણ છે તે ઓળખવાની તો ધાસ્તી નહોતી. દરબારગઢની ડેલી પાસે સહુ હારમાં બેસીને રોવા લાગ્યા. રીત પ્રમાણે મહારાજ વજેસંગ એક પછી એક તમામને માથે હાથ દઇ છાના રાખવા લાગ્યા. ચાલતાં ચાલતાં બરાબર જોગીદાસની પાસે પહોંચ્યા, માથે હાથ મૂકીને મહારાજે સાદ કર્યો, “છાના રો' જોગીદાસ ખુમાણ ! તમે ય છાના રો'.”

“જોગીદાસ ખુમાણ ” એટલું નામ પડતાં તો શિહોર ઉપર જાણે વજ્ર પડ્યું. હાંફળા ફાંફળા બનીને તમામ મહેમાનો આમ તેમ જોવા લાગ્યા. સહુએ પોતપોતાની તરવાર સંભાળી. અને આંહી બહારવટીયાએ પછેડી ખસેડીને પોતાનું પ્રતાપી મ્હોં ખુલ્લું કર્યું . બહારવટીઓ એટલું જ બોલ્યો કે “ભલો વરત્યો રાજ !”

“વરતું કેમ નહિ જોગીદાસ ખુમાણ ! કાઠીયાવાડમાં તો તારૂં ગળું ક્યાં અજાણ્યું છે ? પાંચસો આદમી વચ્ચે તારા હાકોટા પરખાય, તો પછી તારા વિલાપ કેમ ન વરતાય ?”

બહારવટીયો ! બહારવટીયો ! બહારવટીયો ! એમ હાકોટા થવા લાગ્યા. સહુને લાગ્યું કે હમણાં જોગીદાસ મહારાજને મારી પાડશે. તલવારોની મૂઠે સહુના હાથ ગયા. ત્યાં તો ઠાકોરનો હાથ ઉંચો થયો. એણે સાદ દીધો કે “રાજપૂતો ! આજ જોગીદાસભાઈ બાઝવા નથી આવ્યા, દીકરો ફાટી પડ્યો છે એને અફસેાસે આવ્યા છે. મારા ગરાસમાં નહિ પણ મારા દુ:ખમાં ભાગ લેવા આવ્યા છે.”

મહારાજ ગળગળા થયા. જોગીદાસની આંખોમાં પણ જળજળીયાં આવ્યાં. માણસોએ અરધી ખેંચેલી તલવારો મ્યાન કરતાં કરતા અગાઉ કદિ ન જોયેલું ને સાંભળેલું એવું નજરે દીઠું. મહારાજ બોલ્યા “ જોગીદાસ, બ્હીશો મા હો !”

“બ્હીતો હોત તો આવત શા માટે રાજ ?”

સહુ દાયરાની સાથે ખાઈ પી, મહારાજને રામરામ કરી પાછા જોગીદાસ ચડી નીકળ્યા. બહારવટીયાને નજરે જોઈ લેવા શિહોરની બજારે થોકેથોક માણસ હલક્યું હતું. બહારવટીયાના ચ્હેરા મ્હોરા જેણે કદિ દીઠા નહોતા તેણે તો ખુમાણોને દૈત્ય જ કલ્પેલા હતા. પણ તે ટાણે લોકોએ જુવાન જોગીદાસનું જતિસ્વરૂપ આંખો ભરીભરીને પી લીધું. આવા તપસ્વી પુરૂષ નિર્દોષ કણબીઓનાં માથાં વાઢી વાઢીને સાંતીડે ટીંગાડતો હશે, ને એના ધડનાં ધીંસરાં કરીને ઢાંઢાને ગામ ભણી હાંકી મેલી રાજ્યની સોના સરખી સીમ ઉજ્જડ કરી મેલતો હશે; એ વાત ઘડીભર તો ન મનાય તેવી લાગી.

ગટાટોપ મેદની વચ્ચે થઈને કોઈની પણ સામે નજર કર્યા વિના બહારવટીયો ચાલ્યો ગયો. જુવાન જોગીદાસની નજર જાણે દુનિયા કરતાં પાતાળની અંદર વધુ પડતી હોય તેમ એ તે એકધ્યાની યોગીની માફક નીચે જ આંખો નોંધીને નીકળી ગયો.

અનેક બાઈઓના મ્હોંમાંથી અહોભાવનું વેણ નીકળી પડ્યું કે “સાચો લખમણજતિનો અવતાર !”


મીતીઆળાના કિલ્લામાં ત્રણે ભાઈઓ મસલત કરે છે:

“ભાઈ ગેલા ખુમાણ !” જોગીદાસે મોટા ભાઈને પૂછ્યું.

“હાં આપા."

“આપણે ત્રણે જણા બારવટે ભાટકીએ છીએ, પણ બાપુ એકલા થઈ પડ્યા. પંચાણું વરસની આખી આવરદા ધીંગાણે ગઈ: એટલે એકલા રે'વું ગોઠે કેમ ? એની ચાકરી કોણ કરે ?”

“ત્યારે શું કરવું આપા ?”

“બીજું શું ? બાપુને પરણાવીએ.”

“ઠેકાણું તપાસ્યું છે ?”

“હા, ધૂધરાળે જેબલીયા કાઠીની એક દીકરી છે.”

“પણ નવી માને દીકરા થાશે તો ?"

“તો તેની ચિંતા શી ? બાપના દીકરાથી વધુ રુડું શું ?" “ભાગ નહિ પડે ?”

“પણ ભાઇયું આપણે પડખે મદદમાં યે ઉભા રહેશે ને ? જાડા જણ હશું તો બારવટું જોરથી ખેડાશે.”

પંચાણું વર્ષની ઉમ્મર છતાં હાદા ખુમાણની વજ્ર જેવી કાયા છે : બખ્તર, ટોપ, ભાલો, ઢાલ ને તલવાર, તમામ હથીઆર પડીયારના ભાર સોતા બાપુ ઠેકડો મારીને બાવળા ઘોડા ઉપર ચડી બેસે છે. સામું પાગડું ઝાલવાની જરૂર રહેતી નથી. એવા પોતાના બાપનું લગ્ન કરીને જોગીદાસે પિતાના સુખનો માર્ગ કાઢ્યો.

સાત વર્ષ વીત્યાં. જેબલીયાણી માના ખોળામાં બે સાવઝ સરખા દીકરા રમે છે : એકનું નામ હીપો ને બીજાનું નામ જસો.

પણ આ ગુલતાનમાં હાદા ખુમાણને હવે ચેન પડતું નથી. રોજેરોજ દીકરાઓની તગડાતગડ સાંભળીને બાપનું દિલ ઉકળે છે. અંતર ઘરમાંથી ઉઠી જાય છે.

“દરબાર !” જુવાન જેબલીયાણી પોતાની જાત વિચારી જઈને ખરા ટાણાનાં વેણ બોલી કે “દરબાર ! હવે બસ; હવે આ દુનિયાને કડવી કરી નાખો ! ભાણ જોગીદાસ જેવા દીકરા બારવટે ભાટકી ગિરમાં પાણાનાં ઓશીકાં કરે છે, એ વેળાએ આપણને આંહી હીંડોળા ખાટે હીંચકવું ન ઘટે."

“સાચી વાત, કાઠીઆણી ! રંગ છે તને !” પોતાની જૂવાન સ્ત્રીને એવા ધન્યવાદ દઈને આપા હાદાએ હથીઆર લીધાં. ઘરનું સુખ છોડીને દસ વરસ સુધી બહારવટું ખેડ્યું. એ હિસાબે એની અવસ્થા એકસો ને બાર વરસની થઈ. પછી તો એને બુઢ્ઢાપો વરતાવા લાગ્યો. જોગીદાસે આગ્રહ કરીને વળી

પણ બાપુને ધૂધરાળે વિસામો લેવા મોકલી દીધા.

પરનારી પેખી નહિ, મીટે માણારા !
શીંગી ૨ખ્ય ચળીયા, જુવણ જોગીદાસીઆ !

[ હે જુવાન જોગીદાસ ! શુંગી ઋષિ જેવા મહા તપસ્વીઓ પણ પરસ્ત્રીમાં લપટી પડ્યા, પરંતુ હે ભાણા ! તેં તો પરાયી સ્ત્રી પર મીટ સુદ્ધાંયે નથી માંડી.]

બે જણા વાતો કરે છે :

“ભાઈ, આનું કારણ શુ છે ?"

“શેનું ભાઈ ?”

“જોગીદાસ ખુમાણ જ્યાં જ્યાં દાયરામાં બેસે ત્યાં ત્યાં ગામની બજાર તરફ પારોઠ દઈને જ કેમ બેસે છે ! અને માથે ફાળીયું કેમ એાઢી રાખે છે ?” “ભાઈ, રામને તે દિ' સીતાજીની ગોત્ય કરતાં કરતાં માર્ગેથી માતાજીનાં ઘરેણાં લૂગડાં હાથ આવ્યાં, ને પછી લખમણજીને એ દેખાડીને કોનાં છે એમ પૂછેલું તે ટાણે લખમણ જતિએ શો જવાબ દીધો'તો, ખબર છે ?”

“હા, હા ! કહ્યું'તું કે મહારાજ, આ હાથનાં કંકણ, કાનનાં કુંડળ કે ગળાના હાર તો કોના હશે તેની મને કાંઈ ગતાગમ નથી. કેમકે મેં કોઈ દિ' માતાજીના અંગ ઉપર નજર કરી નથી; પણ આા પગનાં ઝાંઝરને તો હું ઓળખી શકુ છું. રોજ સૂરજ ઉગ્યે હું માતાજીના પગુમાં પડતો ત્યારે ઝાંઝર તો મારી નજરે પડતું'તું !"

“ત્યારે આજ જોગીદાસ પણ એજ લખમણ જતિનો અવતારી પુરૂષ જન્મ્યો છે બાપ ! એને બજાર સન્મુખ નજર રાખી ન પાલવે, એમાં હમણાં હમણાં બે અનુભવ એવા મજ્યા કે આ દુનિયાની માયાથી એ તપસી ચેતી ગયો છે."

“શા અનુભવ ?”

“એક દિવસ જોગીદાસ જુનીના વીડમાં આંટો લઈને બાબરીયાધાર આવતા'તા. હું પણ ભેળેા હતો. બેય ઘોડેસવાર થઈને આવતા'તા. આવતાં આવતાં જેમ અમે નવલખાના નેરડામાં ઘોડીઓ ઉતારી, તેમ તે સૂરજના પચરંગી તેજે હીરા મોતીએ મઢી દીધેલા હોય એવા ઝગારા મારતા એ પાણીના પ્રવાહમાં પીંડી પીંડી સુધી પગ બોળીને એક જુવાનડીને ઉભેલી દીઠી. અઢારક વરસની હશે. પણ શી વાત કરૂં એના સ્વરૂપની? હમણાં જાણે રૂ૫ ઓગળીને પાણીના વ્હેનમાં વહ્યું જાશે ! સામે નજર નોંધીએ તો નક્કી પાપે ભરાઈએ એવું રૂપ : પણ આપાને તો એ વાતનું કાંઈ ઓસાણે ન મળે ! નેરાની ભેખડ્યું અને જીવતી અસ્ત્રી, બેય આપાને તો એકસરખાં. આપાએ ઘોડી પાણીમાં નાખી. એમાં પડખે ચડીને એ જુવાનડીએ જબ ! દેતી ઘોડીની વાઘ ઝાલી. ધોડીએ ઝબકીને મોઢાની ઝોંટ તો ઘણી યે દીધી, જોરાવર આદમીનું યે કાંડું છુટી જાય એવા જોરથી સાંકળ ઉલાળી : પણ એ જુવાનડી તો જળો જેવી ચોંટી જ પડી. આપા જોઈ રહ્યા, આપાની તો અચરજનો પાર જ ન રહ્યો. “હાં ! હાં ! હાં ! અરે બાઈ ! બોન ! બાપ ! મેલ્ય, મેલ્ય, મેલી દે! નીકર ઘોડી વગાડી દેશે.” એમ આપો વિનવવા લાગ્યો.

“નહિ મેલું ! આજ તો નહિ મેલું, જોગીદાસ !”

“અરે પણ શું કામ છે તારે ? કોઈ પાપીઆ તારી વાંસે પડ્યા છે ? તારો ધણી સંતાપે છે ? શું છે ? છેટે રહીને વાત કર. હું તારૂં દુઃખ ટાળ્યા પહેલાં આંહીથી ડગલું યે નહિ ભરું. તું બ્હી મા. ઘોડીને મેલી દે, અને ઝટ તારી વાત કહી દે.”

“આજ તો તમને નહિ છોડું જોગીદાસ ! ઘણા દિ'થી ગોતતી'તી.”

“પણ તું છે કોણ ?”

“હુ સુતારની દીકરી છું : કુંવારી છું.”

“કેમ કુંવારી છો બાપ ? પરણાવવાના પૈસા શું તારા બાપ પાસે નથી ? તો હું આપું. તું ય મારી કમરી બાઈ-”

“જોગીદાસ ખુમાણ ! બોલો મા. મારી આશા ભાંગો મા. હું તમારા શુરાતનને માથે ઓળઘોળ થઈ જવા, મારી જાત્ય ભાત્ય પણ મેલી દેવા ભટકું છું, આમ જુવો જોગીદાસ, આ માથાના મેવાળા કોરા રાખવાનું નીમ લઈને ભમું છું. આજ તું મળ્યે–”

“અરે મેલ્ય, મેલ્ય મળવા વાળી ! તું તો મારી દીકરી. કમરી કેવા ! ”

આટલું બોલી, પોતાના ભાલાની બુડી એ જોબનભરી સુતારણના હાથ ઉપર મારી, ઘોડીની વાઘ ડોંચી, આપા જોગીદાસે ઘોડી દોટાવી મેલી. પાછું વાળી ન જોયું, પછી સાંજરે બેરખાના પાર પડતા મેલતા મેલતા સુરજનો જા૫ કરતા'તા, ત્યારે ભેળા હોઠ ફફડાવીને બોલતા જાતા'તા કે “હે બાપ ! મારૂં રૂપ આવડું બધું કુડું હશે એ મેં નહોતું જાણ્યું. મોઢું તરવારથી કાપીને કદરૂપું કરવાની તો છાતી નથી હાલતી, પણ આજથી તારી સાખે નીમ લઉ છું કે કોઈ પરનારીની સામે અમથી અમથી યે મીટ નહિ માંડું.”

અને બીજી વાત તો એથી યે વસમી બની ગઈ છે. પરનારી સામે નજર ન માંડવાનું નીમ એક દિ ઓચીંતુ તૂટી પડ્યું. એક ગામને પાદર નદીકાંઠે એક દિ' સાંજટાણે પનીઆરીયું આછા વીરડા કરીને પાણી ભરતી હતી. રૂપાળા ત્રાંબાળુ હાંડા ઉટકાઈને ચકચકાટ કરતા હતા. આછરતા વીરડા, ઉટકેલાં બેડાં, મોતીની ઇંઢોણીયું, નમણાં મોઢાંવાળી ગામની બેન્યુ દીકરીયું, ને એ સહુને માથે જ્યોત પ્રગટાવતા સૂરજ મહારાજ : એ રૂડો દેખાવ આપો ય જોવા લાગ્યા. ઓલ્યા નીમનું ઓસાણ ચૂકાઈ ગયું. પોતાને ઘરેથી આઈ અને દીકરીઓ બધાં આવે નદીકાંઠે બેસીને કિલોળ કરતાં હોય, એવી ઉમેદ થઈ આવી. પણ એ તો બચાડાં ચોર બનીને ભાટકતાં'તાં.

ઘેરે આવીને જેગીદાસને યાદ ચડ્યું કે નીમ ભંગાણું છે. રાતે કોઈને ખબર ન પડે તેમ એણે આંખેામાં મરચાંના બુકાનું ભરણું ભર્યું - પાટા બાંધીને પોઢી ગયા. પ્રભાતે ઉઠ્યા ત્યાં તો આંખો ફુલીને દડા થયેલી. ભાઈઓ પૂછવા લાગ્યા કે “અરે ! અરે ! જેગીદાસ ! આ શો કોપ થયો ?"

“કાંઈ નહિ બા ! ઈ તો આંખ્યુંમાં થોડુંક વકારનું ઝેર રહી ગયું'તું, તે નીતારી નાખ્યું !”

આવો નીમાધારી પુરૂષ, લગરીકે ચૂક ન થાય તે માટે બજાર સામે કે રસ્તા સામે પારોઠ દઈને બેસે છે ભાઈ !

નાંદુડી ગાળીમાં આ પ્રમાણે બે માણસો વાતો કરી રહ્યા છે. વીરડીથી ગેલા ખુમાણનો દીકરો, સરસઈથી ભાણ ખુમાણ, આંબરડીથી જોગીદાસ ખુમાણઃ એમ હાદા ખુમાણના દીકરા આજ બહારવટું ખેડતા ખેડતા થોડોક વિસામો લેવા માટે ભેળા મળીને નાંદુડી ગાળીએ હુતાશણી રમે છે. કોયલેને ટૌકે કોઈ આંબેરણ ગાજતું હોય તેમ શરણાઈઓના ગહેકાટ થાય છે, બરાબર તે સમયે એક અસવારે આવીને નિસ્તેજ મ્હોંયે સમાચાર દીધા કે “બાપુ હાદો ખુમાણ ધુધરાળે દેવ થયા.”

“બાપુ દેવ થયા ? બાપુને તો નખમાં ય રોગ નો'તો ને ?”

“બાપુને ભાવનગરની ફોજે માર્યાં.”

“દગાથી ? ભાગતા ભાગતા ? કે ધીંગાણે રમતા ?"

“ધીંગાણે રમતા.”

“કેવી રીતે ?”

“ફોજે ધુધરાળાની સીમ ઘેરી લીધી બાપુથી ભાગી નીકળાય તેવું તો રહ્યું નહોતું, એના મનથી તો ઘણીય એવી ગણતરી હતી કે જીવતો ઝલાઈ જાઉં. અને ફોજનો પણ બાપુને મારવાનો મનસૂબો નહોતો, જીવતા જ પકડી લેવાને હુકમ હતો. પણ આપણા ભૂપતા ચારણે બાપુને ભારે પડકાર્યાં. વાડીએ બાપુ હથીઆર છોડીને હાથકડી પહેરી લેવા લલચાઈ ગયા તે વખતે ભૂપતે બાપુને બિરદાવ્યા કે

સો ફેરી શિરોહની લીધેલ ખૂમે લાજ,
(હવે) હાદલ કાં હથીઆર મેલે અાલણરાઉત !

[હે આલા ખુમાણના પુત્ર હાદા ખુમાણ ! સો સો વાર તો તું શિહો૨ ઉપર તુટી પડી ગોહિલપતિની લાજ લઈ આવેલ છો; અને આજ શું તું તારાં હથીઆર મેલીને શત્રુઓને કબજે જઈશ ?]

આવાં આવાં બિરદ દઈને બાપુનાં રૂંવાડા બેઠાં કર્યા. અને બાપુ એક સો બાર વરસની અવસ્થાએ એક જુવાનની જેમ જાગી ઉઠ્યા. એણે હાકલ કરી કે “ભૂપતા ! ફોજને હવે સાદ કર ઝટ.” ભૂપતે સાદ કર્યો કે “એ ભાઈ ! ફોજવાળાઓ ! આ રહ્યો તમારો બાપ ! આવો ઝાલી લ્યો.” ફોજને આંગળી ચીંધાડી બાપુ બતાવ્યા. અને એકલે પડ્યે બાપુ ધીંગાણે ચડી જન્મારો ઉજાળવા મંડ્યા. સામી છાતીએ લડીને *[]ફુલધારે ઉતર્યા.

“બસ ત્યારે !” જોગીદાસ બોલી ઉઠ્યો, “પૂરે ગઢપણે આપણો બાપ *ફુલધારે ઉતરી ગયા, એ વાતના તે કાંઈ સોગ હોતા હશે ? એનાં તો ઉજવણાં કરાય. માટે હવે તો મોકળે મને આઠ આઠ શરણાઈયું જોડ્યેથી વગડાવો !”

“પણ આપા !" કાસદીઆએ કહ્યું, “બાપુનું માથું કાપીને ફોજ ભાવનગર લઈ ગઈ.”

જોગીદાસના આખા શરીર પર સમસમાટી ચાલી ગઈ. બાપ જેવા બાપના મહામૂલા માથાના બુરા હાલ સાંભળતાં એનો કેડો સળગી ઉઠ્યો. પણ નાહિમ્મતનું વચન કાઢવાનો એ વખત નહોતો. નાનેરા ભાઈઓની ધીરજ ખુટવાની ધાસ્તી હતી. એ કારણથી પોતે મનની વેદના મનમાં શમાવીને કહ્યું “હશે બાપ ! ભાવનગરની આખી કચારી બાપુ જીવતે તો બાપુનું મોઢું શી રીતે જોઈ શકત ? ભલે હવે એ સાવઝના મ્હોંને નિરખી નિરખીને જોતાં.”

જે વજેસંગ મહારાજના રાજનગરમાં હાદા ખુમાણનાં મોતની વધામણી આવી છે. મહારાજના અંતરનો ઉલ્લાશ ક્યાં યે માતો નથી. પોતાનો બાપ મરવાથી બહારવટીઓ જોગીદાસ હવે બધી આશા ગુમાવીને રાજને શરણે આવી ઉભો રહેશે, એવી આશાની વાદળી સામે મીટ માંડીને મહારાજનું દિલ અષાઢ મહિનાના મોરલાની માફક થનગનવા લાગ્યું છે. આજે હાદા ખુમાણને મારનાર સરબંધીઓને પહેરામણી કરવા માટે


  1. *ફુલધારે ઉતર્યા : તલવારની ધારે મર્યા
કચારી ભરાણી છે. સાચા વસ્ત્રોના સરપાવ, ભેટ દેવા

માટેની તલવારો અને સાકરના રૂપેરી ખુમચા મહારાજની ગાદી ! સન્મુખ પ્રભાતને પ્હોર ઝગારા મારે છે.

તે વખતે કચારીમાં એક એવો આદમી બેઠો હતો કે જેને આ રંગરાગમાં ભાગ લેતાં ભોંઠામણનો પાર નથી રહ્યો. એ ક્રાંકચ ગામનો ગલઢેરો મેરામ ખુમાણ હતો, પોતે આજ અચાનક મહારાજને મળવા આવેલ છે અને એ પોતાના જ કુટુંબી હાદા ખુમાણના મોતના ઉત્સવમાં ન છૂટકે સપડાઈ ગયો છે. પણ એને ક્યાં યે સુખચેન નથી. પોતે એકલો છે તલવારે પહોંચે તેમ નથી. તેથી એણે આખી મજલસને તર્કથી ધુળ મેળવવાનું નકી કર્યું છે. કટોકટીની ઘડી આવી પહોંચી છે.

“લાવો હવે પહેરામણી !” મહારાજે હાકલ કરી. ખુમચા ઉપરથી રૂમાલ ઉપાડ્યા. ચારણોએ દુહા લલકાર્યા. ત્યાં તો મર્માળી ઠાવકી વાણીમાં મેરામણ ખુમાણ બોલી ઉઠ્યા :

“વાહ ! વાહ ! વાહ રે ભણેં, કાઠી તાળાં ભાગ્ય ! ભારી ઉજળાં ભાગ્ય ! ”

“કેમ મેરામણ ખુમાણ ! કોનાં ભાગ્ય ? ” ઠાકારે પૂછ્યું.

“બીજા કોનાં બાપ હાદા ખુમાણનાં !”

“કેમ ?”

“કેમ શું ? એક સો ને બાર વરસની અવસ્થા : હાથે કંપવા : પગે સોઝા : આંખે ઝાંખપ : કાયાનો મકોડે મકોડો કથળી ગયેલ : આવી દશામાં જો બચાડો ભાવનગરની કેદમાં જીવતો આવ્યો હોત તો કેવા બુરા હાલ થઈ જાત ? પાંચે દીકરાને બહારવટાં મેલી દઈ, મ્હોંમાં તરણું લઈ આફરડા બાપની સંભાળ લેવા સાટુ થઈને મહારાજને શરણે આવવું પડત. નીકર મલક વાતું કરત કે બાપ બંદીખાને સડે છે ને દીકરા તો બહાર મોજું માણે છે ! પણ હવે ઈ માયલું કાંઈ રહ્યું ? હવે તો નિરાંતે પાંચે જણા ભાવનગરનાં અઢારસેં' ઉજ્જડ કરશે. માટે સાકર તો આજ વ્હેંચે એના દીકરા, કે સાવઝ પાંજરેથી મોકળા થયા !”

આખી કચારી સાંભળે એ રીતે આ શબ્દો બોલાયા !

“સાકર પહેરામણીના થાળ પાછા લઈ જાવ !”

એટલું કહીને મહારાજે ઝટપટ કચારી વિસર્જન કરી નાખી અને પોતે તે જ ઘડીએ હાદા ખુમાણના શોક બદલ માથે ધોળું ફાળીયું બાંધી લીધુ.

ઠાકોર વજેસંગજી બગડેલી બાજી સુધારી રહ્યા છે:

“મેરામ ખુમાણ, હવે શું કરૂં ? હાદા ખુમાણને મારીને તો મેં મોટી ખોટ્ય ખાધી.”

“સાચુ મા'રાજ ! માથેથી ગાળ ઉતારવી હોય તો કુંડલા જઈને હાદા ખુમાણનું કારજ કરો. અને ભાણજોગીદાસને તેડાવીને કસુંબા પી લ્યો.”

ઠાકોર વજેસંગે કુંડલે જઈને પોતાના શત્રુનું કારજ આદર્યું. ત્રણે પરજમાં મેલા લખ્યા, ભાણ જેગીદાસને તેડી લાવવા માટે મેરામ ખુમાણને મોકલ્યા.

નક્કી કરેલે દિવસે બેય બહારવટીયા ભાઈઓ ડુંગરમાંથી ઉતરીને કુંડલે આવે છે. રસ્તે જોગીદાસ શીખામણ દઈ રહ્યો છે કે “ભાણ ! બાપ, તું આકળો થતો નહિ. તારી તેજ પ્રકૃતિને જરા વશ રાખજે ભાઈ !”

કંડલાના દરબારગઢમાં આવ્યા, ત્યાં દાયરો ઉભો થઈ ગયો. જોગીદાસે પૂછ્યું “ક્યાં છે મહારાજ !”

“મા'રાજ તો નદીએ સરાવે છે.”

“મા'રાજ પોતે સરાવવા ગયા છે !” “હા આપા !”

બન્ને જણાએ ઘોડીઓ નદીનાં આરા તરફ લીધી. કાંઠે આવતાં તો આઘેથી ઠાકોર વજેસંગને દેખ્યા : મૂછો પડાવીને મહારાજ રામધાટ ઉપર સરવણું કરે છે.

“જો ભાણ ! જોઈ લે બાપ ! બાપ તો તારો ને મારો મર્યો, અને મૂછું બોડાવી છે ભાવનગરના ઠાકોરે : આપણા દુશ્મને ! આમ જો ખાનદાની ! તું કે હું મૂછ્યું પડાવી શકીએ એમ છે ?”

[કાઠીઓ કદિ પણ મૂછો પડાવતા નથી. રજપૂતો પડાવે છે.]

ત્યાં તો ઠાકોરને સમાચાર પહોંચ્યા. ઉંચુ જોયું, બન્ને બહારવટીયા સામે નજર કરીને ઠાકોરે મ્હોં મલકાવ્યું. જાણે મોટેરા ભાઈ હોય, એટલું હેત પાથરી દીધું.

“ઉઠો ઉઠો મહારાજ ! હવે બાકીનું મને સરાવવા દ્યો. આપે તે અવધિ કરી.”

“આપા ભાઈ !” મહારાજ બોલ્યા, “હાદો ખુમાણ તમારા બાપુ, તેમ મારા યે બાપુ, હું મોટેરો દીકરો, તમે કોઈ ઘરે નહિ, એટલે હું સરવું એમાં શું ? મોટેરાને એટલો હક્ક તો રે'વા દ્યો બાપ !”

“ભલે મહારાજ !” જોગીદાસનું ગળું રૂંધાઈ ગયું.

સરાવણું પૂરૂં થયે સહુ ગામમાં આવવા ઘોડે ચડ્યા. બરાબર ઝાંપે આવીને જોગીદાસે ઘોડી સામા કાંઠા ઉપર સાવર ગામ તરફ વાળી અને ઠાકોરને કહ્યું “રામ રામ મહારાજ !”

“આપા ભાઈ ! આ તરફ દરબારગઢમાં.”

“માફ રાખો, બાપા ! હું સાવરમાં ઉતારો કરીશ.”

“અરે પણ–”

મેરામ ખુમાણ બોલી ઉઠ્યા: “કાં મહારાજ ! ન સમજાણું ? જોગીદાસે કુંડલાનું પાણી હરામ કર્યું છે એટલે એણે ઘોડી તારવી.” “તો આપણાં મુકામ પણ સાવરમાં નાખો."

ઠાકોરનો હુકમ થયો. કારજની બધી તૈયારી કુંડલામાંથી સામા પાદરમાં લઈ જવામાં આવી.

ભલભલા કાઠીઓનું કારજ તે દિવસોમાં ઘઉંના ભરડકાનું થતું. તેને બદલે હાદા ખુમાણના કારજમાં ઠાકોરે સાટા જલેબી ને મોહનથાળ દીધાં. ત્રણે પરજોના સેંકડો પરોણા મ્હોંમાં આંગળી નાખી ગયા.

કેવળ ક્રાંકચનો મેરામ ખુમાણ ઠાકોરની કરામત ઓળખતો હતો. એણે મનમાં ને મનમાં કહ્યું “વાહ ઠાકોર ! રૂપાની થાળી ને સોનાની પાળી ! કલેજાં ચીરે, તો ય મીઠી લાગે !”

“બોલાવો ભાણ જોગીદાસને કસુંબા પીવા. આજ બારવટું પાર પાડીએ.” વજેસંગજીએ વાત ઉચ્ચારી.

બન્ને ભાઈઓ હાજર થયા. ઠાકોરે વાત ચલાવી:

“જુઓ આપાભાઈ ! બાપુ આલા ખુમાણના વખતના વહીવટના ચોપડા તપાસો : દરેક ભાઈને ત્રીસ ત્રીસ હજાર મળતા. એથી વધુ તો તમે ન માગો ને !”

“ના.”

“ત્યારે છ ગામ ઉપાડી લ્યો. આપા ! તમે જ નામ પાડો.”

“પહેલું કુંડલા.”

કુડલાનું નામ પડતાં જ મહારાજનું મ્હોં ઉતરી ગયું. મહારાજે માથુ ધુણાવ્યું:

“આપા ! કુંડલા તો નહિ. કુંડલા લેવામાં દરબારને ભારી દાખડો કરવો પડ્યો છે. ઠેઠ રાજુલાથી તોપખાનું હરડાવ્યું, તેમાં નેસડીના મૂળા પટેલના ચાળીસ ઢાંઢા તૂટી ગયા, તેના બદલામાં એને આખું જૂનું સાવર દેવું પડ્યું. માટે કુંડલાના સિવાય બીજું ઠીક પડે એ ગામ માગી લ્યો." “પહેલા કુંડલા; પછી બીજું ખપે. કુંડલા મળ્યા મોર્ય તો નાવલીનું પાણી ન ખપે મહારાજ.”

“આપા ! છ નહિ - સાત માગો. આઠ માગો. પણ કુંડલાની વાત પડતી મેલો ”

“મહારાજ છને બદલે ભલે પાંચ આપો, પણ કુંડલા તો પહેલા.”

“એ ન બને આપા !”

“તો રામરામ ઠાકોર !”

ભાણ જોગીદાસ ચડી નીકળ્યા. ભાણની રોમરાઈ અવળી થઈ ગઈ હતી. મરૂં કે મારૂં ! મરૂં કે મારૂં ! એમ એને થતું હતું. નાવલીની બજારમાં નીકળતાં જ ભાણ ખુમાણે સીરબંધી સિપાહીઓ ઉપર ઝાટકા ચોડવા માંડ્યા. દોડીને જોગીદાસે ભાઈને ઝાલી લીધો: “હાં ! હાં ! ભાણ! સામી તેગ ખેંચે તેને જ મરાય. બાપડા નિર્દોષને માથે આ તું શું કરી રહ્યો છે ?”

ગોખમાં ઉભેલા ઠાકોર ભાણની આ અકોણાઈ જોતા હતા. એણે પોતાના સીરબંધીઓને ત્યાંથી હાકલ કરી: “ખબરદાર ! બહારવટીઆને કોઈ આજ સામે ઘા ન કરજો. ભલે આપણાં સો ખૂન થઈ જાય."

“જોયું ભાણ ! આ ઠાકોર વજેસંગ !”

બહારવટીયા ચાલી નીકળ્યા.

કારજના પ્રસંગ વિષે બીજી વાત આમ બોલાય છે:

જેતપુર શહેરથી દરબાર મુળુવાળાને તેડાવવામાં આવ્યા. ત્રણે પરજની કાઠ્યમાં મૂળુવાળાનો મોભો ઉંચેરો ગણાતો. એનું વેણ ઝટ દઈને કોઈથી લોપાતું નહિ. એજન્સી સરકારની પાસે પણ સહુ કાઠીઓની ઢાલ થઈને ઉભા રહેનાર મૂળુવાળો હતો. એને બોલાવીને કળાબાજ મહારાજે કહ્યું “મુળુભાઈ, હાદા ખુમાણ જેવો કાઠી પડ્યો. એની તો આખા મલકને ખોટ્ય કહેવાય. જીવતો એ મારો દુશ્મન હતો, પણ મુવા પછી તો મારો ભાઈ લેખુ છું. માટે ભાવનગરને ખર્ચે મારે કુંડલા મુકામે એનું કારજ કરવું છે. તમારૂં કામ તો એટલા સારૂં પડ્યું છે કે કારજમાં તમે ભાણ જોગીદાસને બોલાવી લાવો. મારા હાથનો કસુંબો લઈને પછી ભલે તુરત એ ચડી નીકળે. પણ એના બાપને માર્યા પછી હું એને અંજળી ભરી કસુંબો ન લેવરાવું ત્યાં સુધી મારા જીવને ઝપ નથી. વેર તો કોને ખબર છે ક્યાં સુધી હાલશે !”

કહેવાય છે કે ઠાકોરના પેટમાં દગો હતો. બહારવટીઆઓને ઝાલી લેવાની પેરવી હતી. પણ કસુંબા લેવાઈ રહ્યા, સહુ સહુને ઉતારે ગયા, રાત પડી, એટલે મૂળુવાળાએ સનસ કરીને બહારવટીયાને ચેતાવ્યા “હં....ભાણ જોગીદાસ ! હવે ચડી નીકળો ઝટપટ."

“અરે ! પણ મહારાજ વાળુમાં વાટ જોશે.”

“તો પછી ઝાટકાનાં વાળુ સમજવાં જોગીદાસ !”

આંહી બહારવટીયા ચડી ગયા, ને ત્યાં મહારાજને ખબર પડ્યા.

રોષે ચડેલા ઠાકોરે રાજકોટ પોલીટીકલ એજન્ટને ખબર દીધા કે “બહારવટીયાને પકડી લેવાની મારી પરવીને જેતપૂર મૂળુવાળાએ અને જસદણના શેલા ખાચરે ધુળ મેળવી દીધી છે. બહારવટીયાને નસાડ્યા છે."

આ ઉપરથી એજન્સી સરકારે જેતપૂર અને જસદણ ઉપર સરકારી થાણાં બેસારી દીધાં હતાં.

બાપુનું ગામતરૂં થઈ ગયું. મોટેરો ભાઈ ગેલો ખુમાણ પણ ગુજરી ગયા છે. એટલે સહુ ભાઈઓમાં મોટા જોગીદાસને માથે ગલઢેરાઈ આવી. એંશી ઘોડે જોગીદાસ ઘૂમી રહેલ છે. મહુવાથી જાફ્રાબાદ સુધીનો દરિયા-કિનારો પણ એ ઘોડાંના ડાબલા નીચે કંપવા લાગ્યો છે. બંદરે બંદરે ભાવનગર રાજનો વેપાર બંધ કરાવી દીધો છે.

મારગ જે મુંબઈ તણે જળબેડાં નો જાય,
શેલે સમદર માંય જહાજ જોગીદાસનાં.

[મુંબઈ નગરને જળમાર્ગે જ્હાજો જઈ શકતાં નથી. કેમકે જોગીદાસનાં વહાણ એની ચોકી કરતાં સમુદ્રમાં તરી રહ્યાં છે.]

એવે એક દિવસ જોગીદાસ વરતેજ ગામ માથે પડ્યા, વરતેજની બજાર લૂંટીને નાસી છૂટ્યા, અને ઠાકોર વજેસંગ નજીકમાં શિહોર ગામે જ હતા ત્યાં એને ખબર પડી. ઠાકોરને અંગે ઝાળ ઉપડી ગઈ.

“આજ તો કાં હું નહિ, ને કાં જોગીદાસ નહિ. ”

એવા સોગંદ લઈને ઠાકોર ઉભા થયા. હાથીએ ચડ્યા. સૈન્ય લઈને જોગીદાસને સગડે ચાલ્યા. ચારે દિશાએથી ઠાકોરની ફોજ બહારવટીયાના કેડા રૂંધવા લાગી. અને આજ તો લાખ વાતે પણ જોગીદાસ હેમખેમ નહિ નીકળવા પામે એવી હાક આખા પ્રાંતમાં વાગી ઉઠી. મુંઝાએલ જોગીદાસ જે દિશામાં જાય છે તે દિશામાં પોતાના કાળદૂત ઉભેલા હોવાના સમાચાર સાંભળી પાછા વળે છે. ક્યાં જવું તે કાંઈ સૂઝતું નથી. અને પાછળ ઠાકોરની સવારીની ડમરીઓ આસમાનને ધૂંધળો બનાવતી આવે છે.

એવી હાલતમાં જોગીદાસ ભંડારીયા ગામને પાદર નીકળ્યા. જોગાનુજોગે પાદરમાં જ એક પુરૂષ ઉભો છે. ઘોડી પાદરમાં ઉતરતાંની વારજ બેય જણાએ અન્યોન્યને ઓળખી લીધા.

“ભીમ પાંચાળીઆ રામ રામ !”

“ઓહોહોહો ! મારો બાપ ! જોગીદાસ ખુમાણ !” એટલું કહી, બે હાથનાં વારણાં લઈને ભીમ પાંચાળીઆ નામના

ચારણે બહારવટીયાને બિરદાવ્યો:

ફુંકે ટોપી ફેરવે, વાદી છાંડે વાદ;
નાવે કંડીએ નાગ ઝાંઝડ જોગીદાસીયો !

[હે જોગીદાસ, વજેસંગ જેવો વાદી મોરલી બજાવીને બીજા ઘણા પણ રાજા રૂપી સર્પોને પોતાના કરંડીયામાં પકડી પાડે છે પરંતુ એક તું ફણીધર જ એની મોરલીના નાદ પર ન મોહાયો. તે તો ફુંફાડા મારીને એ વાદીની ટોપી જ ઉડાડી નાખી.]

“ભીમ પાંચાળીઆ ! આજ એ દુહો ખેાટો પડે તેમ છે. આજ તમારો ઝાંઝડ જોગીદાસીઓ કરંડીઓ પકડાઈ જાય તેમ છે. માટે રામ રામ ! આજ રોકાઈએ એવું રહ્યું નથી.”

દોટ કાઢીને ભીમ પાંચાળીઆએ જોગીદાસની ઘોડીની વાઘ ઝાલી લીધી. અને બેાલ્યો “એમ તે ક્યાં જઈશ બાપ ? તો પછેં ભંડારીયાને પાદર નીકળવું નો'તું. રોટલા ખાધા વિના જઈશ તો તો ચારણને મરવું જ પડશે ?”

“હાં હાં, ભીમ પાંચાળીઆ, મેલી દ્યો, આજ તો ઉલટું રોટલા ખવરાવ્યે મરવું પડશે.”

“પણ શું છે એવડું બધું ?”

“વાંસે ઠાકોર વજેસંગજી છે, ને ચોગરદમ અમારી દૃશ્યું રૂંધાઈ ગઈ છે. હમણાં વેરી ભેટ્યા સમજો.”

“હવે ભેટ્યાં ભેટ્યાં વેરીઓ ! જોગીદાસ શીરામણ કરીને નીકળી ન જાય ત્યાં સુધી ઠાકોર વજેસંગે ભંડારીઆને સીમાડે ઉભા થઈ રહેવું પડે, મારા બાપ ! મુંઝાઓછો શીદ ? ઉતરો ઘોડીએથી. ખાધા વિના હાલવા નહિ દઉં.”

જોગીદાસ અચકાય છે.

“અરે બાપ ! કહું છું કે તારુ રૂંવાડુ ય ખાંડુ ન થાવા દઉં. એલા ઝટ આપણે ખોરડે ખબર દ્યો કે ઉભાં ઉભાં રોટલા શાક તૈયાર થઈ જાય ને ભેંસું દોવાઈ જાય. ત્યાં હું હમણાં મહારાજને સીમાડે રોકીને આવી પોગું છું.” જમવાની વરધી આપીને ચારણ ભંડારીઆને સીમાડે ઠાકોર વજેસંગજીની સામે ચાલ્યા. હાથીની રૂપેરી અંબાડી ઉપર રૂદ્ર સ્વરૂપે બેઠેલ ઠાકોરને છેટેથી વારણાં લઈને બિરદાવ્યા કે

કડકે જમીનું પીઠ, વેમંડ પડ ધડકે વજા !
નાળ્યું છલક નત્રીઠ, ધૂબાકે પેરંભાના ધણી !

[હે વજેસંગજી ! હે પેરંભ બેટના ધણી ! તારે ઘેરે તો એટલી બધી તોપો છલકે છે, કે એના અવાજથી પૃથ્વીની પીઠ કડાકા કરે છે અને વ્યોમનાં (આકાશનાં) પડ ધડકી જાય છે.]

“ખમા ગંગાજળીયા ગોહેલને ! બાપ અટાણે શીદ ભણી ?”

“ભીમ પાંચાળીઆ, જોગીદાસની વાંસે નીકળ્યા છીએ.”

“જોગીદાસ તો મારા ખોળામાં છે બાપા ! તમે શીદ ધોડ કરો છો ?"

“ભીમ પાંચાળીઆ, આજ તો મેં પ્રતિજ્ઞા કરી છે કે કાં હું નહિ, કાં જોગીદાસ નહિ.”

“પણ બાપા ! ત્રણ દિવસનો ભૂખ્યો જોગીદાસ અટાણે એક ટંક મારે આંગણે બટકુ શીરામણી સારૂ ઉતર્યો છે. હું હાથ જોડીને કહેવા આવ્યો છું કે કાં તો તમે ય શીરામણ કરવા હાલો, ને કાં જોગીદાસ શીરાવીને ચડી જાય ત્યાં સુધી થોડીક વાર સીમાડે જ હાથીએથી ઉતરીને જરાક આંટા મારો."

“ભીમ પાંચાળીઆ ! તમે મારા શત્રુને આશરો દીધો ?”

“એમ ગણો તો એમ. પણ ઈ તો ગાએ રતન ગળ્યું કહેવાય ને બાપા ! હું તો ગા'છુ. મારૂં પેટ ચીરવા કાંઈ હિન્દુનો દીકરો હાલશે ? અને આ તો જોગીદાસ જેવો પરોણો પરોણો શું ગોહિલને ઘરેથી ભૂખ્યે પેટે જાય ! ને પછી કયાં પકડાતો નથી ? ભાવેણાના મહારાજને તો હજારૂં હાથ છે, બાપા !” ઠાકોર વિચારમાં પડી ગયા. થોડોક ગુસ્સો ઉતરી ગયો.

“પરોણો ગોહિલને આંગણેથી ભૂખ્યો જાય ?” એટલું જ વેણ એમના અંતરમાં રમી રહ્યું.

“ઉતરો, ઉતરો હેઠા બાપા !” ચારણે ફરીવાર આજીજી કરી.

“ભીમ પાંચાળીયા !” મહારાજનો બોઘો કામદાર સાથે હતો, તેણે તપી જઈને વચન કાઢ્યું, “જો હાથીએ ચડ્યા મહારાજ હેઠા ઉતરે તો તો મહારાજની માએ ધુળ ખાધી કહેવાય, ખબર છે કે ?”

“બેાઘા કામદાર !” કોચવાયેલા ચારણના મ્હોંમાંથી વેણ વછૂટી ગયું, “મહારાજની માએ તો એને દૂધ પીને જણ્યા છે, બાકી તો વાણીઆ બ્રાહ્મણની માને અનાજ વીણતાં વીણતાં ધુળની ઢફલી હાથમાં આવે તો મ્હોંમાં મૂકવાની ટેવ હોય છે ખરી !”

ચારણનું મર્મ-વચન સાંભળીને ઠાકોરનું મ્હોં મલકી ગયું. બોઘા કામદારને તો બીજો શબ્દ ઉચ્ચારવાની હિંમત રહી જ નહિ; અને મહારાજે હસીને કહ્યું કે “ભીમ પાંચાળીયા ! જાઓ, આજ તો તમે તમારો નહિ પણ ભાવનગર રાજનો અતિથિ-ધર્મ પાળ્યો છે. એટલે હું મારી પ્રતિજ્ઞા તોડીને પણ પાછો વળું છું. મારવાની પ્રતિજ્ઞા કરતાં મહેમાનગતિનો ધર્મ ઘણો મોટો છે. જાઓ, હું આજ જોગીદાસને જાવા દઉં છું."

ઠાકોર હાથ વાળીને શિહોરને માર્ગે ચાલી નીકળ્યા.

૧૦

"કાંઈ શિકાર ?”

“શિકાર તો શિકાર ! પણ ભવ બધાનાં દાળદર ભાંગીને ભૂકો કરી નાખે એવો ! આકડે મધ અને માખીયુ વિનાનું."

“કોણ ?”

“ભાવનગરનાં રાણી નાનીબા.”

“ક્યાં ?”

“દડવે જાય છે. એના ભાઈ કેસરીસિંહને ઘેરેઃ ભેળા કુંવ૨ડા છે; ભેળી ઘરેણાંની પેટી છે, અને સાથે અસવાર છે થોડા."

“ચડો ત્યારે. કામ કરશું આપણે ને નામ પાડશું જોગીદાસનું. એની મથરાવટી જ છે મેલી. ભેખડાવી દઈએ.”

  • []આકડીયા ગામનો ઠુંઠો કાઠી રાઘો ચાવડો ચોરીના

ધંધા કરતાં કરતાં આજ છાનીમાની આટલી બાતમી મેળવીને ભાવનગર ઠાકોર વજેસંગજીનાં રાણી નાનીબાનું વેલડું લૂંટવા માટે પોતાના અસવારોને લઈ ટીંબી ગામની સીમમાં દડવાને


  1. *કોઈ કહે છે રાઘો ચાવડો નહિ, પણ સરંભડાનો કાઠી મેરામતોતળો લુંટવા આવેલો.
માર્ગે ઓડા બાંધીને સંતાઈ રહ્યા છે. રણવગડામાં નાચ કરતી

કોઈ અપસરા સરીખું હીંગળોકીયા રંગનું ઓઝણું ચાલ્યું આવે છે. સંધ્યાની રૂંઝયો રડી ગઈ છે. ચારે છેડે સૂરજ આથમવાનું ટાણું થઈ ગયું તે વખતે બરાબર ઓચીંતો છાપો મારીને રાધા ચાવડાના અસવારોએ નાનીબાનાકૈક અસવારોને બરછીથી પરોવી લીધા, કૈક ભાગ્યા, થોડાકને બાંધી લીધા અને રાધડે હાકલ કરી કે “બાઈ, ધરેણાંની પેટી બહાર ફગાવી દેજે.”

થરથર કાંપતે સૂરે નાનીબાએ પૂછ્યું કે “ તમે કોણ છો બાપ ?”

“જોગીદાસ ખુમાણના માણસો.”

“અરરર ! જોગીદાસ ભાઈ અસ્ત્રીયું ને લુંટે ખરા ? જોગીદાસ અખાજ ખાય ? "

“હા હા, ભૂખ્યે પેટે અખાજે ય ભાવે દાગીના લાવો.”

“અખાજ ભાવે ? ભૂખ્યા તોય સાવઝ ! ઈ તરણાં જમે ?”

“કાઢી નાખો, ઝટ ઘરાણાં, વાદ પછી કરજો !”

આટલી વાત થાય છે તેવામાં કોણ જાણે શી દેવગતિ બની કે ચાળીસ ઘોડાંની પડઘીઓ ગાજી અને છેટેથી ત્રાડ સંભળાણી કે “કોણ છે એ ?”

“કોણ જોગીદાસ ખુમાણ ! હાલ્યો આવ. ભારે તાકડો થયો.” રાધે અવાજ પારખ્યો.

“તું કોણ ?”

“હું રાધો ચાવડો.”

“રાધડા ! અટાણે અંધારે શું છે ? કોની હારે વડચડ કરી રહ્યો છે ?”

“આપા જોગીદાસ ખુમાણ ! હાલ્ય હાલ્ય, ઝટ હાલ્ય, આપણો બેયનો ભાગ. પેટી ભરીને ઘરાણાં.”

“પણ કોણ છે ?” “તારા શત્રુ વજેસંગની રાણી નાનીબા. તારે તો વેર વાળવાની ખરી વેળા છે. બેય કુંવરડા પણ હારે છે, કરી નાખ ટુંકુ.”

“રાઘા !” હસતા હસતા જોગીદાસ બોલ્યા, “તું કાઠી ખરો, પણ ચોર-કાઠી ! નીકર તું જોગીદાસને આવી લાલચ આપવા ન આવત. મારે વેર તો વજેસંગ મહારાજની સાથે છે, બોન નાનીબા હારે નહિ. ઈ તે મારી મા બો'ન ગણાય. અને વળી અબળા, અંતરીયાળ ઓધાર વગર ઉભેલી ! એની કાયા માથે કરોડુંનો દાગીનો પણ હિન્દવાને ગા અને મુસલમાનને સુવર બરોબર સમજવો જોવે રાધા ! હવે સમજતો જા !”

“ઠીક તયીં. જોગીદાસ ! તારાં ભાગ્યમાં ભલે ભમરો રહ્યો. તું તારે રસ્તે પડ, અમે એકલા પતાવશું.”

રાધો હજુ યે સમજતો નથી.

“રાધા ! હવે તો તને રસ્તે પાડીને પછેં જ અમથી પડાય. નાનીબાને કાંઈ અંતરીયાળ રઝળવા દેવાય ?”

“એટલે ?”

“એટલે એમ કે જો આ ટાણે જોગીદાસની નજર સામે રાધો નાનીબાના વેલડાને હાથ અડાડે, તો જેઠા વડદરે એક હાથ તો ઠુંઠો કરી દીધો છે ને આજ બીજો હાથ પણ ખેડવી નાખું, એટલે મલક માથે પાપ કરતો તું બંધ પડી જા !”

“એમ છે ? તયીં તો થાજે માટી જોગા !”

“માટી તો કાંઈ થયું થવાય છે બા ? માએ જન્મયા ત્યારથી જેવા હોયીં એવાજ છીએ રાધડા ! બાકી તારે માથે કાળ ભમે છે. માટે ભલે હાલ્યો આવ્ય.”

રાધા અને જેગીદાસે પોતાની ફોજો ભેડવી, ખીસાણ મચી ગયું. પોતાના અસવારોની લોથોના ઢગલા થતા દેખીને રાધો ભાંગી નીકળ્યો. કાંપતે શરીરે નાનીબા રાણી માફામાં બેસી રહ્યાં છે. એને હજુ યે ભરોસો નથી કે બહારવટીયાના પેટમાં કુડ કપટ છે કે નહિ. ઉલમાંથી ચૂલમાં પડવાની એને ફાળ છે.

જોગીદાસે હાકલ કરી “એલા ગાડાખેડુ ! માને પૂછ કે પાછું દડવે જાવું છે કે ભાવનગર ? જ્યાં કહો ત્યાં મેલી જાઉં. માને કહીએ કે હવે કાંઈ જ ફડકો રાખશો નહિ.”

નાનીબાએ બહારવટીયાના મ્હોંમાંથી મોતી પડતાં હોય તેવાં વેણ સાંભળ્યાં. એને પોતાનો નવો અવતાર લાગ્યો. એણે કહેવરાવ્યું કે “જોગીદાસભાઈ ! વીરા ! બો'ન આવડા કરજમાંથી કયે ભવ છૂટશે ? ભાઈ, મને ભાવનગર ભેળી કરી દ્યો. હું આવડો ગણ કેદિ ભૂલીશ ?”

“વેલડાને વીંટી વળો ભાઈ !” જોગીદાસે હુકમ કર્યો. ભાલાળા ઘોડેસવારોની વચ્ચે વીંટળાઈને વેલડું હાલતું થયું. મોખરે જોગીદાસની ઘોડી ચાલી નીકળી. પંથ કપાવા લાગ્યો.

અધરાત ભાંગી અને આભના નાના મોટા તમામ તારલા એની ઠરેલી જ્યોતે ઝબુકી વગડાને ઉજમાળો કરવા મંડી પડ્યા, ત્યારે ભાવનગરનો સીમાડો આવી પહોંચ્યો. ઘોડીને વેલડાની ફડક પાસે લઈ જઈને બહારવટીઆએ રજા લીધી કે “બોન ! મા ! હવે તમારી હદ આવી ગઈ છે હવે તમે ઘરને ઉંબરે ઉતરી ગયા બાપા ! હવે મને રજા છે !”

“જોગીદાસભાઈ !” નાનીબાની છાતી છલકી; “તમે ય મારી ભેળા હાલો હું મહારાજને કહીને તમારૂં બહારવટુ પાર પડાવું, તમારો વાળ વાંકો ન થાય.”

“માડી ! કાંઈ બદલાની લાલચે મેં તમારી વાર નથી કરી. અને તમારી સિફારસે બહારવટું પાર પડે એમાં જોગીદાસની વષેકાઈ શી ? મારો ગરાસ તો હું બેમાંથી એક જ રીતે લઈશ - કાં મહારાજની સાથે સામસામા છાતીના ઝાટકા લઈ દઈને, ને કાં અરસ્પરસ પ્રીતિની બથું ભરીને, આજ તો રામ રામ ! મહારાજને મારા રામ રામ કહેજો.”

એટલું કહીને એણે અંધારે ઘોડી પાછી વાળી. ઘડીભરમાં તો ઘોડાં અલોપ થયાં, અને જોગીદાસભાઈ ! જોગીદાસભાઈ ! એટલા સાદ જ માફાની ફડકમાંથી નીકળીને સીમાડાભરમાં સંભળાતા રહ્યા.

૧૦

ક દિવસે જોગી લપસ્યો હતો:

આજે બહારવટીયો ખરચીખૂટ થઈ ગયો છે. સાથીઓને ખાવા દેવા માટે દાણા પણ નથી. અર્ધો વાલ પણ સોનું મળે તો તે લઈ લેવા માટે એ સનાળીના કાઠી રાઠોડ ધાધલને સાથે લઈને સીમમાં ભટકે છે. એના ત્રાસનો માર્યો કોઈ કણબી સાંતી તો જોડી શકતો નથી. સીમ ઉજ્જડ પડી છે. ઉનાળો ધખે છે, ત્યાં વીજપડી નામના ગામની સીમમાં ચાલતાં ચાલતાં એના ચકોર ભેરૂબંધે નજર નોંધીને જોયું.

“શું જેછ રાઠોડ ધાધલ ? ”

“પણે એક કણબી સાંઠીંઉ સૂડે છે. જોગીદાસ, એને જીવતો જાવા ન દેવાય હો !”

ઘડીક જોગીદાસનું દિલ પાછું હઠ્યું. “રાઠોડ ધાધલ, ઘણીયું હત્યાયું કરી. હવે તો કાયર થઈ ગયો છું. એને ખેડવા દે હવે.”

“અરે પણ એના કાનમાં કાંઈક સોનું હશે. લઈ લઈએ !"

“હા, ઈ ઠીક સંભાર્યું, હાલો.”

બને અસવારો એ મારગેને કાંઠે ઘોડીઓ ચડાવી અને પાધરી ખેતરમાં હાંકી ઘોડીઓ ઢૂકડી આવી ને જેવા એ ખેડુતે આઠ આઠ ડાબલાની પડઘી સાંભળી, તેવો એ કોદાળી ખંભે નાંખીને ભાગ્યો. ભાગતાની વાર તો રાઠોડ ધાધલે બરછી ઉગામી, ઘોડી દોડાવી, પડકારો કર્યો કે “યાં ને યાં ઉભો રહી જાજે જુવાન ! નીકર હમણાં પરોવી લીધો જાણજે !”

ભયભીત કણબીએ પાછું વાળીને જોયું. બરછી ચમકતી દીઠી. બહારવટીયાઓની નિશાનબાજીને એ જાણતો હતો. ભાગે તો જીવનો ઉગારો નથી એમ સમજી થંભી ગયો. હાથમાંથી કોદાળી પડી ગઈ. હાથ જોડ્યા. બૂમ પાડી કે “એ બાપા ! તમારી ગૌ ! મને મારશો મા !”

“એલા કેમ અમારાં ખેતર ખેડછ ? અમારા રોટલા આાંચકીને શું તારો ઠાકોર પોતાની કોઠીયું ભરશે ? બોલ, નીકર વીંધી લઉં છું.” જેગીદાસે ધમકી દીધી.

“ભૂલ થઈ બાપા ! અટાણ લગી મને કોઈએ કનડ્યો નો'તો તે ભૂલ થઈ. હવે મને મેલી દ્યો. ફરી વાર બાપાનું બારવટુ પાર પડ્યા મોર્ય હું આ દૃશ્યમાં ડગલું જ નહિ દઉં.”

“ખા ઠાકરના સમ !"

“ઠાકરના સમ !”

“ઠીક, અને આ કાનનાં કોકરવાં ને ફુલીયાં ક્યાંથી પેર્યા છે ? અમે રોટલા વિના રઝળીએ ને તમે સંધા અમારી જમીનું ના કસ કાઢીને સોને મઢ્યા ફરશો ? કાઢી દે સટ. અમારે બે ત્રણ દિ'ની રાબ થાશે. કાઢ્ય.”

“કાઢય સટ, નીકર હમણાં આ કાકી છૂટી જાણજે.” એવો રાઠોડ ધાધલનો અવાજ આવ્યો. કણબી જુવાન એ અવાજ દેનારની સામે જુવે તો રાઠોડ ધાધલના હાથની આંગળીઓ પર ચકર ચકર ફરતી બરછી ભાળી. ફડકીને બીજી બાજુ જુવે તો જોગીદાસને ડોળા તાણતો ઉભેલ દીઠો. જાણે કાળનાં બે જડબાં ફાટેલાં હતાં, વચ્ચોવચ્ચ પોતે ઉભો હતો. જરાયે આનાકાની કરે તો જીવ નીકળી જવાની વાર નહોતી. “ઓ બાપા !” આડા હાથ દઈને એ બેાલ્યો; “મને મારશો મા ! હું કાઢી દઉં છું ”

અઢાર વર્ષનો દૂધમલીયો કણબી : મહેનતુ, ભોળુડો અને ભગવાનથી ડરીને ચાલનારો ખેડુત : જેના અરીસા જેવા પારદર્શક મોઢા ઉપર ચોક્ખું લાલ ચણોંઠી જેવું લોહી ઉછાળા મારી રહ્યું છે : જેને અર્ધે માથે કપાળ ઝગારા મારે છે : એવા આભકપાળો જુવાન : કડીયા ને ચારણીની કોરી નકોર જોડી : કડીયાને છાતીએ કરચલીયાળી ઝાલર અને કસોનાં ઝુમખાં : પકતી ચોરણીની નાડીએ એક દોથો પચરંગી ઉનનાં ઝુમખાં ઝુલે છે : પગમાં નવી મોજડીઓ પહેરી છે : માથાની લાંબી ચોટલીમાંથી બે ઘાટી લટો બેય ખંભા ઉપર ઢળી છે : એવો, કાળી ભમ્મર ને સાફ બે આંખોવાળો રૂપાળો કણબી જુવાન “એ બાપા, મારશો મા !” કહીને પોતાના કાનમાં પહેરેલ પીળા હળદર જેવા રંગના સાચા સેાળવલા સોનાની ચાર ચીજો કાઢવા લાગ્યો : ફકત ચાર જ ચીજો : બે કોકરવાં ને બે ફુલીયાં : કાઢતો જાય છે, રાઠોડ ધાધલની બરછી માથા ઉપર તોળાઈ રહી હોવાથી હાંફળો થાતો જાય છે. કોકરવાં ઝટ ઝટ નીકળી શકતાં નથી. કાઢી કાઢીને એ જોગીદાસે પાથરેલી પછેડીની ખેાઈમાં નાખતો જાય છે. બહારવટીયા કોઈ આવી જવાની બ્હીકમાં “ કાઢ્ય ઝટ !” એવો ડારો દે છે, જવાબમાં “મારશો મા બાપા ! કાઢું છું !” કહી કણબી કોકરવાં કાઢે છે. એમ છેલ્લું કોકરવું નીકળી રહેવા આવ્યું છે, છૂટા પડવાની હવે વાર નથી.

તે વખતે, “મારશો મા ! એને મારશો મા ! એ બાપા મારશો મા ! ” એવી આઘેરી રાડ સંભળાણી. બહારવટીયાના કાન ચમક્યા. આંખો એ અવાજની દિશામાં મંડાણી. જોયું તો એક ભતવારી ચાલી આવે છે. વાજોવાજ દોડતી આવે છે. માથા પર કાંસાની તાંસળી, રોટલાની પોટકી ને છાશની નાની દોણી માંડી છે. તાંસળી ને દોણી ચમકતાં આવે છે. પાસે આવી. પંદર વર્ષની જુવાનડી પૂરેપૂરી વરતાણી. માથે ભાતીગળ ચુંદડી : ભરતમાં ઢંકાઈ ગયેલ કાપડાનાં અને પેરણાનાં આભલાં ઝગમગીને જાણે પ્રકાશની જાળી પાથરે છે : ડોકમાં દાણીયું ને ઝરમર : હાથમાં ચાર ચાર તસુની હેમની ચીપો મઢેલ બલોયાં, ગુજરી ને ઠૈયા : પગમાં કડલાં ને કાંબી : આંગળીએ અણવટ ને વીંછીઆ : કપાળે દામણી : આંખડીમાં કાજળ : સેંથે હીંગળો પૂરેલો : એવી ફુલગુલાબી મ્હોંવાળી, ચાર ભેંસોની છાશ ફેરવનારા ધીંગા હાથવાળી, રૂપાળી કણબણ આવી. આવનારીના હૈયામાં શ્વાસ માતો નથી.

“એ બાપુ ! મારશો મા ! એને મારશો મા !”

“કોણ છે ઈ ? ” બહારવટીઆએ હાકલ દીધી.

“બાપા ! આ મારો વર થાય છે. હજી હમણાં જ હું આણું વળીને આવું છું. એને મારશો મા ! અમારી જોડલી ખંડશો મા ! કહો તો આ મારો એકોએક દાગીનો ઉતારી દઉં.”

“કાઢ્ય, સટ કાઢ્ય ! ” કહીને જોગીદાસ બાઈ તરફ ફર્યો. એની સામે ખેાઈ ધરી. બહારવટીયો પોતાનું બિરદ ચૂકી ગયો. સ્ત્રીને શરીરેથી કાંઈ ન ઉતરાવાય એ વાતનું ઓસાણ આ સુંડલો એક દાગીના દેખીને જોગીદાસને ન રહ્યું. એનું દિલ ચળી ગયું. એને ભાન જ ન રહ્યું કે પોતાને જોગી થઈને રહેવું છે.

કણબણ પોતાની કાયાને અડવી કરવા લાગી. ટપોટપ ટપોટપ દાગીના જોગીદાસની ખોઈમાં પડવા લાગ્યા. ને છતાં ય રાઠોડ ધાધલની ચકર ચકર ફરતી બરછી જુવાનની છાતી સામી તોળાઈ રહી છે. જુવાનની આંખો ઘડીક રાઠોડ ધાધલ તરફ, ઘડીક જોગીદાસ તરફ, ને ઘડીક પોતાની સ્ત્રી તરફ ડોળા ફેરવતી જાય છે. ને ઘરાણું કાઢતી કાઢતી કણબણ ફોસલાવી રહી છે કે “બાપુ, એને હવે મારશે મા હો ! હું તમને આ તમામ દાગીના ઉતારી દઈશ. અને બાપુ ! તમારે વધુ જોતા હશે તે ઘેરે જઈને મારા પટારામાંથી કાઢી લાવીશ. મારા પીયરમાં બહુ સારૂં છે ને, તે મને ઘણો ય મેાટો કરીયાવર કર્યો છે, અને ઈ બધાને મારે શું કરવું છે બાપુ ! મારા...

એટલું વેણ અધુરૂં રહ્યું, અને રાઠોડ ધાધલના હાથમાંથી બરછી છૂટી. કેમ કરતાં છૂટી ? રાઠોડ ધાધલને પોતાને પણ એ વાતની સરત ન રહી. બરછી છૂટી. જુવાનની પહોળી, લોહીછલકતી છાતીમાં પડી, આરપાર નીકળી. જુવાન ધરતી પર પટકાઈ ગયો. બેય બાજુએ લોહીની ધારો મંડાણી. તરફડ ! તરફડ ! કણબી તરફડવા લાગ્યો.

“અરરર !” જોગીદાસના મ્હોંમાંથી અરેરાટી નીકળી ગઈ. એની ખોઈ હાથમાંથી વછૂટી પડી. જમીન પર દાગીનાનો ઢગલો થયો.

ફાટી આંખે બેય જણા જોઈ રહ્યા.

કણબણની બે કાળી કાળી આંખો તાકી રહી. જાણે હમણાં ડોળા નીકળી પડશે ! એનું આખું અંગ કાંપી ઉઠ્યું. મરતો જુવાન એની સામે મીટ માંડી રહ્યો છે.

બાઈએ ધણીની કોદાળી ઉપાડી. ધડુસ ધડુસ પોતાના માથા પર ઝીંકવા માંડ્યું. માથામાંથી લોહીના રેગાડા છૂટ્યા. મોવાળાની લટો ભીંજાણી. મોઢું રંગાઈ ગયું.

“કેર કર્યો ! કાળો ગજબ કર્યો ! રાઠોડ ! કમતીયા ! કાળમુખા ! કેર કર્યો ! ” જોગીદાસ પોકારી ઉઠ્યો.

“કેર કર્યો ! અરરર !” રાઠોડ ધાધલના મ્હોંમાંથી પડઘો નીકળ્યો.

“રાઠોડ ! તારૂ આવું જ મોત થાજો ! તુંને ટીપુ પાણી ન મળજો !” જોગીદાસે શાપ ઉચ્ચાર્યો. ને આંહી ધડુસકારા વધ્યા. ન જેઈ શકાય તેવો દેખાવ થઈ રહ્યો. બન્ને બહારવટીયા ભાગી છૂટ્યા. નોખા ૫ડીને નાસી ગયા. ઉભા ન રહેવાયું.

રાઠોડ ધાધલનું ભારી બુરૂં મોત થયું. અને જોગીદાસના વંશનું આજે સત્યાનાશ નીકળી ગયું છે.

૧૧

શિહો૨ને પાદર ગરીબશા પીરની જગ્યા પાસે પકતી ચોરણી, કણબી જેવું કેડીયું, ને માથે બોથાલું બાંધીને એક આદમી ઉભો છે. ફક્ત ભેટની પછેડી સિવાય બીજી બધી વાતે કણબી જેવો દેખાવ છે. સાંજ નમવા લાગી હતી. જાણે આ આદમી જલ્દી પોતાને ગામ જવા માટે કોઈ ગાડું ગડેરૂં નીકળવાની વાટ જોતો કેડાને કાંઠે ઉભો હોય તેવું લાગે છે.

બરાબર અંધારાં ઉતરવાં શરૂ થયાં ત્યાં એક બોકાનીદાર પડછંદ અસવાર ઢાલ તલવાર ને ભાલા થકી શોભતો નીકળ્યો. જેના નામની માનતાઓ ચાલતી ને બીજી બાજુ જેની પાછળ ફોજો ફરતી એ બહારવટીયો જોગીદાસ જ આજ એકલ ઘોડે દિવસ આથમ્યે નીકળેલો. એકલા આંટા દેવાની એને આદત હતી.

કેડાને કાંઠે ઉજળાં લુગડાં ને પછેડીને ભેટ બાંધેલ આદમીને ઉભેલો ભાળી બહારવટીઆએ ઘોડી થોભાવી. એની બોકાનીમાંથી ઘેરો અવાજ નીકળ્યો કે

“કેવો છો એલા ?”

“ક...કણબી છું બાપુ !” આદમીએ થોથરાતી જીભે ઉત્તર દીધો.

“કણબી કે ! ઠીક ત્યારે; ડગલું ય દેશ મા ! નીકર બરછીએ વીંધીશ.”

એટલું બોલીને જોગીદાસે ઘોડીને એ આદમીની થડોથડ લીધી.

“છાનોમાનો આવી જા મારી ઘોડી માથે, બેસી જા બેલાડ્યે. નીકર જીવતો નહિ મેલું.”

એટલું કહીને બહારવટીઆએ પોતાનો પહોળો પંજો લબાવ્યો. એ આદમીનું બાવડું ઝાલ્યું. એને ઉંચે ઉપાડી લઈ પોતાની પાછળ ઘોડી પર બેસારી અંધારે અલોપ થયો.

માર્ગે જેગીદાસના મનમાં મનોરથ રમે છે કે આ આદમી શિહોરના કોઈ માલદાર મુખી પટેલીયાનો દીકરો દેખાય છે. એને બાન પકડીને આપણી સંગાથે રાખશું અને એના બદલામાં પટેલ આફરડો રૂપિયાની ફાંટ ભરીને આપણને ડુંગરમાં દેવા આવશે !

બાન પકડેલ આદમી પણ જરાયે આકળો બેબાકળો થતો નથી. એને કશો ભય નથી. એના દિલમાં યે આજ જોગીદાસની અજોડ ઘોડી ઉપર અસવારી કર્યાનો આનંદ છે.

શિહોરથી ઠેઠ માંડવા ગામ સુધીની મઝલ થઈ. માંડવા ગામનું પાદર આવ્યું, આવતાંની વાર જ એ પાછળ બેઠેલ આદમી

બુલંદ અવાજે લલકારી ઉઠ્યો કે

ઠણકો નાર થીયે, (તારૂં) ચિત ખૂમા ! ચળીયું નહિ;
ભાખર ભીલડીયે, (ઓલ્યો) જડધર મેાહ્યો જોગડા !

[હે જોગી જેવા જોગા ખુમાણ ! જટાધારી શંકર સરીખા તો પામર ભીલડીને માથે મોહી પડ્યા; પરંતુ તારૂં ચિત્ત તો કોઈ નારીના પગના ઠણકારથી કદાપિ નથી ચળતું.]

દુહાનો અવાજ પારખતાં જ જોગીદાસે ઘોડી થોભાવી. પાછળ નજર કરી. તારોડીયાને અજવાળે પોતે બાન પકડેલ આદમીનું મોઢું જોયું. એ મ્હેાં મલકી રહ્યું છે અને બન્ને હાથ લંબાવીને એ આદમી બહારવટીયાને ઓવારણાં લઈ રહ્યો છે; બોલી રહ્યો છે કે

“ખમા મોળા જોગીને ! આઈ તોળાં ઝાઝાં રખવાળાં કરે, મોળા તપસી !”

“કોણ છો એલા ?”

“ચારણ સાં, મોળા બાપ ! તોળો ભાણેજ સાં !”

“નામ ?”

“નામ લખુભાઈ ! આશેં માંડવાનો રેવાશી સાં !”

“ત્યારે પહેલેથી સાચું કેમ ન કહ્યું ?”

“મોળા બાપ ! આજ શિહોરથી માંડવે પગપાળા તો પૂગાય ઈમું નૂતું, અને કણબી થયા વન્યા તોળી ઘોડીને માથે તું બેસાર એમ નૂતો. અટલેં ખોટું ભણવું પીયું બાપ !”

“અરે પણ અભાગીયા ! એટલા સાટુ તેં મારી ઘોડીને મારી નાખી !”

એટલું બોલીને ગંભીર મુખમુદ્રા વાળા બહારવટીયો હસી પડ્યો. હાથ ઝાલીને લખુભાઈ ચારણને હેઠો ઉતાર્યો. ચારણ નીચે ઉભા ઉભા ખમકારા દેવા લાગ્યો ને બહારવટીયાની ઘોડી

અંધારે ગાજતી ચાલી ગઈ.
૧ર

ગામનું નામ ?” બરછીની ચકચકતી અણી નોંધીને સામેનું ગામડું બતાવતા બહારવટીઆએ પોતાના સાથીઓને ચાલતે ઘોડે પ્રશ્ન પૂછ્યો.

“ઈ ગામ બેડકી, આપા ! અને બેડકી એટલે તો બેય વાતે ઘી કેળાં ! સમજ્યા કે ?”

“ઘી કેળાં વળી કેમ ?” બહારવટીયાએ એ ગામનાં ઘટાદાર આંબા, લીંબડા અને લીલુડી વાડીઓ ઉપર બરાબર વૈશાખના તાપમાં પોતાની નજરને ચરતી મેલી દઈને લોભાતે દિલે પૂછ્યું.

“આપા જોગીદાસ ! એક તો આવું હાંડા જેવું રધિભર્યું ગામ : એને તેમાંય વળી આપણા દુશ્મનના કટંબનું ગામ.”

“કોનું ?”

"મહારાજ વજેસંગની દીકરીનું. આંહીના ગઢમાં કાંઈ ભાવનગરના સોના રૂપાનો પાર નહિ હોય. મહારાજ પણ જાણશે કે દાયજો ભલો દીધો'તો !”

“બોલો મા આપા ! ઈ વાત ન બને !” બહારવટીયાએ ગામ અને સીમ ઉપરથી પોતાની નજર સંકેલીને બરછી પાછી પગ ઉપર ઠેરવી લીધી. મ્હેાંમાંથી “રામ” શબ્દ પડતો સંભળાયો.

“કાં જોગીદાસ ખુમાણ ! ઘડીકમાં વળી શું સાંભર્યું ! આમાં કયું નીમ આડે આવ્યું ?"

“કાંઈ નહિ; વજેસંગજીની કુંવરીનાં પેાટલાં હું જોગીદાસ કેમ કરીને ચુંથી શકું ? મારે વેર તો છે વજેસંગની સાથે, દીકરી સાથે નહિ. ઈ તો મારી યે દીકરી કહેવાય.”

“અરે જોગીદાસ, પણ પૂરી વાત તો સાંભળો !”

"શું છે?"

“આ વજેસંગની રાણીનાં કુંવરી નથી, પણ આ તો એની એક રખાતની દીકરી: કોઈ રાખતું નહોતું, તે મહારાજે ધ્રાંગધ્રાના એક ભૂખલ્યા ભાયાતને આંહી તેડાવી, પરણાવી, આ ગામ દઈને આંહીજ રાખેલ છે."

“તો ય ઈ તો મહારાજની જ દીકરી ઠરી. પેટ ભલે રખાતનું રહ્યું, પણ લોહી મહારાજનું. હવે મને વધુ પાપમાં નાખો મા ભાઈ ! અને બોડકીને ભાંગવાની વાત મેલી દ્યો.”

એટલું બોલીને એ લોભામણા રૂપાળા ગામની સીમને જલદી વટાવી જવા માટે જોગીદાસે ઘેાડીને વેગ વધાર્યો. પણ ઓચીંતું જાણે કાંઈક યાદ આવ્યું હોય તેમ એણે પોતાની બંકી ગરદન ફેરવી, પાછળના અસવારોને પ્રશ્ન કર્યો.

“ભાઈ ! કોઈના ખડીયામાં કાંઈ સોનું રૂપું - થોડું ઘણું યે નીકળે એમ છે ?”

“કેમ આપા ! અતરિયાળ કેમ જરૂર પડી ?”

“મહારાજનાં કુંવરીને કાંઈક કાપડું દઈ મેલીએ. દીકરી જો જાણશે કે જોગીદાસ કાકો પાદર થઈને પરબારા ગયા તો બહુ ધોખો કરશે !”

લોકવાયકા બેાલે છે કે બહારવટીયાએ સીમના કોઈ ખેડુતની સાથે મહારાજ વજેસંગની રખાતની પુત્રી માટે કાપડાનું થોડું સોનું મોકલ્યું હતું.

૧૩

સંધ્યાની રૂંઝ્યો રડી ગઈ છે. માણસ હાથતાળી દઈને જાય, એવી ગટાટોપ ઝાડી વચ્ચે ગિરની રાવલ નામની ઉંડી નદીનાં આછાં છીછરાં પાણી ચુપચાપ ચાલ્યાં જાય છે. નદીની બન્ને બાજુ ઝાડી, અને ઝાડીની ઉપર આભે ટેકો દેતી હોય તેવી ઉંચી ભેખડો : એ ભેખડો ઉપર પણ કોઈ કોઈ ઠેકાણે ડુંગરા ઉભા થયેલા : નદીના વેકરામાં સાવઝ દીપડાનાં પગલાં પડેલાં : બેય બાજુની બોડ્યોમાંથી નીકળીને 'જનાવર' જાણે હમણાં જ તાજાં પાણી પીને ચારો કરવા ચાલી નીકળ્યાં હોવાં જોઈએ, એવું દેખાતું હતું.

રાવલ નદીને એવે ભયંકર સ્થાને રોળ્ય કોળ્ય દિવસ રહ્યાને ટાણે જોગીદાસ પોતાના ચાલીસ ઘોડેસવારો સાથે તુલસીશ્યામ જાતાં જાતાં રસ્તે ઘડી બેઘડી વિસામો લેવા ઉતરેલ છે. ચાલીસે ઘોડીઓ રાવલ નદીનાં લીલુડા મીઠાં ઘાસ મોકળી ઉભીને ચરે છે, અસવારોમાંથી કોઈ ચકમક જેગવી ચલમો પીવે છે ને કોઈ વળી કરગઠીયાં વીણીને હોકો ભરવા માટે દેવતા પાડે છે. જોગીદાસ પોતે તો પોતાની ભુજા ઉપર ચડાવેલો બેરખો ઉતારીને સૂરજના જાપ કરી રહ્યો છે. સૂરજનાં અજવાળાં સંકેલાય છે, તેમ આંહી બહારવટીયાની આંખો પણ ઈશ્વરભકિતમાં બીડાય છે.

“જોગીદાસ ખુમાણ ! એક ચણેાંઠી ભાર અફીણ હશે તમારા ખડીયામાં ?” એક કાઠીએ આવીને પ્રશ્ન કર્યો.

“ના બાપ ! મારા ખડીયામાં તો તલ જેટલુંયે નથી રહ્યું.”

“કાંઈ ડાબલીમાં વળગ્યું હશે ?”

“હજી કાલ્યજ ડાબલી લૂઈ લીધી'તી ને ! કાં ? એવડી બધી શી જરૂર પડી છે ?”

“ભાઈ ભાણ ખુમાણની આંખ્યું ઉઠી છે. માંહીથી ડોળા જાણે નીકળી પડે છે. તે પોપચાં માથે ચોપડવું'તું. અફીણ ચોપડત તો આંખનું લોહી તોડી નાંખત, ને વ્યાધિ કંઈક ઓછી થાત.”

"બીજા કોઈની પાસે નથી ?"

“બાપ ! તારા ખડીયામાં ન હોય તો પછી બીજાના ખડીયામાં તે ક્યાંથી હોય ?”

“આંખે ચોપડવા જેટલું યે નહિ ?”

“ક્યાંથી હોય ? એક કોરી પણ કોઇની પાસે ન મળે. શેનું લેવું?” “ઠીક જીતવા ! જેવી સુરજની મરજી !”

ચાળીસ ખડીયામાંથી – ચોરાશી પાદરના માલીકોના ચાળીસ ખડીયામાંથી દુ:ખતી આંખ ઉપર ચોપડવા જેટલું ય અફીણ ન નીકળ્યું, એવી તાણ્યનું ટાણું ભાળીને જોગીદાસનો જીવ ઉદાસ થઈ ગયો, પણ તરત જ એને અંતરમાં ભેાંઠામણ ઉપડ્યું. જાણે વિપત્તિ સામે પડકાર દેતો હોય એમ એણે છાતી ગજાવીને ખોંખારો ખાધો. ફરી વાર બધું વિસરી જઈને આથમતા સૂરજ સામે બેરખાના પારા ફેરવવા લાગ્યો.

માળા પૂરી થઈ. એ વખતે એક કાઠી ખેાઈમાં કાંઈક ભરીને જોગીદાસની પાસે આવ્યો. મૂઠી ભરીને એણે કહ્યું, “આલ્યો આપા !”

“શું છે ભાઈ ?”

“આ બે મુઠી ટેઠવા ખાવ : એટલે કોઠામાં બે ચાર ખોબા પાણીનો સમાવો થાય.”

“ટેઠવા વળી શેના બાફ્યા ?”

“બાજરાના.”

“બાજરાના ! બાજરો ક્યાંથી ?”

“ઈ યે વળી સાંભળવું છે આપા ? સુગાશો નહિ ને ?”

“ના રે ભાઈ ! સુગાવા જેવી શાહુકારી બારવટીયાને વળી કેવી ! કહો જોઈએ ?”

“આપા ! આ ચાલીસે ઘોડીને કોક દિ' જોગાણ ચડાવ્યું હશે તેનો ચાટેલ બાજરો ચપટી ચપટી ચાળીસે પાવરામાં ચોંટી રહ્યો હશે, એમ એાસાણ આવ્યાથી ચાળીસે પાવરા ખંખેરીને ઈ બાજરાની ધૂધરી બાફી નાખી છે !”

“અરર ! ઘોડીયુંનો એ બાજરો !”

“એમાં શું આપા ! પાણીમાં ધોઈને ઓર્યોતો. બાકી તો શું થાય ? આજ આઠ આઠ જમણથી કડાકા થાય છે. અને સૈાને ચપટી ચપટી ખાધે થોડોક ટકાવ થઈ જાશે ત્યાં તો આપણે તળશીશ્યામ ભેળા થઈ જાશું, આપા ! ખાઈ લ્યો. કાંઈ ફકર નહિ.”

“સૌને વેંચ્યો કે ?”

“હા, સૌને. તમ તમારે ખાવ.”

ભૂખમરો ભોગવતા ચાલીસ જણાએ એ બાજરાની મૂડી મૂઠી ધરી ખાઈ, બાકીનો ખાડો રાવલનાં પાણીથી પૂર્યો. અને અંધારૂં થયે આખી ટોળી રાવલની ભેખડો ઓળંગી ભયંકર ડુંગરાઓમાંથી કેડીઓ ગોતી ગોતી તુલશીશ્યામને માર્ગે પડી.

૧૪

ઘાડો !”

બરાબર અધરાતે, ઉંચા ઉંચા ડુંગરાની ચોપાટ વચ્ચે ઉભેલા એ ઘોર વનરાઈ-વીંટયા તુલસીશ્યામ નામના જાત્રાધામના તોતીંગ કમાડ પર ભાલાંની બૂડી ભટકાવીને બહારવટીયાઓએ સાદ કર્યો કે “ઉઘાડો !" "કોણ છે અટાણે ?” અંદરથી દરવાન કાગાનીંદરમાં બોલ્યો.

“મેમાન છીએ, મેમાન ! ઉધાડ ઝટ ! વધુ વાત સવારે પૂછજે.”

તોછડો જવાબ મળવાથી દરવાન વ્હેમાયો, કમાડની તરડ પર કાન માંડ્યા તો ચાલીસ ઘોડાંઓની ધકમક સાંભળી. દરવાન થરથર્યો.

“ઉઘાડ ઝટ ! ઉધાડ ભાઈ ! બરછી જેવી ટાઢ અમારાં કાળજાં વીંધી રહી છે ! ઉઘાડ."

“અટાણે કમાડ નહિ ઉઘડે."

“કાં ? શું છે તે નહિ ઉઘડે ?”

“નહિ ઉઘડે. તમે બારવટીયા લાગો છો.”

“અરે બાપ ! બારવટીયા તો ખરા, પણ કાંઈ શામજી મહારાજના બારવટીયા નથી. એનાં તો છોરૂડાં છીએ. ઉઘાડ ઝટ.”

“નહિં ઉઘડે, બહાર સુઈ રો'."

“એ-મ ?” જોગીદાસે મોખરે આવીને ત્રાડ દીધી; “નથી ઉઘાડતો ? કહીએ છીએ કે અમે શામજીના બારવટીયા નથી. પણ જો હવે નહિ ઉઘાડ ને, તો હમણાં કમાડ ખેડવીને માલીપા આવશું, અને શામજીની મૂર્તિને માથે એક વાલની વાળી યે નહિ રે'વા દઇએ. અબધડી લુંટીને હાલી નીકળશું તો તારૂં મોઢું ખોઈ જેવું થઈ રહેશે. ઉધાડ ગેલા ! શામજીના આશરા તો ચોર શાહુકાર સહુને માટે સરખા કે'વાય.”

એ ન ભૂલાય તેવો નાદ સાંભળતાં જ દરવાનનો હાથ આપોઆપ અંધારામાં કમાડની સાંકળ ઉપર પડ્યો. અને 'કી ચૂ...ડ' અવાજે બેય કમાડ ઉઘાડાં ફટાક મેલાયાં. ચાલીસે ઘોડીઓ અંદર દાખલ થઈ ગઈ.

x x x

“શામજી દાદા !” પ્રભાતે જોગીદાસ પાઘડી ઉતારીને ઝુલતે ચોટલે પ્રભુની શ્યામ પ્રતિમા સામે ઠપકા સંભળાવી રહ્યો છે; “શામજી દાદા ! મારો ગરાસ લુંટાય ને મારાં બાયડી છોકરાં શત્રુને ઉંબરે બેસીને બટકું રોટલો ખાય ઈ તો ઠીક; ભુજામાં બળ હશે તો મારી ઝૂડીને ગરાસ પાછો મેળવશું; પણ દાદા ! તારા કોઠારમાં યે શું કણ ખૂટી ગયું કે મારા ચાળીસ અસવારોને આઠ દિ'ની લાંઘણોનું પારણું ઘોડીયુંના એઠા બાજરાના ટેઠવા ખાઈને કરવું પડે ! આવડો બધો અન્નનો દુકાળ તારા દેશમાં ! એવો તારો શીયો અપરાધ થઈ ગયો દાદા ! હું શું પાપી માયલો યે પાપીયો લેખાણો ?”

જોરાવર છાતીના બહારવટીયાને પણ તે વખતે નેત્રોમાં જળજળીયાં આવી ગયાં. પણ એકજ ઘડીમાં એ ચમકી ઉઠ્યો. એના કાનમાં જાણે કોઈ પડઘા બોલ્યા કે “ધડુસ ! ધડુસ ! ધડુસ !”

“સાચું ! સાચું ! દાદા, સાચું ! મારૂં પાપ મને સાંભરી ગયું. હવે તારો વાંક નહિ કાઢું.”

તાળી પાણીના દેવતાઈ કુંડમાં જઈ જોગીદાસે સ્નાન કર્યું . માથાનો લાંબો ચોટલો કોઈની નજરે ન પડી જાય તે માટે અંધારામાં સહુથી પહેલો પોતે નાહી આવ્યો. અને ડુંગરાના હૈયામાં 'જય શ્યામ ! જય શ્યામ ! જય શ્યામ !' એવી ધૂનના પડછંદા ગુંજવા લાગ્યા.

જગ્યાના મહંતે રસોઈની તૈયારી તો ઝડપથી માંડી દીધી હતી. પણ ચાલીસે કાઠીઓ ભૂખ્યા ડાંસ જેવા બનીને ધીરજ હારી બેઠા હતા. પેટમાં આગ થઈ હતી. રોટલા થાય છે થાયછે ત્યાં તો વારે વારે દોડી દોડી “ભણેં જોગીદાસ ખુમાણ ! ઝટ હાલો ! ઝટ હાલો !” એવી ઉતાવળ કરાવતા હતા. ઉપવાસી જોગીદાસ પણ કાંઈ જેવો તેવો ભૂખ્યો નહોતો. પરંતુ અન્નમાં ચિત્ત ન જાય અને કાઠીઓ તોફાન મચાવી ન મૂકે તે કારણથી પોતે માળા ફેરવવા બેસી ગયો. કાઠીઓ બોલવવા આવે તો શાંતિથી એમજ જવાબ આપતો ગયો કે “હજી બે માળા બાકી છે ભા! હજી એક જા૫ અધૂરો છે ! હમણે પૂરો કરી લઉ છું !”

૧૫

ભાવેણાનો નાથ કાયર થઈ ગયો છે. વજેસંગજીનાં કળ ને બળ બેય હારી ગયાં છે. મોટી વિમાસણ થઈ પડી છે.

“કોઈ જો જોગીદાસને પકડી મને સોંપે તો મારા ભાવનગર રાજમાંથી એક ચોવીસીનું મ્હોંમાગ્યું ચોસલ્યું કાઢી આપું.”

“છે કોઈ મરદ મૂછાળો !” એવી હાકલ કરીને બીડદાર કચારીમાં બીડું ફેરવવા માંડ્યો.

જસદણ દરબાર શેલા ખાચર ભાવનગરને ઘેર પરોણા છે, એનો હાથ મૂછોના કાતરા ઉપર ગયો. ચોવીસીનું ચોસલ્યું આપવાની વાત સાંભળીને એની દાઢ ગળકી. થાળીમાંથી બીડું ઉપાડીને એણે મોઢામાં મૂક્યું.

“તમે પોતેજ, આપા શેલા ?” વજેસંગજીએ પૂછ્યું.

“હા ઠાકોર ! છ મહિને ગળામાં ગાળા નાખીને બહારવટીયો હાજર કરૂં.”

“અરે રંગ શેલા ખાચર !”

એવા રંગ લઈને શેલો ખાચર જસદણ સીધાવ્યો. થોડા દિવસ થયા ત્યાં તો એના કાઠીઓ અધીરા થઈ ગયા. ચોવીસીના ચોસલ્યામાંથી પોતપોતાને બટકું બટકુ મળવાની લાલચે જોગીદાસને ઝાલી લાવવા ઉતાવળા થઈ ગયા. અને શેલા ખાચરને જઈ કહેવા લાગ્યા કે

“ભણેં આપા શેલા ! હવે તો બાંધી બાંધી ઘોડીયું પાછલા પગની પાટું મારી મારીને ઘોડહારનાં પાછલાં પડાળ તોડી નાખે છે. માટે હવે ઝટ કરો !” “હા બા, હવે ચડીએં.”

તે અરસામાં જ એક માણસ જસદણની ડેલીએ આવ્યો. આવીને કહ્યું કે “દરબાર ! તમારા ચોર દેખાડું.”

“તું કાણુ છો?"

“હું જોગીદાસનો જોશ જોવાવાળો.”

“આંહી ક્યાંથી ?”

“તકરાર થઈ, મને કાઢી મેલ્યો. હાલો દેખાડું.”

“ક્યાં પડ્યા છે ?"

“નાંદીવેલે : ભાણગાળામાં”

“કેટલા જણ છે ?"

“દસ જ જણા.”

“વાહ વા ! કાઠીયું ! ઝટ ઘોડાં પલાણો. અને ગાંગા બારોટ, તમારે પણ અમારી હારે આવવાનું છે.”

“બાપુ ! મને તેડી જવો રહેવા દ્યો." ગાંગો રાવળ હાથ જોડીને બોલ્યો.

“ના, તમારે તે આવવું જ પડશે. અને જેવું જુવો એવું અમારૂં પરાક્રમ ગાવું પડશે.”

એક સો ને વીસ અસવારે શેલો ખાચર ચડ્યા. લીલા પીળા નેજા ફટકતા આવે છે. આભ ધુંધળો થાય છે. જોગીદાસને દસ માણસે ઝાલી લેવો એ આપા શેલાને મન આજ રમત વાત છે. સાથે પોતાના આશ્રિત ગાંગા રાવળને લીધો છે. પોતાના જશ ગવરાવવાનો એને કોડ છે.

ભાણ ગાળાની ભેખો ઉપર એક સો વીસ માણસોની ધકમક ભાળતાં જ જોગીદાસ ઘોડે પલાણી દસે માણસો સાથે ચડી નીકળ્યો. નાનેરા ભાઈ ભાણે હાકલ કરી કે “આપા ! આમ ભુંડાઈએ ભાગશું ? મલકમાં ભારે થઈને હવે હળવા થવું છે ?”

“બાપ ભાણ ! બારવટીયા તો બચાય ત્યાં સુધી બચે બારવટામાં ભાગ્યાની ખોટ્ય નહિ.”

“પણ આપા ! આમ તો જુઓ આ શેલો : કાગડો કાગડાની માટી ખાવા આવ્યો છે. અને એની મોઢા આગળ ભાણ જોગીદાસ ભાગશે ? એથી તો કટકા થઈ જવું ભલું. આપા ! * []દેવળવાળાનું દેવસું ! પાછા ફરે."

દસ અસવારે જોગીદાસ પાછો ફર્યો, ક્યારે ફર્યો, એ ખબર ન પડી. ઓચીંતો પવન જેમ દિશા પલટાવે એમ બહારવટીએ વાટ પલટાવી. સૂસવાટા મારતો જાણે વંટોળ આવ્યો. એને આવતો ભાળતાં જ શેલાના કટકમાંથી રામ ગયા. કટક ભાગ્યું.

શેલાએ સાદ દીધો : “અરે ભણેં, કાઠીઓ ! ભાગો મા ! ભાગો મા !”

ભાગતા કાઠીઓએ જવાબ દીધો “ભણે આપા શેલા ! કાઠી કાઠીનો દીકરો એમ સાંકડ્યમાં આવુને ને મરે. ૫ડ તો દીમો જોસે બા !” [દુશ્મનને મેદાન તો દેવું જોઈએ.]

જાણે કાઠીઓ દુશ્મનોને પડ દેવા માટે ભાગતા હતા ! ત્યાં તો 'માટી થાજો જસદણીઆવ!' એવી રણહાક કરતા ભાણ જોગીદાસે દસે ઘોડે ભેળાં કર્યા.

“ભાગો ! ભણે ભાગો ! પડ દ્યો ! ભણે પડ દ્યો !” એવી કીકીઅારી કરતા એક સો વીસ કાઠીએ ઉપડ્યા.

શેલો સાદ કરે છે “એલા કાઠીઓ ! આ તો કાંકરા કરાવ્યા !”

ભાગતા કાઠીઓ કહે છે: “આપા શેલા ! કાંકરા ભલા ! બાકી આંહી ગરમાં જો પાળીઆ થાશે ને, તો કોઈ સીંદોર ચડાવવા ય નહિ આવે !”


  1. દેવળવાળાનું દેવસું : સૂરજદેવળ તીર્થના સૂર્ય ભગવાનનીદુહાઇ. ('સુરજ દેવળ' પાંચાળમાં આવેલું કાઠીઓનું તીર્થ છે.)

“સાચુ ભણ્યું બા !” કહીને શેલો પણ ભાગ્યો.

ગાંગો રાવળ બૂમો પાડતો રહ્યો કે “એ આપા શેલા ! ગઝબ થાય છે. ભાગ્ય મા, ભાગ્ય મા !”

“ગાંગા ! તું હવે હળવે હળવે આવી પોગજે !”

એટલું કહીને શેલો ખાચર કટક સાથે પલાયન થયો. અને આંંહી જોગીદાસને જોતાં જ ગાંગાની છાતી ફાટવા લાગી.

“વઘન્યાં ! મારા વિસામાનાં વઘન્યાં બાપ !”

એમ બબ્બે હાથે વારણાં લઈને ગાંગાએ બહારવટીયાને બુલંદ આજે બિરદાવ્યા.

શરમીંદો બનીને બહારવટીઓ બોલ્યો કે “ગાંગા બારોટ ! આ બિરદાવળીનાં મૂલ મૂલવવાની વેળા આજ મારે નથી રહી. શું કરૂં ?”

“બાપ જોગીદાસ ! હું આજ મોજ લેવા નથી આવ્યો. હું તો તારા ગણની ગંગામાં નાઈ રહ્યો છું. તું તો અમારૂં તીરથ ઠર્યો.”

ગજા મુજબ શીખ કરીને ગાંગાને વિદાય કર્યો.

આંહી શેલા ખાચરે થોડાંક હથીઆર પડીઆર અને થોડાંક ઘોડાં ભાવનગર મોકલી દઈને ઠાકોરને કહેવરાવ્યું કે “બારવટીયા તો વાંદર્યાં જીમાં ! દિ' રાત ગરની ઝાડીયુંમાં રે'વા વાળા ! સર સામાન મેલુ, ઝાડવાંના વેલા પકડુ પકડુને ઝાડવાં માથે ચડુ ગીયા. ચડુને ડુંગરામાં તડહકાવુ ગીયા ! અને યાનો આ અસબાબ અમે આંચકી લીધો તે દઉ મેલીએ છીએ.”

ઠાકોર સમજી ગયા. આ ટારડાં ઘોડાં ને આ સર સામાન જોગીદાસનાં હોય ! શેલો ખાચર છોકરાં ફોસલાવે છે !

ઘૂમતો ઘૂમતો ગાંગો રાવળ ચાર મહિને જસદણમાં આવ્યો છે. શેલા ખાચરનો દાયરો ભરાયો છે, એવે સમયે કાઠીઓએ ગાંગાને છંછેડ્યો “ગાંગા બારોટ ! ભણેં હવે બાપુનો ગીત ભણ્ય ! ભાણગાળાના ધીંગાણામાં બાપુ શેલો ખાચર કેવા રૂડા દેખાણા, ઈ વાતનો ગીત ભણ્ય !”

ગાંગા રાવળે મ્હેાં મલકાવ્યું: “ગીત તો કેમ કરીને ભણું બા ! યાં તો તમને વાંસામાં બારવટીયાનાં ભાલાં વાગતાં'તાં !”

“પણ તાળી જીભે કાંઈ ભાલાં વાગતાં સે? ગીત ભણવામાં તારા બાપનો કાણું જાતો સે ? ચાર વીઘા પળત ખાછ. હોળી દીવાળીએ દાત્ય લેછ, બાપુની મેાજું લેછ, ઈ કાંઈ મફતીયો માલ છે ?”

“એટલે ! ખેાટેખોટાં વખાણ ગાવા સાટુ મને બાપુ પળત ખવરાવે છે ?”

“હા ! હા ! વખાણ તો કરવાં જોશે. કવિ કેવાનો થીયો છે ?”

“ઠીક ત્યારે, સાંભળી લ્યો. પણ એક કરાર: શીંગાથી પીંછા સુધી એક વાર સાંભળી લેવું: વચ્ચે મને રોકવો કે ટોંકવો નહિ. આ ગીતમાં તો વડછડ છે; એટલે ઘડીક આપણું સારૂં આવશે, ઘડીક ભાણ જોગીદાસનું સારૂં આવશે, અને છેવટે બાપુનો ડંકો વાગશે. માટે મને વચ્ચે રોકો તો તમને સૂરજના સમ !”

“ભલે !”

ગાંગાએ ગીત રચી રાખેલું, તે ઉપાડ્યું :

[ગીત સાવજડું]

બળ કરી અતગ હાલીયો બોંશે
લાવું પવંગ જાણે ખુમાણું ના લોંચે
ખુમાણે દીધાં ભાલાં તરીંગમાં ખોંચે
ભોંયરા લગ આવીયો ભુંશે !

[અતિ મોટું સૈન્ય લઈને શેલો ખાચર ચડ્યો : 'મનમાં હતું કે જાણે જોગીદાસ ખુમાણનાં ઘોડાં ઝુંટવી લાવીએ. ત્યાં તો ઉલટાં, પોતાના ઘોડાંના તરીંગમાં જ ખુમાણોનાં ભાલાં ભોંકાયાં, એવાં ભાલાં ભોંકાયાં કે શેલો ખાચર ભોંયરગઢ સુધી ભાગતો આવ્યો.]

જેસી તે હૈયે નો જાણ્યો
અંગ એંકાર અધિકો આણ્યો
આગળ ખુમા તણો હતો અલેણો
(ત્યાં) માથે આવિયો દુસરો મેણો !

[હૃદયમાં કાંઈ વિચાર ન કર્યો. અંગમાં વધુ પડતો અહંકાર આણ્યો. અગાઉ ખુમાણો સાથે અલેણું તો હતું જ, ત્યાં વળી આ બીજું મેણું માથા પર આવ્યું.]

ખાચર ખેાટ દૂસરી ખાયો
ઝાળે ખુમો ભાણ જગાયો
કૂડું શેલા કામ કમાયો
ગરમાં જઈને લાજ ગુમાયો !

[હે શેલા ખાચર ! તે બીજી વાર ખેાટ ખાધી. તેં ઝાડીમાં જઈને ભાણ ખુમાણ સમા સિંહને જગાડ્યો. તે બહુ બુરૂં કામ કર્યું . ગિરમાં જઈને તેં લાજ ગુમાવી.]

ધરપત થીયો સબે ધુડધાણી
રાખી મેલ્યા ડોડ રામાણી
માર્યા ફરતા ડોડ મોકાણી
ઠરડ કાઢ્યો ભાલે ઠેબાણી !

[હે ધરપતિ ! તારૂં સર્વસ્વ ઘૂળધાણી થઈ ગયું. તારા ડોડાણી, મોકાણી અને ઠેબાણીઓને બહારવટીયાઓએ બહુ માર્યા.]

આલણહરો કહું અલબેલો
ખેલ જઈને બીજે ખેલો !

ઝાટકીયો દસ ઘોડે ઝીલો
છો વીસુંથી ભાગ્યો, શેલો !

[આલા ખુમાણનો પૈાત્ર ભાણ જોગીદાસ તો અલબેલો છે: માટે હે ખાચરો ! તમે બીજે કયાંઈક જઈને રમત રમો ! દસ જ ઘોડે ભાણ જોગીદાસે ઝપાટો માર્યો, ત્યાં તો છ વીસુ (એકસો વીસ) ઘોડા સાથે શેલો ખાચર ભાગી નીકળ્યો.]

“લ્યો બાપ ! આ ગીત !”

ગીત પૂરૂં થયું. શેલા ખાચરે આંખો લાલ કરી ગાંગાને કહ્યું “બારોટ ! હવે જસદણમાં રે' તો ગા' ખા !”

“ધુડ પડી મારા રહેવામાં !" કહીને ગાંગો ચાલી નીકળ્યો.

૧૬

લવારનો ફડાકો બોલ્યો, કે તૂર્ત જોગીદાસે ઘોડી થોભાવી. પાછળ જોયું. પૂછ્યું “શું થયું ભા ! ફડાકો શેનો સંભળાણો ?”

માણસોનાં મોઢાં ઝાંખા ઝબ પડી ગયાં હતાં. કોઈએ જવાબ ન દીધો.

“નક્કી કાંઈક કાળો કામો કર્યો લાગે છે.”

જોગીદાસે ઘોડી પાછળ લીધી. જઈને જોયું. એક કણબીને તરવારને ઝાટકે મરતો, તરફડતો દીઠો.

“આ કોણ ભાઈ ?”

“આપા ! આ મૂળા પટેલનો દીકરો: જે મૂળા પટેલે આપણા કુંડલા માથે ઠેઠ રાજુલાથી રાજની તોપું ખેંચીને આણી દીધી'તી અને જેના ચાળીશ ઢાંઢા ઈ તોપખાંનું તાણતાં મરી જવાથી ઠાકોરે આપણું જૂના સાવર ગામ દઈ દીધું, ઈ કમતીયાનો આ છોકરો.” “બાન પકડ્યો'તો ને ?”

“હા, પણ જીભ કુવાડે કાપ્યા જેવી: આખે માર્ગે ગાળ્યું કાઢી આપા ! એની જીભમાંથી લુવારની કોડ્યનાં ફુલ ઝરતાં'તાં ઈ ખમી ન શકાણાં તે માર્યો.”

“બાનને માર્યો ? બુરૂં કર્યું. હવે આપણે કુંડલા ખાઈ રીયા. બાનને માર્યો ! શું કહેવું ભાઈ ? આ પાપનો તો સાત જન્મે ય આરો વારો નહિ આવે. ઠાકર ક્યાંય નહિ સંઘરે.”

ડુંગરાનાં ગાળામાં મુકામ થયો. ત્યાં ભીમ પટેલના નરસી અને નાથો નામના બે દીકરાને બાન પકડીને સાથે આણ્યા છે. બહારવટીયાની રીત હતી કે બાન ભાગી ન જઈ શકે તેટલા માટે તેના પગને તળીએ અંગારા ચાંપી દેવા. તે સિવાય તો બાનને સારામાં સારૂં ખાવા પીવાનું ને સૂવા બેસવાનું આપી પરોણાની રીતે જ રાખતા.

અંગારા તૈયાર થયા. લાલચોળ ધગધગતા અંગારા દેખીને કણબીના બે દીકરામાંથી મોટો નાથો નામે હતો તે રોવા લાગ્યો. એને રેતો દેખીને નાનો નરસી બોલ્યો “હેઠ્ય કાયર ! રોવા બેઠો છે ! આપણે તો ખુમાણ ખોરડું ! સાવરીયાઓને ખેાટ્ય બેસે. બચાડા બારવટીયા વળી અંગારા શું ચાંપશે ? આમ જો ! આમ આપણી જાણે ચાંપી લેવાય !”

એટલું કહેતો નરસી ઉભો થયેા. ઝગતા અંગારા ઉપર સબ ! સબ ! સબ ! પગ માંડીને ચાલ્યો ગયો. પગતળીયાનાં ખોભળાં ફાટી ગયાં અને અંગારા ઓલવાઈ ગયા.

બહારવટીયો જોગીદાસ મીટ માંડીને આ કણબીની હિમ્મત સામે જોઈ રહ્યો. એની આંખો ફાટી રહી. પડખે બેઠેલા સાથીને પૂછ્યું કે “એણે પોતાને 'ખુમાણુ ખોરડું' કેમ કહ્યો ?”

“આપા ! એનો કાકો ધરમશી પટેલ પાંચસેં ઘોડે આપણી વાંસે ભમે છે એટલે ઈ અરધા ખુમાણ જ કહેવાય ને? કુંડલા

પંથકના પટેલીયા તો કરાફાત છે આપા !
૧૭

માવતર મદઈપણું કરે, જાય બારવટે જે
એનાં છોરૂને ચણ્ય દે, (તું) વેંડારછ વજપાળદે !

(હે વજેસંગ ઠાકોર ! જેનાં માવતર તારી સાથે શત્રુતા કરીને બહારવટે નીકળ્યા છે, તે જ નાનાં બચ્ચાંને તું પોષણ આપીને તારે ઘેરે પાળી રહ્યો છે.]

જોગીદાસનાં રાણી, બે દીકરા ને એક દીકરી, એમ ચારે જણાને ઝાલી લઈ મહારાજે ભાવનગર તેડાવી લીધાં હતાં. રાજ-રખાવટથી જ એ બંદીવાનોને રાખવામાં આવ્યાં હતાં. દરબારગઢની અંદર જ એ કુટુંબનો આવાસ હતો. આજે બહારવટીયાનો આદમી ત્યાં જઈ છુપી રીતે 'આઈ'ની પાસેથી સમાચાર લઈને ભાણગાળે આવેલ છે. જોગીદાસ પૂછે છે:

“બાળબચ્ચાંના કાંઈ સમાચાર લાવ્યો છે ભાઈ ?"

“આપા ! આજ તો આઈએ મોટે ટીપે આંસુડાં પાડતાં પાડતાં સમાચાર કહેવરાવ્યા છે.”

“આંસુડા પાડ્યાં ? કેમ ? થાકી ગઈ કાઠીઆણી ? ભાવનગરના રાજદરબારમાં કાંઈ રખાવટ મોળી પડી ? ઠાકારે કાંઈ કહ્યું ?”

“આપા ! કોઈએ કાંઈ કહ્યું નથી કે કારવ્યું નથી. આઈ થાક્યાં યે નથી. પણ આ આંસુડાં તો ઘણમૂલાં કે'વાય.”

“શું કેવરાવ્યું છે ?”

“કેવરાવ્યું છે કે કાઠી ! હવે બારવટુ કોના સામું કરો છો ? મહારાજ તો દેવનો અવતાર છે. મહારાજે પોતે જ આપણી દીકરી કમરીબાઈને ડેડાણ કોટીલાને ઘેરે પરણાવી. અને એક લાખનો દાયજો દીધો. દુશ્મન ઉઠીને બાપ થયો !”

“હા ! ઈ વાત હું જાણું છું, મહારાજ આપણાં ગામ ખાય છે, તે દાયજો કરે, બાપ ! બીજું કાંઈ ?”

“બીજું તો કાઠીને કે'જો કે થોડા દિ' પહેલાં આપણો લાખો ને હરસુર બેય જણા કુંવર નારૂભા ને અખુભાની સાથે રમતા'તા. એમાં લાખે કુંવર નારૂભાને લપાટ મારી. કુંવર રોતા રોતા મહારાજ પાસે ગયા. જઈને કહ્યું કે "મને લાખે ખુમાણે માર્યું.” તે ટાણે મહારાજના મ્હોંમાંથી શા શબ્દો નીકળ્યા કાઠી ! મહારાજે કહ્યું કે “બેટા ! એનો વાંધો નહિ. એનો બાપ રોજ અમને મારે છે, તો પછી દીકરો તને મારે એમાં નવાઈ શી ? અમે ય વાંસો ચંચવાળી રહીએ છીએ !”

“કાઠી ! આખા દાયરાની વચ્ચે પોતાના ટીલાત કુંવરને આવો જવાબ આપીને મહારાજ ખડ ખડ હસી પડ્યા, પછી પોતે નારૂભાને હેતભર્યે હૈયે કહ્યું કે “ભાઈ ! ઈ કેમ ન મારે ? એને શું ખીજ ન આવે ? એના બાપ આજ પંદર વરસથી ગામ ગરાસ ખોઇને ડુંગરામાં પાટકે છે. પાણાનાં ઓશીકાં કરેછે. ઈ દાઝનો માર્યો દીકરો આપણને ઠોંટઠાપલી કરે તે ખમી ખાઈએ ભાઈ ! એને માથે દુ:ખનાં ઝાડ ઉગ્યાં છે.”

કાઠી ! આખો દાયરો થંભી ગયો. અને મહારાજે લાખાને ખોળામાં બેસારીને ઉલટું એના હાથની હથેળી પંપાળી, અને પૂછ્યું કે “બાપ ! તુંને તો વાગ્યું નથી ને ?”

કાઠી ! આવી રખાવટ રાખનારની સામે હવે કયાં સુધી ઝૂધ કરવાં છે ? અાવા દેવશત્રુને ખોળે તરવાર મેલી દેતાં ના લાજીએ. અને હવે હાલ્યા આવો ! મહારાજના ભેરૂ બનો.

સમાચાર સાંભળતાં સાંભળતાં બહારવટીયાના હાથમાં બેરખો થંભી ગયો, એની આંખોને ખુણે બે મોટાં આંસુડાં લટકી પડ્યાં. કાંઈ બોલ્યા વગર જ એ બેઠો રહ્યો. ચારે કોર અંધારાં છવાઈ ગયાં.

૧૮

"આમાં વંશ કયાંથી રે' ?"

બહારવટામાં વારંવાર ગામેગામની ગાયો તગડાય છે. એક દિવસ ત્રણસો ચારસો ગાયોનું ધણ તગડીને બહારવટીયાએ નાંદીવેલા ડુંગરના ગાળામાં ઠાંસી દીધું. આડી મોટી વાડ્ય કરાવી લીધી. ત્યાં ગાયોને ચરતી મેલીને ભાણગાળેથી બીજે જ દિવસ ભાગી નીકળવું પડ્યું. ભાગતાં ભાગતાં ગિર વીંધીને બહાર નીકળ્યા. બીજા મુલકમાં ઉતરી ગયા, નાંદીવલામાં ગાયો, ઠાંસી છે એ વાતનું ઓસાણ પણ ન રહ્યું.

એક વરસ વીત્યે બહારવટીયા પાછા ભાણગાળે આવ્યા. જોગીદાસને ત્રણસો ધેનુએ સાંભરી આવી. ઠાંસામાં આવીને જુવે ત્યાં ત્રણસો ગાયોનાં ખોખાં [હાડપીંજર] પડેલાં. ઠાંસેલી ગાયો ખડ પાણી વિના રીબાઈને મરી ગઈ હતી.

“બાપ ભાણ !”

“હાં આપા !”

“અકેકાર થયો.”

“હોય આપા ! બારવટાં છે.”

“બહુ દિ' બારવટાં ખેડ્યાં, બાપ ભાઈ બહુ મરાવ્યા. કણબીઓનાં ધીંસરાં કરવામાં કાંઈ બાકી નથી રાખી. અઢાર સો હત્યાયું લીધી. અને આ ગાય માતાજીયુંને તગડવામાં તો ત્રાસ જ નહોતો રાખ્યો. વાછરૂને માતાઉથી વછોડાવીને અનોધા નિસાપા લીધા. આમાં વશ ક્યાંથી રે'શે ?"

“આપા ! ઈ બધુ સંભારે છે શીદ ?”

"સમસમ્યું રે'તું નથી. એટલે સંભારું છું - ઠીક સંભારૂં છું, આટલાં પાપનો પાટલો બાંધવા છતાં ય ખુમાણોમાંથી કોઈ પડખામાં ન આવ્યા. સાવરીયાઓ ગરાસ માંડી માંડીને ભાડાંની ગાડીયું હાંકવા લાગ્યા. કાકાઓને પોતપોતાનાં છ છ ગામનું ગળપણ વા'લું થયું, હવે આપણે ક્યાં સુધી રઝળશું ? શો ફાયદો કાઢશું ? ઝલાશું તો, કૂતરાને મોતે મરશું.”

“તયીં આપા ? કેમ કરશું ? તરવાર છોડશું?”

“હા.”

“તો હાલો ભાવનગર.”

“ના, હેમાળે."

“કાં ?"

“જોગીદાસની તેગ ભાવનગરના ધણીને પગે તો ન છૂટે. કૈલાસના ધણીને પગે છૂટશે."

"હેમાળો ગળવો ઠર્યો ?” ”હા, તે વગર આ પાપનો પાર નહિ આવે.”

ભાણ-વજ્રછાતી વાળો ભાણ રોઈ પડ્યોઃ “આપા ! આપા !” કહી ખોળે ઢળી પડ્યો.

“રો મા બાપ ! મને રોકય મા. તું છોકરાંને ઓથ દેજે. ને હું મારા એકલાના નહિ, પણ આપણા સહુના મેલ ધોવા જાઉં છું. અને ભાણ ! જોજે હો, જેબલીયાણી માની ને ભાઈ હીપા-જસાની સાર સંભાળમાં મોળું કેવરાવતો નહિ હોં ! બાપુનું ગામતરૂં છે.”

જોગીદાસ હિમાલયે ગળવા ચાલ્યા. જાણે એક હિમાલય બીજા હિમાલયને મળવા ચાલ્યો.

જોગીદાસ હેમાળે ગળવા ચાલ્યાની જાણ ભાવનગરમાં થઈ. મહારાજની સન્મુખ જ બહારવટીયાના દીકરા રમે છે. રાણીવાસમાં બહારવટીયાની રાણી બેઠી છે કે જેણે પંદર પંદર વરસો થયાં ધણીનું મ્હોં જોયું નથી. અને જોગીદાસ હેમાળામાં ગળ્યે તો ભાવનગરના વંશ ઉપર બદનામીનો પાર નહિ રહે !

મહારાજે બહારવટીયાને પાછો વાળવા માટે માણસો દોડાવ્યાં. ખુમાણ દાયરાને સંદેશો કહેવરાવ્યો કે “ઝટ આડા ફરીને આપાને પાછો વાળો, હું એને બોલે બહારવટું પાર પાડું.”

ખુમાણોને સાન આવી. આપાની પાછળ ઘોડાં દોટાવી મૂક્યાં, ગુજરાતની પેલી બાજુના સીમાડા પરથી આપાને પાછા વાળ્યા. જોગીદાસ બોલ્યો,

“ભાઈયું ! હવે મડાને શા સારુ ઘરમાં લઈ જાવ છો !”

માર્ગે જસદણમાં મુકામ કરેલ છે, ખુમાણ દાયરો ડેલીએ બેસીને કસુંબા કાઢે છે. તે વખતે અંદરથી કહેણ આવ્યું કે “ગઢમાંથી આઈ સહુ ખુમાણ ભાઈઓનાં, દુઃખણાં લેવા આવે છે.”

“ભલે, પધારો ! ખુમાણોનાં મોટાં ભાગ્ય !” ધરતી ન દૂભાય તેવાં ધીરાં ડગલાં દેતાં x []વૃદ્ધ કાઠીઆણી ચોપાટમાં આવ્યાં. મોઢે એંશી-નેવું વરસની રેખાઓ અંકાઈ ગઈ છે : અંગ પર કાળું ઓઢણું છે: જોતાં જ જોગમાયા લાગે છે: મ્હોંમાંથી ફુલડાં ઝરે છે.

એક પછી એક સહુની ઓળખાણ ચાલી. આઈ પૂછતાં જાય કે “આ કોણ ?”

“આ ફલાણા ! ફલાણા !” એમ જવાબ મળે છે અને આઈ દુ:ખણાં લ્યે છે. એમ કરતાં કરતાં આઈ બીજે છેડે પહોંચ્યાં. આઘેથી પૂછ્યું,

“આ કોણ ?”

“ઈ જોગીદાસ ખુમાણ"

“આ પંડ્યે જ જોગીદાસ ખુમાણ ?”

આઈ એકી ટશે જોઈ રહ્યાં. ઉગમણી દિશાએ બેસીને બહારવટીયો બેરખો ફેરવે છે. માથું નીચું ઢળ્યું છે. અંતરના ઉંડાણમાંથી સૂરજ ! સૂરજ ! એવા ધ્વનિ ઉઠે છે. ધ્વનિ સંભળાતા નથી, માત્ર હોઠ જ જરી જરી ફફડે છે. કાઠીઆણીએ જાણે કે આબુથી ઉતરી આવેલા કોઈ જોગંદરને જોયો.

“આપા ! ” દાયરામાંથી કોઈ બોલ્યું, “આપા ! આઈ તમારાં દુ:ખણાં લેવા આવ્યાં છે.”

“ના બાપ !” આઈ બોલી ઉઠ્યાં, “એનાં દુ:ખણાં ન્હોય. એ માનવી નથી, દેવ છે. લખમણ જતિનો અવતાર છે. એને માથે હું હાથ ન અડાડું. એને તો પગે જ લાગીશ.”

છેટે બેસીને ત્રણ વાર આઈએ બહારવટીયાની સામે પોતાના મલીરનો પાલવ ઢાળી માથું નામાવ્યું.

જોગીદાસે તો સ્ત્રી દેખીને પોતાના મ્હોં આડે ફાળીયું નાખ્યું હતું. પણ આભાસે આભાસે આઈનો ઓળો ત્રણવાર


  1. xહમીર ખાચરનાં ઘઘાણી શાખાનાં ઘરવાળાં હોવાનું કહેવાય છે.
નમતો દેખાયો. અને ત્રણે વાર જોગીદાસે સામું શિર નમાવ્યું.

એક બોલ પણ બોલ્યા વિના : બેરખાનો એક પારો અટક્યા વિના : આંખનો પલકારો માર્યા વિના.

છાતી પીગાળી નાખે એવો આ દેખાવ હતો. દાયરો આખો મુંગો બની શ્વાસ પણ ડરતો ડરતો લેતો હતો. સહુને જાણે સમાધિ ચડી હતી.

એમાં આઈએ ચુપકીદી તોડી : આખા દાયરા ઉપર એની આંખ પથરાઈ ગઈ. સહુનાં મ્હોં નિરખી નિરખીને એણે વેણ કાઢ્યાં :

“ખુમાણ ખોરડાના ભાઈયું ! હું શું બોલું ? તમે ખોરડું સળગાવી દીધું, તમે કટંબ-કુવાડા થયા. તમે પારકા કુવાડાના હાથા થઈને લીલુડા વનનો સોથ જ કાઢી નાખ્યો ! તમે જૂથ બાંધીને આ જતિપુરૂષને પડખે ઝુઝી ન શકયા માડી ! તમને ઘરનો છાંયો વા'લો થઈ પડ્યો ? ચીભડાંની ગાંસડી છુટી પડે તેમ આખુંય આલા પેટ નોખું નોખું થઈ ગયું ! અરે તમે પોતપોતાની પાંચ પાંચ ગામડી સાચવીને છાનામાના બેસી ગયા ? આ દેવ-અવતારીને એકલે બહારવટે રઝળવા દીધો ? તમે કાંડે ઝાલીને જોગીદાસ શત્રુને હાથ દોરી દીધો ? પારકાએ આવીને ઠેઠ પેટમાં નોર પરોવી દીધા ત્યાં સુધી યે તમને કાળ ન ચડ્યો ?”

દડ ! દડ ! દડ ! આઈની આંખોએ આંસુ વહેતાં મેલ્યાં. છેલ્લું વેણ કહ્યું :

“બીજું તો શું બોલું ? પણ કાઠીને વળી ગરાસ હોતા હશે ? કાઠીના હાથમાં તો રામપાતર જ રહેશે. અને ભાઈ ભોજ ખુમાણ ! કાઠી વંશના જે કટંબ-કૂવાડા બન્યા હશે, તેનાં પાપ સૂરજ શે સાંખશે ? નહિ સાંખે.”

એટલું કહીને આઈ ઓરડે ચાલ્યાં ગયાં. આંહી દાયરો થંભી જ રહ્યો. જોગીદાસના કાકા ભમોદરા વાળા ભોજાખુમાણના મ્હોં પરથી વિભૂતિ ઉડી ગઈ. આઈની વાણીમાં એણે ભવિષ્યના બોલ સાંભળ્યા.*[]

દાયરાના મન ઉપરથી ગમગીનીનો પડદો તોડવા માટે ચારણે મોટે સાદે દુહો લલકાર્યો કે

અંગરેજે મલક ઉંટાકીયો, મયણ કેતોક માણ
ત્રણે પરજું તોળીયું, (એમાં) ભારે જોગો ને ભાણ !

[અંગ્રેજોએ આવીને સોરઠ દેશ તોળી જોયો. આ ધરતી કેટલીક વજનદાર છે તે તપાસી જોયું. કાઠીઓની ત્રણે પરજોને તોળી જોઈ, એમાં ભાણ ને જોગીદાસ બે જ જણા વજનદાર નીકળ્યા ]

૧૯

સામસામા બે શત્રુઓ બેઠેલા : વચ્ચે કસુંબાની કટોરી ઝલકે છે : પચીસ વરસનાં વેર એ બે ય શત્રુઓની આંખોમાંથી અત્યારે નીતરી ગયાં છે. વજેસિંગ ઠાકોર અને જોગીદાસ ખુમાણ સમાધાની કરવા ભેળા થયા છે.

“લ્યો આપા ! માગી લ્યો ! ” અંજલિમાં કસુંબો લઈ ઠાકોરે હાથ લંબાવ્યો.

“માગી લેવાનું ટાણું ગયું મહારાજ ! આજ તો તમે આપો તે લઈ લેવું છે. માટે બોલી નાખો.” એમ કહીને બહારવટીયાએ ઠાકોરની અંજલિ પોતાના હાથે પકડી પોતાનું મ્હોં નમાવ્યું.

“ત્યારે આપા ! એક તો કુંડલા.”

“કુંડલા ન ખપે મહારાજ !” બહારવટીયાએ હાથ ઉંચો કર્યો.

ઠાકોર ચમક્યાઃ “આ શું બોલો છે, આપા ? કુંડલા સાટુ જંગ મચાવ્યો, અને હવે કુંડલા ન ખપે?"


  1. * આાજ એનો પણ વંશ નાબુદ થયો છે.

“ન ખપે. મહારાજ બોલ્યા એટલે હું માની લઉ છું કે કુંડલા મને પોગ્યા. પણ પણ હવે મારૂં અંતર કુંડલા માથેથી ઉતરી ગયું છે. મારો બાપ મુવો તે દિ' મહારાજે મોટેરો દીકરો બનીને મુંડાવેલું. એટલે નાવલી-કાંઠો ભલે મોટેરાને જ રહ્યો. વળી બીજી વાત એમ છે કે કુંડલા વિષે મને વહેમ પડ્યો છે. ચારણનો દુહો છે કે,

કીં થે તારા કુંડલા, ભડ વખતાને ભોગ્ય !
આલણકા આરોગ્ય, હોય નૈ કસળે હાદાઉત !

આ દુહે મને વ્હેમમાં નાખ્યો છે. અરથ તો સવળો છે કે “હે દાદાના પુત્ર ! તારા કુંડલા વખતસિંહજી શી રીતે ભોગવશે ? હે આલણકા ! એનાથી હેમખેમ કુંડલા નહિ ખવાય !” પણ એથી ઉલટો અરથ પણ નીકળે છે. માટે કુંડલાને ટીંબે અમે નહિ ચડીએ ! કુંડલા તો ભલે મહારાજને રહ્યું.”

“ત્યારે એક આંબરડી કબૂલ છે ?”

“હા બાપા ! અભરે ભર્યું ગામ.”

“બીજુ બગોયું.”

“એ પણ કબૂલ : સોના સરખું.”

“એ બે તમને : વીરડી ને રબારીકું આપા ગેલાનાં છોરૂ ને.”

"બરાબર.”

“આગરીઆ ને ભોકરવું આપા ભાણને.”

“વ્યાજબી.”

“ઠવી ને જેજાદ ભાઈ હીપા જસાનાં મજમુ. થયા રાજી ?”

“સત્તર આના."

“કાંઇ કોચવણ તો નથી રહી જતી ને આપા, ભાઈ ! જોજો હો ! જગત અમારી સોમી પેઢીએ પણ ભાવનગરને 'અધરમી' ન ભાખે.” “ન ભાખે બાપા. ભાખે એની જીભમાં કાંટા પરોવાય.”

“ત્યારે આપા ભાઈ ! મને લાગે છે કે તમારા દીકરા તમારૂં ગઢપણ કદિક નહિ પાળે તો ?” ઠાકોર હસ્યા.

“તો આંહી આવીને રહીશ બાપા !”

“ના, ના, આંહી યે કદિક આ મારાં પેટ - અખુભા નારૂભા પલટી જાય. આજ કોઈનો ભરોસો નહિ કોઈની ઓશીયાળ નહિ. રાજ તમને 'જીરા' ખડીયા ખરચી દાખલ આપે છે. જીવો ત્યાં સુધી ખાઓ પીઓ.”

બહારવટીયો આભો બન્યો ×[] જીરા ! ત્રીસ હજારની ઉપજ આપનારૂ જીરા ગામ ઠાકોરે ખડીયા ખરચીમાં નવાજ્યું.

જોગીદાસે ઠાકોરના હાથમાંથી કસુંબો પીધો. સામી અંજલિ પીવરાવી. વસ્તીને વધામણી સંભળાવવા સહુ કચેરીમાં આવ્યા.

બહારવટીયાને શરણાગત નહિ પગ સમવડીઓ કરીને ઠાકોરે પોતાની સાથે અરધોઅરધ ગાદી પર બેસાર્યા, અને બંદીજનોએ બેયને ત્રોવડ તરીકે બિરદાવ્યા :

વજો અવરંગશા વદાં, દરંગો જોગીદાસ
તણહાદલ વખતાતણ, આખડીયા ઓનાડ.

[બેમાંથી કોનો વત્તો ઓછો કહું ? વજો મહારાજ ઔરંગજેબ જેવો વીર, ને સામો જોગીદાસ પણ દુર્ગાદાસ જેવો : એક વીર વખતસિંહનો


  1. ×આ 'જીરા' વિષે એમ પણ બોલાય છે કે એ ખડીયાખરચી તરીકે નહિ, પણ જોગીદાસના દીકરા લાખા હરસૂરની ધોતલીમાં અપાયલું.
    કહેવાય છે કે આ 'જીરા' ગામ જોગીદાસના વિદેહ પછી પણ એના વંશમાં ચાલુ રહેલું. ત્રીજી પેઢીએ એભલ ખુમાણના વખતમાં એ વંશનાં એક વિધવા બાઈએ, પેાતાને પિત્રાઈઓ ગરાસ ખાવા દેતા ન હોવાથી 'જીરા' વિષેનો દસ્તાવેજ દરબારી અધિકારીને આપ્યો. આધિકારીએ જોયું કે 'જીરા' તો ફક્ત જોગીદાસની હયાતી પૂરતું જ બક્ષાયલું. એણે રાજમાં જાહેર કરીને જીરા ખાલસા કરાવી લીધું. પૂછવા જતાં ગગા ઓઝાના રાજપુરૂષે કહ્યું કે "જીરા (જીરૂ) તો શાકમાં પડી ગયુ !”
તનય, ને બીજો વીર હાદા ખુમાણનો તનય : બન્ને બહાદૂરો સામસામા

યુદ્ધ ખેલી જાણ્યા.]

એ બિરદાવળી સાંભળતાં વજેસંગજી 'વાહ કવિરાજ!' કહી મલકાય છે. જોગીદાસની સમવડ ગણાવાનો એને શોચ નથી. મોટા મનનો ભૂપતિ રાજી થાય છે. ને જોગીદાસનાં ગુણગાન વધુ રૂડાં બને છે :

તું પાદર જૂના તણે, ફેસળીઓ ફોજે
(તે દિ) બીબડીયું બંગલે, (તુંને) જોવે જોગીદાસીઆ !

[હે જોગીદાસ ! તું જે દિવસ જૂનાગઢને પાદર ફોજ લઈને ચાલ્યો હતો, તે દિવસ તને બીબીઓ મેાટા બંગલાની બારીએાના ચક્રમાંથી નયનો ભરી ભરી નિરખતી હતી.]

“સાંભળો આપાભાઈ ! તમારાં શૌર્ય અને સ્વરૂપ કેવાં !” એમ કહીને સાગરપેટો ઠાકોર બહારવટીયાને હસે છે. પણ બહારવટીયાના કાન જાણે ફુટી ગયા છે. માથું નમાવીને એ તો કચેરીમાં યે બેરખા જ ફેરવે છે. એટલું જ બોલે છે કે “સાચું બાપા ! ચારણો છે, તે ફાવે તેમ બિરદાવે.”

પણ બંદીજનો તો તે દિવસ ગાંડાતૂર બનેલા હતા. કવિતાનાં નીરમાં બહારવટીયાને તરબોળ બનાવવો હતો : દુહા રેલવા લાગ્યા :

દત સુરત ટેકો દઈ, રાખીતલ પ્રજરાણ !
ખળભળતી ખુમાણ, જમી જોગીદાસીઆ !

[હે પરજોના રાજા ! કાઠીઓની પૃથ્વી ખળભળીને નીચે પટકાઇ જવાની હતી, તેને દાન તથા શૌર્યના ટેકા દઈને તેંજ ટકાવી રાખી હે જોગીદાસ !]

જોગો જોડ કમાડ, માણો મીતળપર ધણી
ન થડક્યો થોભાળ, હુકળ મચીએ હાદાઉત.

[જોટાદાર કમાડ જેવો જોગીદાસ ! મીતીઆળાનો ધણી : યુદ્ધ મચતી વેળા જરાયે ન થડક્યો.]

કરડ્યે કાંઉ થીયે, પરડોતરાં પ્રજરાણ !
ડસતલ તું દહીવાણ, ઝાંઝડ જોગીદાસીઆ !

[બીજાં નાનાં સાપોલીયાં ડસે તેનાથી તો શું થવાનું હતું ? પણ ભાવેણાના નાથને તારા જેવા માટે ફણીધર ડસ્યો ત્યારે જ એનું ઝેર ચડ્યું.]

જોગા ! જુલમ ન થાત, ઘણુ મૂલા હાદલ ઘરે
(તે તે) કાઠી કીં કે'વાત, સામી વડય સૂબા તણું !

[હે જોગીદાસ ! મહામૂલા હાદા ખુમાણને ઘેર જો તારો જન્મ ન થયો હોત, તો કાઠી મોટા સૂબા મહારાજાનો સમોવડીયો ક્યાંથી લેખાયો હોત ?] અને ચારણે એ છેલ્લી શગ ચડાવી :


ધૂવ ચળે, મેરૂ ડગે, મહદધ મેલે માણ
(પણ) જોગો કીં જાતી કરે, ખત્રીવટ ખુમાણ !

[ધ્રૂવ તારા ચલાયમાન થાય, મેરૂનાં શિખર ડગે, મહોદધિ પોતાની મરજાદ મેલે, તો પણ જોગો ખુમાણ પોતાની ક્ષત્રીવટ કેમ જતી કરે ?]

બહારવટીયાની બિરદાવળ સાંભળી સાંભળી મહારાજ જાણે ધરાતા જ નથી. ચારણોને સામા હોંકારા પણ પોતે જ આપી રહેલ છે. શબ્દે શબ્દે પોતે બહારવટીયાની સામે મીટ માંડી રહે છે. જોગીદાસ એની નજરમાં જાણે સમાતા નથી. બહારવટીયાના ગુણવિસ્તારની સરખામણીમાં ગોહિલને રાજવિસ્તાર નાનકડો લાગ્યો.

જ્યારે મહારાજનું દિલ આટલું ડોલી રહ્યું છે, ત્યારે બહાવટીયાના ખુદના અંતરમાંથી તો આ બધી બિરદાવળ, પોયણને પાંદડેથી પાણી દંડે તેમ દડી પડી. એના મુખડાની ગરવાઈ જરાય ઓછી ન થઈ. એ તો સૂરજના જાપમાં તલ્લીન છે. ને એને તો પોતાનાં પાતક સાંભરે છે. પોતાના મનવાને મારી મારીને એ પ્રાયશ્ચિત્ત કરે છે.

મહારાજે ઈસારત કરી, એટલે સભામાં રંગરાગ મંડાયા. સારંગીને માથે સુંવાળી કામઠીંઓ અડી ને અંદરથી કૂણા કૂણા સૂર ઉઠ્યા. સાથે સ્ત્રીઓનાં ગળાં ગળવા માંડ્યાં. નરધાં ઉપર ઉસ્તાદની થાપી પડતાં તે રણણ ઝણણ ધૂધરા બોલ્યા અને કિન્નરકંઠી રામજણીઓનો મુજરો મંડાણો.

વજો મહારાજ ; કનયોલાલ : રસરાજનો જાણે અવતાર : અને મારૂ વંશનો મોજીલો બેટડો : જેવો સંગ્રામમાં તેવો જ રસભેાગમાં : વીણી વીણીને અમૂલખ વારાંગના તેડાવી હતી. કેમકે આજ તો અનુપમ ઉજવણું હતું : જોગીદાસનું બહારવટું પાર પડ્યું હતું. વારાંગનાનાં ગળાં ગહેકવા લાગ્યાં.

અને જોગીદાસે પીઠ દીધી ! આંખો અધમીંચી હતી, તે પૂરેપૂરી બીડી દીધી. બેરખો તો હાથમાં ચાલી જ રહ્યો છે.

વજો મહારાજ કાંઈ સમજ્યા નહિ. એણે જાણ્યું કે બહારવટીયો દિશા બદલવાની કાંઈક વિધિ કરતો હશે. નાચ સંગીત ખીલવા લાગ્યાં. કચારી જાણે ગણિકાઓના સર-સરોવરમાં તરવા ને પીગળવા લાગી.

ઓચીંતો જોગીદાસે ભેટમાંથી જમૈયો ખેંચ્યો. કચેરીમાં એ હથીઆરનો ચમકારો થયો, અને 'હાં હાં ! આપા !' કહીને મહારાજે જોગીદાસનું કાંડું ઝાલ્યું. જમૈયાની અણીને બહારવટીયાની આંખના પોપચાથી ઝાઝું છેટું નહોતું.

“આપા ભાઈ ! આ શું ?”

“કાંઈ નહિ બાપા ! આંખો ફોડું છું.”

"કાં ? ”

“એટલે તમે સહુ આ નાચમજરા નિરાંતે ચલાવો.“ “કાંઈ સમજાતું નથી આપાભાઈ ! ”

“મારૂવા રાવ ! તમે મારવાડ થકી આવો છો, તમારે પરવડે. પણ હું કાઠી છું, મારી મા-બેન નાચે, ને ઈ હું બેઠો બેઠો જોઉં, એમ ન બને. ”

“અરે આપા ! આ મા–બેન્યું ન કેવાય, આ તે નાયકાઉં. એનો ધંધો જ આ. ગણિકાઉ ગાય નાચે એનો વાંધો?”

“ગણિકાંઉ તોય અસ્ત્રીનાં ખોળીયાં : જનેતાના અવતાર : જેના ઓદરમાં આપણે સહુ નવ મહિના ઉઝરીએ એ જ માતાજીનાં કુળ: બધું એકનું એક, બાપા ! તમે રજપૂત, ઝટ નહિ સમજી શકો. પણ મને કાઠીને તો દીવા જેવું કળાય છે. હવે જો ઈ માવડીયું પગનો એકેય ઠમકારો કરશે તો હું મારી આંંખોનાં બેય રતન કાઢીને આપના ચરણમાં ધરી દઈશ.”

*નાચ મુજરા બંધ કરવામાં આવ્યા.

મહારાજે બહારવટીયા જોગ પૂરેપૂરા નિરખ્યા, અંતર ઓળઘોળ જઈ જવા લાગ્યું. જોગીદાસ જીવ્યા ત્યાં સુધી પોતાના ભાઈ કરી પાળ્યા.


અન્ય સંભળાતા પ્રસગો :

  • કવિ શ્રી ન્હાનાલાલ એક પ્રસંગ એમ પણ સંભળાવે છે કે ગાયકવાડ

તથા ભાવનગર રાજની વચ્ચે સીમાડાની મોટી તકરાર હતી. કેમેય ગુંચ નીકળે નહિ. બન્ને રાજ્યોને એમ સૂઝ્યું કે જોગીદાસ બહારવટીયો સતવાદી છે, સીમાડાનો અજોડ માહિતગાર છે, એ ખરો ન્યાય તોળશે. માટે એને જ આ તકરારનો ફડચો સોંપાયો હતેા. સતવાદી બહારવટીયાએ ભાવનગરની સામે કારમુ વેર ચાલુ હતું છતાં સત્ય ભાખ્યું : ફડચા ભાવનગરના લાભમાં ગયા. એ પ્રસંગના ગુલતાનમાં બહારવટીયાને તેડાવવામાં આવ્યા હતા, અને તે વખતે આ ઘટના બની હતી. શ્રી. ધીરસિંહજી ગોહિલ લખી જણાવે છે :

“જ્યારે ઠાકોર અને જોગીદાસ કસુંબો લેવા ભેળા થઈ તંબુની બહાર બેઠા હતા, ત્યારે ઓચીંતો એક સાપ નીકળ્યો. બધા એ સાપને દેખી ભાગ્યા. ફક્ત જોગીદાસ બેઠા રહ્યા, સાપ જોગીદાસ તરફ ચાલ્યો.

ઠાકોર કહે “જોગીદાસ, ભાગો !”

બહારવટીયો કહે “ના મહારાજ ! આપ દેખો તેમ મારે સાપોલીઆથી ડરીને તગ ! તગ ! ભાગવું ન પરવડે !”

પલાંઠી ઠાંસીને બહારવટીયો બેસી રહ્યો. સાપ એના શરીર પર ચડ્યો. માથા ઉપર ફેણ લઈ ગયો. પછી ઉતરીને ચાલ્યો ગયો. જોગીદાસ જેમના તેમ બેઠા રહ્યા.


ઐતિહાસિક કથાગીત : બૅલેડ

[આ ગીતના રચનાર કેાણ, તે નથી જાણી શકાયું. ભાવનગર રાજના આશ્રિત હશે એમ લાગે છે. ભાવનગરના રાજકવિ શ્રી પીંગળશી ભાઈના જૂના ચોપડામાંથી, એમના સૈજન્યથી આ પ્રાપ્ત થયું છે.]

પડ ચડિયો જે દિ' જોગડો પીઠો
આકડીયા ખાગે અરડીંગ,
જરદ કસી મરદે અગ જડિયા
સમવડિયા અડિયા તરસીંગ. ૧

[જોગીદાસ ને પીઠો ખુમાણ યુદ્ધમાં ચડ્યા, શુરવીરો ખડગ લઈ આફળ્યા. મરદોએ અંગ પર બખર કર્‌યાં. બરોબરીયા સિંહોએ જાણે જગ માંડ્યો. (સિંહોને 'તરસીંગ' ત્રણ સીંગડાં વાળા કહેવામાં

મનાવે છે.)]

જુધ કરવા કારણ રણ ઝૂટા
સાંકળ તોડ્ય બછૂટા સિંહ,
માંડે ખેધ બેધ ખુમાણો
લોહ તણો સર જાણે લીંહ. ૨

[યુદ્ધ કરવાને કારણે બહારવટીયા રણમાં ધસ્યા. જાણે સિંહ સાંકળ તોડીને વછૂટ્યા. ખુમાણેાએ મરણીયા થઈ વેર માંડ્યું. જાણે એ તો લોઢાની ઉપર આંકેલ લીંટી ! ભૂંસાય જ નહિ.]

કસંપે ખોયા મલક કાઠીએ
કરિયોયે ઘરમાં કટંબ કળો;
સાવર ને કુંડલપર સારૂ
વધતે વધતે વધ્યો વળો. ૩

[પરંતુ કાઠીઓએ કુસંપને કારણે મુલક ખોયા. ઘરની અંદર જ કુટુંબ-કલહ કર્યો. સાવર ને કુંડલા માટે વેર વધવા જ લાગ્યાં.]

મત્ય મુંઝાણી દશા માઠીએ
કાઠી બધા ચડ્યા કડે,
ચેલો ભાણ આવીયા ચાલી
જોગો આવધ અંગ જડે. ૪

[પણ માઠી દશાને લીધે તેઓની મતિ મુંઝાણી. કાઠીઓ બધા કડે ચડ્યા. જસદણનો ચેલો ખાચર અને ભડલીનો ભાણ ખાચર આવ્યા. તે વખતે જોગીદાસ અંગ પર આયુધ કસતો હતો.]

વેળા સમે ન શકિયા વરતી
ફરતી ફોજ ફરે ફરંગાણ,
ભાયું થીયા જેતપર ભેળા
ખાચર ને વાળા ખુમાણ. ૫

[કાઠીઓ સમય ન વર્તી શક્યા. ચોફેર અંગ્રેજોની ફોજ ફરતી હતી.

છતાં બધા ભાઈઓ જેતપરમાં ભેળા થયાં. ખાચર, ખુમાણ ને વાળા, ત્રણે.]

વહરા તસર સિંધુ વાજીયા
સજીયા રણ વઢવા ભડ સોડ
પાવરધણી બધા પરિયાણે
મળુને સર બાંધો મોડ. ૬

[ઘોર સીંધુડા રાગ વાગ્યા. સુભટ્ટો રણમાં વઢવા માટે સજ્જ થયા. પાવરના સ્વામીઓ (એટલે કે પાવરમાંથી આવેલા કાઠીઓ) બધાએ પ્રાયણ કર્યા કે કાકા મુળુવાળાના શિરપર સરદારીની પાઘ બંધાવીએ.

મૂળુ સાચો અખિયો માણે
જાણે દાય ન ખાવે ઝેર,
ફરતો ફેર મેરગર ફરવો
વજમલસું આદરવો વેર. ૭

[મુળા વાળાએ સાચી સલાહ આપી કે ભાઈ ! મેરૂની પ્રદક્ષિણા કરવી જેટલી મુશ્કિલ છે, તેટલું જ વિકટ વજેસંગ સાથે વેર આદરવાનું છે.]

હેક વચન સાંભળ તણ-હાદા !
નર માદા થઈ દીયો નમી !
પડખા માંય કુંપની પેઠી
જાવા બેઠી હવે જમી. ૮

[હે હાદાના તનય ! એક વચન સાંભળ. હવે તો મરદો છો તે અબળાઓ બનીને નમી જાઓ. કેમકે હવે પડખામાં અંગ્રેજની કંપની પેઠી છે, હવે આપણી જમીન જવા જ બેઠી છે.]

બરબે હાદા-સતણ બોલિયો
કાકા ભીંતર રાખ કરાર !
જોગો કહે કરૂં ધર જાતી
(તો) વંશ વાળા લાજે અણવાર. ૯

(હાદા-સુતન જોગીદાસ ઉશ્કેરાઈને બોલ્યો કે હે કાકા ! તું હૃદયમાં ખાત્રી રાખજે. હું જોગો જો ધરતી જાવા જાઉં, તો તો અત્યારે આપણો

અસલ વાળા ક્ષત્રિયનો વંશ લાજે.]

મૂળુ કને આવીઆ માણા
કેા' મુંઝાણા કરવું કેમ !
વાળો કહે, મલકને વળગો
જેસા વેજા વળગ્યા જેમ. ૧૦

[જેતપુર મૂળુવાળાની પાસે માણસો (કાઠીઓ) આવ્યા. પૂછ્યું કે, કહો, હવે શું કરીએ ? વાળાએ કહ્યું કે, જેસા વજા જેમ બહારવટે નીકળી દેશને ધબેડતા તેમ તમે પણ ધબેડો.]

મરદાં સજો થાવ હવ માટી !
આંટી પડી નકે ઉગાર,
અધપતીઓના મલક ઉજાડો
ધાડાં કરી લૂંટો ધરાર. ૧૧

[હે મરદો ! હવે બહાદૂર થઈને સાજ સજો, હવે એવી આંટી પડી છે કે ઉગાર નથી. હવે તે રાજાઓના મુલકને ઉજ્જડ કરો. ધાડ પાડીને ધરાર લુંટો.]

એ કથ સુણી ભરિયા ઉચાળા
ગરના ગાળામાંય ગીયા,
વાંસેથી ખાચર ને વાળા
રાળા ટાળા કરી રીયા. ૧૨

(જેતપૂર મુળુવાળાનું આવું કથન સાંભળીને ખુમાણોએ ઉચાળા ભર્યા. ભરીને ગિરની ખીણોમાં ગયા. પણ પાછળથી ખાચરો અને વાળાઓ ખટપટ કરવા માંડ્યા.]

પરથમ એ ખૂટામણ પેઠું
બેઠું સહુ ગ્રહી ઘરબાર,
જોગો કરે ખત્રવટ જાતી
(તો) ભૂવણ શેષ ન ઝીલે ભાર. ૧૩

[પ્રથમ જ ખૂટામણ પેઠું. બધા પોતાનાં ઘરબાર ઝાલીને બેસી ગયા. ફક્ત એક જોગીદાસે કહ્યું કે જો હું ક્ષત્રીવટ જતી કરૂં, તો તો શેષનાગ પૃથ્વીનો ભાર ન ઝીલે.]

જૂસણ કસીઆ જોધ જુવાણે
ખૂમાણે સજીયા ખંધાર,
પૃથવી કીધી ધડે પાગડે
બાધે દેશ પડે બુંબાડ. ૧૪

[જુવાન જોદ્ધાઓએ બખ્તરો કસ્યાં. ખુમાણોએ અશ્વો સજ્યા. પૃથ્વીમાં નાસ ભાગ કરાવી મૂકી. આખા મુલકમાં બૂમો પડી.]

દીવ અને રાજૂલા ડરપે
શેષ ન ધરપે હેઠે સાંસ,
આવી રહે અચાનક ઉભો
દી' ઉગે ત્યાં જોગીદાસ ! ૧૫

[દીવ અને રાજુલા શહેરો ડરે છે. શેષનાગ જાણે કે નીચો શ્વાસ નથી મેલી શકતો. દિવસ ઉગે છે ત્યાં ઓચીંતો આવીને જોગીદાસ ઉભો રહે છે.]

આઠે પહોર ઉદ્રકે ઉના
ઘર જુના સુધી ઘમસાણ,
પાટણરી દશ ધાહ પડાવે
ખાગાં બળ ખાવે ખૂમાણ. ૧૬

[ઉના: શહેર આઠે પહોર ઉચાટમાં રહે છે. જૂનાગઢ સુધી ઘમસાણ બોલે છે. પાટણની દિશામાં પણ બહારવટીયા પોકાર પડાવે છે. તલવારને જોરે ખુમાણો ખાય પીવે છે.]

એ ફરીઆદ વજા કન આવી
અછબી ફોજ મગાવી એક,
લુંટી નેસ નીંગરૂ લીધા
ત્રણ પરજારી છૂટી ટેક. ૧૭

[આવી ફરીઆદ વજેસંગજીની પાસે આવી. એણે એક મોટી ફોજ

મગાવી. કાઠીઓનાં નેસડાં ઉચાળા લૂંટી લીધાં. કાઠીઓની ત્રણે શાખાઓની ટેક છૂટી ગઈ.]

ભૂખ્યા ગિરે ડુંગરે ભમીઆ
સોહડ જોખમિયા ભાઈયાં સાથ,
ગેલો હાદલ ચાંપો ગમિયા
નમિયા નહિ ખૂમાણા નાથ. ૧૮

[બહારવટીયા ભૂખ્યા ભૂખ્યા ગિરના ડુંગરામાં ભમ્યા. બહુ જોખમો ખમ્યાં. ગેલો ખુમાણ, હાદો ખુમાણ, ચાંપો ખુમાણ, વગેરેના જાન ગુમાવ્યા. છતાં પણ ખુમાણોનો નાથ જોગીદાસ ન નમ્યો.

ઠેરોઠેર ભેજીયાં થાણાં
કાઠી ગળે ઝલાણા કોય,
જસદણ અને જેતપર જબરી
ડરિયા મૂળુ ચેલો દોય. ૧૯

[વજેસંગે ઠેર ઠેર થાણાં મોકલ્યાં. કાઠીઓની ગરદન પકડી. જેતપુર ને જસદણ પર પણ જપ્તી આવી. એટલે મુળુ વાળો ને ચેલો ખાચર બન્ને ડરી ગયા.]

મુળુ ચેલો બેય મળીને
અરજ કરી અંગરેજ અગાં,
વજો લે આવ્યો સેન વલાતી
જાતી કણ વધ રહે જગ્યા ! ૨૦

[મુળુ ને ચેલો બન્નેએ મળીને અંગ્રેજ પાસે અરજ કરી કે આ વજેસિંગ ઠાકોરે વિલાયતી સેના-એટલે કે આરબોની સેના ઉતારી. તો હવે અમારો ગરાશ શી રીતે રહેશે ?)

અંગરેજે દીયો એમ ઉતર
સૂતર ચાલો છોડ સ્વભાવ,

આશ કરો જો ગરાસ ઉગરે
જોગીદાસ લે આવો જાવ. ૨૧

[અંગ્રેજે આવો ઉત્તર દીધો કે તમે તમારો લુંટારૂ સ્વભાવ છોડીને સીધા ચાલો, ને જો ગરાસ ઉગારવાની આશા રાખતા હો તો જાઓ, જોગીદાસને લઈ આવો !]

જોગા કને ગીઆ કર જોડી
ચેલો મૂળુ એમ ચવે,
ચરણે નમો વજાને ચાલો
(નીકર) હાલો પાવર દેશ હવે ! ૨૨

[ચેલો ને મૂળુ જોગીદાસ પાસે જઈ, હાથ જોડીને કહે છે કે કાં તો તમે વજેસંગજીને ચરણે નમો, નીકર ચાલો પાછા આપણા પૂર્વજોના વતન પાવર દેશમાં. કેમકે અહીં આપણને રહેવા નહિ આપે.]

જોગીદાસે મનમાં જાણ્યું
તાણ્યું વેર ન આવે તાલ,
આવ્યો શરણે વજો ઉગારે
મારે તોય ધણી વજમાલ. ૨૩

[જોગીદાસે મનમાં વિચાર્યું કે હવે વધુ વેર તાણવામાં ફાયદો નથી. વજેસંગજીને શરણે જ જઈએ. એ ઉગારશે ને કદાચ મારશે તો પણ એ માલિક છે.]

ખાળા ચાળા મેલ્ય ખુમાણે
વાળાનો લીધો વિશવાસ,
કૂડે દગો કાઠીએ કીધો
દોરી દીધો જોગીદાસ. ૨૪

[ખુમાણોએ તોફાન મૂકીને વાળા (મૂળુ)નો વિશ્વાસ કર્યો. કાઠીએ (મૂળુ અને ચેલાએ) જૂઠું બોલીને દગો દીધો. જોગીદાસને દોરી જઈ શત્રુના હાથમાં સોંપી દીધો.]

જોગો ભાણ કહે કર જોડી
કરડી કોપી પરજ કજા!

ગજરી વાર કરી ગોવીંદે
વાર અમારી ક્યે વજા ! ૨૫

[ભાણ જોગીદાસે હાથ જોડીને કહ્યું કે હે વજેસંગજી ! અમારી ૫રજની (જ્ઞાતિની) કુટિલતા અમે જોઈ લીધી, હવે તો ગજની વ્હાર જેમ ગેાવીંદે કરી હતી, તેમ તું અમારી વાર કર.]

મોટા થકી કદિ નહ મરીએ
અવગણ મર કરીએ અતપાત,
માવતર કેમ છોરવાં મારે
છોરૂ થાય કછોરૂ છાત્ર ! ૨૬

[હે મહારાજા ! ભલે અમે ઘણા અવગુણો કર્યા છે, છતાં મોટા દિલના પુરૂષને હાથે અમને મરવાની બ્હીક નથી. છોરૂ કછોરૂ થાય પણ માવતર છોરૂને કેમ મારે ?]

અવગણ તાજી લીયા ગણ અધપત
મહે૫ત બાધા એમ મણે,
જોગીદાસ વલ્યાતે જાતો
તે દિ રાખ્યો વખત તણે. ૨૭

[અધિપતિએ-રાજાએ અવગુણ તજીને ગુણ લીધો. અને આજે બધા રાજાઓ એમ કહે છે કે જોગીદાસને તે દિવસે અંગ્રેજના હાથમાં ચડીને વિલાયત જતો બચાવનાર તો વખતસિંહજીના પુત્ર વજેસંગ જ હતા.]

પીડ ખુમાણાં તણી પિછાણી
ધણીઅત જાણી. વડા. ધણી
મારૂ રાવ ! વજા મહારાજા !
તું માજા હિન્દવાણ તણી. ૨૨

[તેં ખુમાણોની પીડા પિછાની; અને હે સમર્થ માલિક! તેં તારો સ્વામી-ધર્મ સમજી લીધો. હે મારૂ (મારવાડથી આવેલા) રાવ!

હે વજેસંગ મહારાજ ! તું હિન્દુઓની શોભા રૂપ છે.]
૨૦
ઈતિહાસમાં સ્થાન

[સૌરાષ્ટ્ર વિષેનાં ઐતિહાસિક પુસ્તકો પૈકી ફક્ત આ બેમાં આટલો જ ઉલ્લેખ છે. અને તેટલાની પણ પ્રામાણિકતા અચોક્કસ છે. કેમકે એણે ભાવનગર રાજ્યના જ એક અહેવાલનો આધાર લીધો છે.]

કેપ્ટન બેલનું કથન
['History of kathiawar' નામના પૂસ્તકમાંથી]

પાનું ૧૬૮: “હવે વખતસિંહજીનું ધ્યાન કુંડલાના મામલા તરફ ખેંચાયુ. એ મહાલ આલા ખુમાણ નામના કાઠીના હાથમાં હતો. આલાને છ દીકરા હતા: ભોજ, મુળુ, હાદો, લૂણો, સૂરો, ને વીરો: ઈ. સ. ૧૭૮૪માં આલો ખુમાણ મરી ગયો ત્યારે ગરાસની વહેંચણીમાં છ યે ભાઈઓને ટંટો થયો. એમાંના ભેાજ ખુમાણને એમ લાગ્યું કે ખાસ કરીને વહેંચણીમાં એને જ નુકશાની ગઈ, તેથી તેણે વખતસંગજીની પાસે જઈને અમૂક હક્કો રાખીને પોતાના ભાગનો બધો ગરાસ સોંપી દીધો. સોંપીને એ કુંડલે પાછા આવ્યા ત્યારે આવું આચરણ કર્યાને કારણે પોતાના બધા ભાઈઓ પોતાને મારી નાખવા તૈયાર દીઠા. ભોજ ખુમાણે મદદ માટે ભાવનગરની પાસે માગણી કરી. અને વખતસિંહજીએ કુંડલા શહેરનો કબજો લેવા અને ભોજ ખુમાણના હિતને રક્ષવા સારૂ ફોજ મેાકલી. પણ બાકીના પાંચ ભાઈઓ સામા થયા, ને ફોજને પાછી હાંકી મૂકી. આ સ્થિતિમાં બે ભાઈઓ જુનાગઢ ગયા, અને ભોજ ખુમાણે જે લાલચ વખતસિંહજી ગોહિલને આપેલી તેજ લાલચો નવાબ હામદખાનને આપી, પોતાના ભાઇ મૂળુ ખુમાણ સામે સહાય માગી. નવાબે પણ કુંડલા ફોજ મેાકલી, અને એને પણ મૂળુ ખુમાણે હાંકી મૂકી.

હવે જુનાગઢ તો અમરજીના મૃત્યુ પછી અંધાધુંધીમાં પડ્યું હતું. તેથી નવાબને ફરી વાર હલ્લો કરવાના સંજોગો નહોતા, તેથી ઈ. સ. ૧૭૯૦માં વખતસિંહજીને લાગ્યું કે કુંડલા માથે મોટી ફોજ લઈ જઈ, ત્યાં પેાતાની આણ સ્થાપવાની તક છે. ભોજ સિવાયના બીજા તમામ ભાઈઓએ એનો સામનો કરવાનું નક્કી કર્યું અને બે દિવસની ઉગ્ર લડાઈ પછી કાઠીઓએ રાતને વખતે સામો હલ્લો કર્યો. પરંતુ વખતસિંહજીને આ વાતની જાણ થઈ ગઈ હતી, તેથી તેણે કાઠીઓને પાછા હાંક્યા, ને બીજી બાજુ તેઓને પાછા કુંડલે પહોંચતા અટકાવવા માટે એક સૈન્ય મોકલ્યું. આ યુદ્ધકૌશલના પરિણામે કાઠીઓ નોખનોખી દિશામાં નાસી છૂટ્યા. અને વખતસિંહજી કુંડલામાં દાખલ થયા.

થોડા દિવસમાં જ કાઠીઓ મીતીઆળે ભેળા થયા. ત્યાં જુનાગઢની નાની ફોજ પણ તેએાની મદદે પહોંચી, પરંતુ કુંડલા હાથ કરવા માટે આ એકત્રિત સેના પણ પૂરતી નહોતી. અને બીજી બાજુ વખતસિંહજીએ કાઠીઓની આનાકાની પારખીને પોતે જ સામાં પગલાં ભર્યાં. મીતીઆળા પર કૂચ કરી, અને ત્યાં પણ કુંડલાની માફક જ ફતેહ મેળવી. કુંડલા અને લીલીઆ આ બન્ને કબ્જે કર્યાં.

* * *

પાનું ૧૯૯ : ઈ. સ. ૧૮૧૬માં વખતસિંહજીનું મૃત્યુ થતાં કાઠીઓએ પોતાને માટે કાળ ગયો માન્યો. અને ૧૮૨૦માં કુંડલાના ખુમાણ કાઠીઓએ હાદા ખુમાણની સરદારી નીચે બાબરીઆધાર અને બારબટાણા ગામ બાળ્યાં, અને મીતીઆળા તથા નેસડી લુટાયાં. આ સાંભળીને કુંડલા મુકામના ભાવનગરી ફોજના સરદારે અમરેલી તથા લાઠીની ફોજની મદદથી કાઠી પર ચડાઈ કરી. પરંતુ કાઠીઓ છટકીને ગીરનાં આશ્રયસ્થાનોમાં ચાલ્યા ગયા. એમાંથી હાદા ખુમાણનો દીકરો ગેલો ખુમાણ પાછળ રહી ગયો, એણે આંબા ગામમાં આશ્રય લીધો, અને ત્યાં લાઠીની ફોજ સાથે યુદ્ધ થતાં એ ગોળીથી ઠાર થયો.

પાનું ૧૯૯ : દીકરા ગેલાના મોતની વાત સાંભળી હાદા ખુમાણે કુંડલા તાબાના વંડા ગામ પર હુમલાની ગોઠવણ કરી. ૧૮૨૧માં વંડા ભાંગ્યું, પણ લુંટનો માલ લઈને ગીર તરફ નાસતાં ડેડાણ પાસે તેઓને કુંડલાવાળી કાળા ભાટીની ફોજ આંબી ગઈ. કાઠીઓ હાર્યા, લુંટનો માલ મૂકીને નાસ્યા. નાસતાં નાસતાં જોગીદાસ ખુમાણનો દીકરો માણસૂર ખુમાણ ગોળી ખાઈને પડ્યો, અને એનો ભાઈ લાખો ઘવાયો. આવી જાતના પરાજય અને નુકશાનોથી રોષે ભરાયેલા બહારવટીયા ફરી પાછા વધુને વધુ હઠીલાઈથી તેમજ ઝનૂનથી આવીને કુંડલા પ્રદેશમાં લુંટફાટ કરવા લાગ્યા. એથી દેશમાં એટલી બધી તો મુસીબત વધી કે ઈ. સ. ૧૮૨૨માં કેપ્ટન બાર્નવેલ નામનો પોલીટીકલ એજન્ટ એક સૈન્ય લઈને અમરેલી ગયો, અને વજેસંગજી ગોહિલને તથા બીજા તમામ પાડોસી રાજાઓને મળવા તેડાવ્યા. બહારવટીઆનો નાશ કરવા માટે તેઓનો સહકાર માગ્યો, અને સુલેહ જાળવવામાં તથા ગુન્હેગારોને સજા કરવામાં તેઓને પોતે બનતી સહાય આપવા વચન દીધું.

આ પરથી વજેસંગજી ઠાકોર આ આક્રમણકારીઓને ઘેરી લેવાની પેરવી કરવા માટે કુંડલા ગયા, ત્યાં એને માલુમ પડ્યું કે ખુમાણોને તો જેતપુર ચીતળના વાળા કાઠીઓ ચડાવે છે અને મદદ કરે છે. એણે આ વાત કૅ. બાર્નવેલને લખી. એણે વાળા સરદારોને બોલાવ્યા તેઓએ આ વાતનો ઇન્કાર કર્યો. છતાં તેઓના જામીન લેવાયા.

આટલું થયું ત્યાં તો ખુમાણોએ ભાવનગરનું જૂનવદર ગામ ભાંગ્યું, અને ઘણાં ઢોર ઉપાડી ગયા. તેઓનો પીછો લેવાયો. જેતપુર કાઠીનાં ઘૂઘરાળા અને વાલરડી ગામોમાં તેઓ સંતાયા હોવાનું માલુમ પડ્યું. વજેસંગજીને ખબર પહોંચ્યા, અને એણે કુંડલાથી મોટી ફોજ મોકલી. રાતોરાત ૩૬ માઈલ ચાલીને ફોજ પ્રભાતે ઓચીંતી વાલરડી આવી, અને જોગીદાસના બે દીકરા હરસુર તથા ગોલણને તેમ જ દીકરી કમરી બાઈને કબ્જે કર્યા.

પછી તુરત ફોજ ઘૂઘરાળે ગઈ પણ મોડું થઈ ગયું હતું. હાદા ખુમાણ સિવાયના બીજા તમામ ભાગી ગયા. હાદા ખુમાણે તાબે થવા ના પાડી. એથી એને મારી નાખી એનું માથુ વજેસંગજીને મોકલી દેવામાં આવ્યું.

એણે કૅ. બાર્નવેલને ખબર આપ્યા. જેતપુર કાઠીઓની આ બહારવટાંમાં સામેલગીરી હોવાની સાબીતીઓનો હવે કાંઈ અભાવ નહોતો. તેએાને તેડાવીને કૅ. બાર્નવેલે કેદમાં નાખ્યા. પછી એવી શરતે છોડ્યા કે તેઓએ બાકી રહેલા ખુમાણ બહારવટીયાઓને પકડીને વજેસંગજીને સોંપવા.

* * *

તેઓએ બહારવટીયાનો પીછો લઈ જોગીદાસ તથા તેના છ સગાએ કે જેo એ બહારવટામાં સરદારો (ring leaders) હતા તેઓને પકડ્યા. કૅ. બાર્નવેલે એ બધાને કેદમાં નાખ્યા.

એમાંથી બે જણા કેદમાંજ મરી ગયા. બાકીના બધાને, જસદણના ચેલો ખાચર, ભડલી ભાણ ખાચર, બગસરા હરસુરવાળા, ડેડાણનો દંતો કોટિલો વગેરે કાઠી રાજાઓ કે જેને બાર્નવેલે જેતપુરના હામી તરીકે અટકાવેલા તે સહુના હાથમાં સોંપવામાં આવ્યા. તેઓ આ બહારવટીયાઓને ૧૮૨૪માં ભાવનગર લઈ ગયા. વજેસંગજી સાથે વિષ્ટિ ચાલી. પણ કાંઈ સમાધાની ન થવાથી આ હામીઓ ખુમાણોને લઈ પાછા પોતપોતાને ગામ ચાલ્યા ગયા.

૨૦૧ : વજેસંગજીના મનની આવી ડામાડોળને પરિણામે ફરીવાર વર્ષને અંતે ખુમાણો બહારવટે નીકળ્યા, અને ભાવનગરનું ગામ જેસર ભાંગ્યું. મહુવા ને કુંડલાની સરબંધી આ ખુનીઓની પાછળ છેક મીતીઆળા સુધી પહોંચી, ને ત્યાં ચાંપો ખુમાણ કામ આવ્યો. બાકીના બધા ગિરમાં નાસી ગયા અને ભાવગરની ફોજને પાછા વળવું પડ્યું.

૨૦૫ : જોગીદાસ ખુમાણે હવે ભાવનગર શહેરનેજ લુંટવાનો નિરધાર કર્યો. પાલીતાણા જઈને એણે જુનાગઢ તથા ભાવનગર રાજના બહારવટીયાઓની ફોજ તૈયાર કરી. તેમાં હાલરીયાના ઓઘડ માત્રો પણ હતા. પાલીતાણા દરબાર કાંધાજીએ પણ માણસો તેમજ સાધનોની મોટી મદદ કરી. પૂરતી ફોજ લઈને જોગીદાસે નાગધણીબા ગામ પર પડી ગામ બાળ્યું. પણ પછી ભાવનગર લુંટવાનો ઈરાદો છોડી દઈને પાછા વળ્યા ને માર્ગે આવ્યાં તે બધાં ગામને લુંટતો તથા મોલાતનો નાશ કરતો ગયો.

વજેસંગજીએ કાઠીઓનો રસ્તો રૂંધવા એક ફોજ પાલીતાણે મેાકલી, પેાતે ચારસો માણસોની ફોજ લઇ લુંટારાઓની પાછળ ચડ્યા, અને શેત્રુંજી કાંઠે ટીમાણીઆ ગામ પાસે આંબ્યા. આંહી એક સામસામુ યુદ્ધ મંડાયું જેમાં કાઠીઓ હાર્યા, પણ પેાતાની નિત્યની યુક્તિ મુજબ તેએા વિખરાઈને ગીરમાં, બીજી લુંટની તૈયારી કરવા ચાલ્યા ગયા.

ગીરમાં જોગીદાસ આળસુ બનીને ન પડ્યો રહ્યો. થોડા જ મહિના પછી એ ફોજ લઈને નીકળ્યો અને હળીઆદ ઉપર ચડ્યો. ફરી પાછી શિહોરથી ફોજ મેાકલવામાં આવી પણ એ જોગીદાસને ન પકડી શકી. સમઢીયાળા પાસે તો ભાવનગરની ફોજ આંબી ગઈ, છતાં લુંટનો માલ રોકવા જેટલી પણ એ ફોજ ફાવી નહિ.

૧૮૨૭ : ખુમાણોએ ફરીવાર ભાવનગરના પ્રદેશ પર હુમલા કર્યા. દિહોર લૂંટ્યું. ત્યાં રહેતા થાણાને હરાવ્યું. પણ તે પછી ટાણાથી મોકલાએલી ફોજને હાથે તેઓએ હાર ખાધી. ટાણાની ફોજે તેઓને પાલીતાણા સુધી તગડ્યા. ઉપરાઉપરી થતા આવા હુમલાઓએ વજેસંગજીને બહુ થકવી દીધા. સાચા જીગરથી એને સુલેહ કરવાની ઈચ્છા થઈ. એટલે એણે કાઠીઓ પાસે કહેણ મોકલાવ્યું કે “જો તમે ભાવનગર આવો તો ફરીવાર સુલેહની વાટાઘાટ કરવા હું તૈયાર છું.”

કાઠીઓ કબૂલ થયા. એક વરસ સુધી વાટાઘાટ ચાલ્યા પછી ૧૮૨૯માં કરારો નક્કી થયા. તેમાં કાઠીઓએ નેસડી, છરા, વીજપડી, ભીમોદરા, મીતીઆળાનો અમૂક હિસ્સો, પોતે રાજ્યને નુકશાન કરેલું તેમાં બદલા તરીકે રાજ્યને આપવાનું કબૂલ કર્યું. આ કરારો મુંબાઈ સરકારને પેાલી. એજન્ટ મી. બ્લેર્ને મોકલ્યા. અને તે મંજૂર થયા.

કીનકેઇડનું કથન
“Outlaws of Kathiawar”

પ્રકરણ ૨ : પાનું ૧૫

“કાઠીઆવાડના બહારવટીયાના મેં ત્રણ વિભાગ પાડ્યા છે : એક ગીરાસીઆ બહારવટીયા, બીજા વાઘેરો, ને ત્રીજા મીયાણા : પહેલાં વિભાગમાં ઘણાં જાણીતાં નામો ગણાય છે, કે જેમાં એક નાજાવાળો (એ નાજાવાળાને એક દુહામાં, વરસાદની ગર્જના સાંભળી પેાતાનો કોઈ હરીફ ગર્જતો માની માથાં પછાડી મરનાર સાદુળા સિંહની સાથે સરખાવવામાં આવ્યો છે અને બીજો આંબરડીનો જોગો ખુમાણ પણ બોલાય છે. આ જોગો ખુમાણ, ખરી રીતે તો બહારવટીયો નહિ પણ બળવાખોર કાઠીઓની ટોળીનો સરદાર હતો. પરંતુ જોગો ખુમાણ તો મને મારા સંશોધનની અંદર મળેલા એક ઉત્કૃષ્ટ દુહા માયલો વીર હતો:

ધ્રુવ ચળે મેરૂ ડગે, *[]મહીપત મલે માન
જોગો કીં જાતી કરે, ક્ષત્રીવટ ખુમાણુ


The Stars may fall from heaven's dome,
*The pride of thrones depart :
Yet valour still will make her home
In Joga Khuman's heart.


  1. *'મહદધ મેલે માન જોઈએ' મહદધ : સમુદ્ર