પૃષ્ઠ:Balvartao.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઘણા સાદ પાડ્યા પણ રંભા આવી નહિ. સમળી તો રોવા માંડી. ખૂબ ખૂબ રોઈ, ધ્રુસકે ધ્રુસકે રોઈ પણ રંભા ક્યાંથી આવે ? એ તો રાજાના કુંવર સાથે મહેલમાં રમતી'તી, ખાતી'તી ને મજા કરતી'તી.

સમળી તો રોઈ રોઈને થાકી. પછી કહે 'ચાલ, ક્યાંક ગોતું !'

સમળી તો ઊડી.

દરેક ઘરને છાપરે જઈને બેસે ને બોલે : 'મારી રૂપાળી બાને, મારી રાધિકા બાને, કોણ હરી ગયું ? કોણ જીતી ગયું< ? કોણે દીધા વનવાસ ?

સમળી ગામોગામ ફરે અને છાપરે છાપરે બેસીને બોલે. એમ કરતાં કરતાં જે ગામમાં રંભા હતી તે ગામમાં સમળી આવી અને રાજાના મહેલની જ ઉપર બેસીને બોલી : 'મારી રૂપાળી બાને, મારી રાધિકા બાને, કોણ હરી ગયું ? કોણ જીતી ગયું ? કોણે દીધા વનવાસ ?

હીંડોળા ઉપર બેસીને રંભા ખટક ખટક હીંચકતી હતી. એને કાને સમળીનો અવાજ આવ્યો.