પૃષ્ઠ:Balvartao.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ત્યાં જ સિંહની ત્રાડ સંભળાઈ. બન્ને જીવ લઈને નાઠાં. રીંછ ધીરું અને ઘોડો તેજ. એ તો દોડતો દોડતો ક્યાંનો ક્યાં પહોંચી ગયો.

ઘોડાને વળી વિચાર આવ્યો કે, આ રીંછ સિંહથી બીએ છે. માટે એના કરતાં સિંહ વધુ શક્તિશાળી. આપણે તો બસ શક્તિશાળી હોય તેની સાથે જ દોસ્તી રાખવી.

ઘોડાએ રીંછની દોસ્તી તોડી નાખી અને પહોંચી ગયો સિંહ પાસે. સિંહને કહ્યું, 'હે સિંહ ! તું મારી સાથે દોસ્તી કર.' સિંહ એકલો જ હતો. એને થયું, ચાલો બે જણા હશે તો સમય જલદી વીતશે. એટલે બન્ને દોસ્ત બન્યા. બન્ને પોતાના અનુભવોની વાત કરે અને ફરે.

એક વાર ફરી ઘોડાને કંઈ શિકારી પ્રાણીની ગંધ આવી. એ તો બે પગે ઊભો થઈ હણહણવા લાગ્યો.

સિંહે કહ્યું, ચૂપ થઈ જા. આટલા તેટલામાં કોઈ માણસ હશે તો આપણા બન્નેનું આવી બનશે.'