પૃષ્ઠ:Balvartao.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મા કહે, 'હવે ઘરમાંથી ક્યાંય બહાર જઈશ નહિ. જો બહાર જઈશ તો વખતે બગલે ઉપાડી જશે.'

બહાર ઊભો ઊભો બગલો આ વાત સાંભળી ગયો. એ તો ખૂબ ખિજાયો. એણે બધા બગલાને બોલાવ્યા ને કહ્યું, 'આ નદીનું પાણી પી જાઓ.' ત્યાં તો બધા બગલા પાણી પીવા માંડ્યાં. ઘડીકમાં નદી સાવ સુકાઈ ગઈ.

બીજો દિવસ થયો ત્યારે સોનબાઈનો બાપ ભેંસો લઈને નદીએ પાણી પાવા ગયો. જઈને જુએ તો નદીમાં કાંકરા ઊડે ! એણે તો કાંઠે ઊભેલા પેલા બગલાને કહ્યું :

'જળ મેલો ને આબક બગલા
જળ મેલો ને ચાબક બગલા
ઘોડા ઘોડારમાં તરસ્યા મરે છે,
ગાય ગવરી તરસી મરે છે.'

બગલો કહે, 'તમારી દીકરી સોનબાઈને મારી સાથે પરણાવો તો જળ મેલું. બાપે તો હા પાડી એટલે બગલાએ નદીમાં જળ મેલ્યું. નદી પાછી હતી એવી પાણીવાળી થઈ ગઈ.