પૃષ્ઠ:Balvartao.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વરુએ કહ્યું, 'ઘોડાભાઈ ! તમે ચૂપ રહો. રીંછ-બીંછ હશે તો આપણી ચટણી બનાવીને ખાઈ જશે.'

બન્ને ભાગ્યાં. ભાગદોડમાં બન્ને છૂટાં પડી ગયાં. ઘોડાએ વિચાર્યું, આ વરુ રીંછથી બીએ છે. એનાથી રીંછ વધુ શક્તિશાળી હશે ત્યારે ને !

આપણે તો વધુ શક્તિશાળી હોય તેની સાથે જ દોસ્તી રાખવી.

ઘોડાએ વરુની દોસ્તી તોડી નાખી. એને એક રીંછ મળ્યું. તેની સાથે દોસ્તી બાંધી. બન્ને સાથે રહેવા લાગ્યાં. સાથે ફરવા લાગ્યાં.

એક દિવસ રાત્રે અચાનક ઘોડાને શિકારી પ્રાણીની ગંધ આવી. તે તો હણહણાટી પર હણહણાટી કરવા લાગ્યો.

રીંછ ગભરાયું. તેણે કહ્યું, 'ઘોડાભાઈ ! ચૂપ રહો. નજીકમાં સિંહ-બિંહ હશે તો તમારો અવાજ સાંભળી અહીં આવી પડશે અને આપણી કચુંબર કરી નાખશે.'