પૃષ્ઠ:Balvartao.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


સોનબાઈ ને બગલો

એક હતી સોનબાઈ. રૂપ રૂપનો અવતાર. એક વાર સોનબાઈ બહેનપણીઓ સાથે ધૂળ લેવા ગઈ. સોનબાઈ ખોદે ત્યાં સોનું નીકળે. બીજી છોકરીઓ ખોદે ત્યાં ધૂળ નીકળે. બધી છોકરીઓ સોનબાઈ ઉપર તો ખારે બળવા લાગી. બધી છોકરીઓ પોતપોતાના સૂંડલા માથે ચડાવી સોનબાઈને એકલી મૂકીને ચાલી ગઈ.

સોનબાઈ તો એકલી રહી. સૂંડલો ચડાવવા ઘણી મહેનત કરે પણ કેમે કર્યો ચડે જ નહિ. ત્યાં તો એક બગલો નીકળ્યો. સોનબાઈ કહે, 'બગલા, બગલા ! આ જરા સૂંડલો ચડાવને !'

બગલો કહે, 'તું મને પરણ તો તને સૂંડલો ચડાવું.'

સોનબાઈએ 'હા' પાડી ને બગલે સૂંડલો ચડાવ્યો. સૂંડલો લઈ સોનબાઈ ઘર ભણી ચાલી એટલે બગલો વાંસે વાંસે ચાલ્યો. સોનબાઈએ તો ઘરે આવીને પોતાની માને બધી વાત કહી.