પૃષ્ઠ:Kashmirano Pravas.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઘણું દૂર છોડી દીધું હતું. નદીના કિનારાની આસપાસ માત્ર મેદાનો અને દૂર પર્વતો હતા. પાણી ધીમે ધીમે વહેતું હતું અને તેમાં સૂર્યના હલતાં લાલ પ્રતિબિંબ પડવાથી ઘુમ્મર ગેરૂ જેવું દીસતું હતું. પર્વતો, પૃથ્વી, પાણી આકાશ અને ઊંચી ટેકરીઓપરના બરફ્નો રંગ સૂર્ય વધારે ઊંચે ચડ્યો તેથી બદલાઈ ગયો અને ટાઢ પણ ઓછી થઈ, આકાશ નિર્મલ આસ્માની, અને પ્રકાશિત થયું; માત્ર કોઈ કોઈ ડુંગર પર જ વિરલ વિરલ વાદળાં નજરે પડતાં હતાં. બતકની હારો અને નાની નાની માછલી પાણીની ઉપર અને અંદર આમતેમ દોડતી દેખાતી હતી. ક્યાંઈ સારસ જોડાં ધીમી ગતિથી આમતેમ ફરતાં દેખાતાં હતાં. પાણીમાં વેલા ક્યાંઇ ક્યાંઇ છવાયેલા હતા. રમણીય ફુલોની ઝાકળથી ભીની પાંખડીઓ અહીં તહીં કિનારા પર ચળકતી હતી. કેટલાંક પક્ષી ઝીણી મચ્છી મારવા ઉંચેથી પાણીમાં પડતાં હતાં. અને પાછાં બહાર નીકળતાં હતાં. આવા સુંદર દેખાવો જોતા જોતાં અમે ચાલ્યા જતા હતા. થોડી કસરત થાય તે માટે થોડો વખત હલેસાં મારી અને રસોડાની કિસ્તીમાં જઈ ચા પી પાછા અમારા તુતકપર આવી કુદરતી આશ્ચર્યકારક લીલા જોવા બેઠા. બરફનો દરેક ડુંગર અમે એક પછી એક છોડવા લાગ્યા, તેઓ અદ્રશ્ય થઈ જવા લાગ્યા અને પૃથ્વીમાં ડૂબી જવા લાગ્યા.

૨. ચા પીધા પછી માનસબલ જે પાસે જ હતું તે જોવા અમારે જવું હતું પણ પ્રાણજીવનદાસભાઈની કિસ્તી ઘણીજ અગાડી ચાલી ગઈ હતી તેથી એકલા તે તળાવમાં જવું એ અમને વાજબી ન લાગ્યું કેમકે વખતે તોફાન થાય તો સારું નહીં : એમ વિચારી અમારી કિસ્તી અમે અગાડી ચલાવી. ગુરુજનની આજ્ઞા વિના કાર્ય કરવું એ મૂર્ખાઇ છે. આ વખતે નદીના પાણીની ગતિની દિશાએ જ ચાલવાનું હતું તેથી કિસ્તીને ખેંચવી પડતી નહતી પણ હલેસાંથીજ વધારે ઝડપથી ચાલતી હતી.

૩. અમે દિવસનો ઘણો ભાગ તુતક પરજ બેસી રહ્યા કેમકે બપોરે