પૃષ્ઠ:Balvartao.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બચ્ચાંએ તો ખૂબ ખાધું, પીધું ને સારી રીતે જાડું થયું. પછી તો મોટી માને કહે, 'મા ! મને એક ચામડાનું ઢોલકું કરી આપો એટલે હું એમાં બેસીને જાઉં, ને મને કોઈ ઓળખે નહિ, મને તેથી કોઈ ખાય નહિ.'

મોટી માએ તો બચ્ચાને માટે એક સારું મજાનું ઢોલકું બનાવ્યું, અંદર રૂપાળું રૂ પાથર્યું. પછી તેની અંદર બચ્ચું બેઠું. પછી ઢોલકાને જે ધક્કો માર્યો ને, તે ઢોલકું દડતું ચાલ્યું. ત્યાં રસ્તામાં ગરુડ મળ્યું. ગરુડ કહે, 'ભાઈ ! ક્યાંય ઘેટાનું બચ્ચું જોયું ?'

ઢોલકામાંથી બચ્ચું બોલ્યું,

'ક્યાંનું બચ્ચું, ક્યાંનો તું ?
ચલ ઢોલકડા ઢમકા ઢુ !'

આમ જવાબ આપતું આપતું ઘેટું ઘણે દૂર નીકળી ગયું. છેવટે શિયાળભાઈ મળ્યા. શિયાળ કહે, 'ક્યાંય ઘેટાનું બચ્ચું દીઠું ?'

અંદરથી બચ્ચું બોલ્યું,

'ક્યાંનું બચ્ચું, ક્યાંનો તું ?
ચલ ઢોલકડા ઢમકા ઢુ !'