પૃષ્ઠ:Balvartao.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સમળી કહે : 'ઠીક દીકરી ! તો કાલે ચંદનહાર લઈ આવું. પણ વખતે લાવતા લાવતા બે દિ' મોડુંય થઈ જાય. ચંદનહાર તો કોક રાજાને ઘેર કે મોટા નગરશેઠને ત્યાં હોય. મોડી આવું તો મૂંઝાઈશ નહિ.'

સમળી તો ચંદનહાર લેવા ઊડી. એક દિવસ થયો, બે દિવસ થયા, ત્રણ દિવસ થયા, પણ ક્યાંય ચંદનહાર હાથ ન આવે. ચંદનહાર ક્યાંકથી મળે ત્યારે સમળી પાછી આવે ને ?

રંભા તો માળામાં બેઠી બેઠી સમળી માની રાહ જુએ છે. આજ આવશે, કાલ આવશે, એમ કરતી વાટ જોતી બેઠી છે. ત્યાં તો એક રાજાનો કુંવર શિકારે નીકળેલો તે માળા પાસે આવ્યો. રંભાને જોઈને એ તો ખુશખુશ થઈ ગયો. રંભાને તો એ પોતાને મહેલ લઈ ગયો.

ચોથો દિવસ થયો ત્યાં તો સમળી ચંદનહાર લઈને આવી.

પણ માળામાં રંભા તો ન મળે !

સમળી કહે : 'રંભા ક્યાં ગઈ હશે ?'