માનનીય લેજિસ્લેટિવ કાઉન્સિલ અને માનનીય લેજિસ્લેટિવ ઍસેમ્બલીના માનનીય સભ્યો જોગ સાહેબો,
મારું નામ આપ્યા વગર આ હું તમને નનામું લખી શકયો હોત તો મને ઘણો આનંદ થાત, પણ આ પત્રમાં મારે જે વિધાનો કરવાનાં થશે તે એટલાં ગંભીર અને મહત્ત્વનાં છે કે મારું નામ જાહેર ન કરવું એ માત્ર કાયરતાનું કામ ગણાય. છતાં હું તમને સૌને ખાતરી આપવાની રજા ચાહું છું કે કોઈ સ્વાર્થી હેતુથી, અથવા મારી જાતને આગળ વધારવાને ખાતર, અથવા યેન કેન પ્રકારેણ મારી આબરૂ વધારવાને માટે હું લખતો નથી. મારો એકમાત્ર આશય હિંદુસ્તાન જે જન્મના અકસ્માતને કારણે મારા વતનના મુલક તરીકે ઓળખાયો છે તેની સેવાનો અને આ સંસ્થાનમાં વસતી કોમોના યુરોપિયન અને હિંદુસ્તાની વિભાગ વચ્ચે વધારે સાચી સમજ કેળવવાનો છે.
તે કામ માત્ર જેઓ જાહેર પ્રજામતના પ્રતિનિધિ છે અને તેની સાથે તે અભિપ્રાયને ઘાટ આપે છે તેમને અપીલ કરવાથી થઈ શકે.
તેથી, સંસ્થાનના યુરોપિયનો અને હિંદુસ્તાનીઓ કાયમ ઝઘડાની સ્થિતિમાં રહેશે તો તેના અપજશનો ટોપલો તમારે માથે આવશે. બંને સાથે હળીમળીને ચાલતા થશે અને શાંતિથી એકબીજા સાથે ઘર્ષણ વગર રહી શકશે તો તેનો બધો જશ પણ તમને જ મળશે.
દુનિયાભરમાં આમલોકો ઘણે મોટે ભાગે પોતાના આગેવાનોના અભિપ્રાયોને અનુસરે છે એ વાત સાબિતી આપીને પુરવાર કરવાની રહેતી નથી. ગ્લૅડસ્ટનના અભિપ્રાય અર્ધા ભાગના ઇંગ્લંડના અભિપ્રાય છે અને સેલિસબરીના બીજા અર્ધા ભાગના છે. બંદરના કામદારોની હડતાળ વખતે હડતાળિયાઓને માટે વિચારવાનું કામ બર્ન્સ જેવો કોઈક આગેવાન કરતો હતો. લગભગ : આખા આયર્લેન્ડને માટે પ્રાર્નેલ વિચારતો. શાસ્ત્રો, મારા કહેવાની મતલબ એવી છે કે અાંખી દુનિયાનાં શાસ્ત્રો એમ જણાવે છે. એડવિન આર્નોલ્ડ કૃત सॉंग सेलेश्चियल [૨] કહે છે: “શાણા લોકો જે પસંદ કરે છે તે બીજા ઉપાડી લે છે; શ્રેષ્ઠ માણસો જે કરશે તેને સમુદાય અનુસરશે.”
આ પત્રને માટે તેથી માફી માગવાની જરૂર નથી. તે લખવામાં અવિવેક થયેલો પણ ભાગ્યે જ કહી શકાશે.
કેમ કે વધારે યથાર્થ રીતે આવી અપીલ બીજા કોને થઈ શકે એમ છે? અથવા તમારા સૌના સિવાય તેના પર બીજા કોણે વધારે ગંભીરતાથી વિચારણા કરવાની છે?
- ↑ ૧. ૧૮૯૪ની સાલના ડિસેમ્બર માસની ૧૯મી તારીખે આ પત્ર નાતાલના યુરોપિયનોમાં ફેરવવામાંઆવ્યેા હતેા (જુએ આગળ પા. ૧૨૩) તેથી એ તે પહેલાં તૈયાર થયેલા હોવા જોઈએ
- ↑ ૨. શ્રીમદ્ ભગવદ્ગીતાના નીચે આપેલા શ્લોકનું કવિતા પંક્તિએામાં અંગ્રેજી રૂપાંતર :
यद्यदाचरति श्रेष्ठस्त्रत्तदेवेतरो जनः। स यत्मामाणम दुरुते लोकस्तदनुवर्तते॥