પૃષ્ઠ:Kashmirano Pravas.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

એન્જીન અને સાંચાથી થાય છે. આ પાટીયાં કાશ્મીરમાં કામ આવતા નથી પણ એકસોથી વધારે માઇલ દૂર મોકલી આપવાનાં છે. મજુર ગાડાં અથવા ખટારા પર, આ પાટીયાં તેટલે દૂર મોકલાવાતાં નથી, પણ પચાસ સાઠ પાટીયાં તૈયાર થયાં કે તુરતજ જેલમ નદીમાં ફેંકી દેવામાં આવે છે. તેથી વેન સાથે તણાતાં ચાલ્યાં જાય છે. નવાઇ જેવું એ જ છે કે આ પાટીયાં વેનમાં ઘણી વખત કીનારે ચડી જાય છે, છતાં કોઈ માણસ તેને ઉપાડી જતું નથી, પણ પાછાં નદીમાં ફેંકી દે છે. વળી કદાપિ કેટલાંક લાકડાં ખોવાતા પણ હશે તોપણ આ જગ્યાએ લાકડાની એટલી છત છે કે તે ખોટ કાંઇ નજરમાં લાવવા જેવી નથી.

૮. એક વાગ્યો. આ દીવાલ સાથે અથડાતું પાણી, જેલમ નદીને આ જગ્યાએ એક બીજી નદી મળે છે તેથી થતો મોટો અવાજ, ગુલાબનાં આ સુંદર પુષ્પ, અને આ ઝૂલાપૂલ છોડી ચાલવાનો વખત થ‌ઇ ગયો. "મે અને મેમાન કેટલા દિવસ" !

૯. કાશ્મીરની હદમાંથી ગાડી અથવા એક્કા ભાડે કર્યા હોય તેઓને માટે અહીં કાંઇક દાણ આપવું પડે છે. દાણ લેનારા માગવા આવ્યા પણ અમે ગાડી તેમજ એક્કા રાવલપિંડીથી ભાડે કરેલા હતા તેથી કાંઇ આપ્યા વિના ચાલી નીકળ્યા, એક્કાવાળાને પણ ચાલવાનું કહી દીધું અને લાલચુ દાણ ઉઘરાવનારને રગઝક કરતા ત્યાંજ રાખ્યા.

૧૦. અમારી સાથે જેલમના પાણી પર સેંકડો પાટીયાં તણાતાં આવતાં હતાં, ચક્કર ખાતાં હતાં, કોઇ ટાપુ પર અટકી પડતાં હતાં, કીનારા પર ઉછળી પડતાં હતાં અને પાછાં રસ્તે ચડતાં હતાં, આ પણ ખરેખાત જેલમના ગૌરવમાં કાંઇક વધારો કરતાં હતાં અને તેની ઝડપની મહત્ત્વની છાપ દીલ પર વધારે સજ્જડ બેસાડતાં હતાં.

૧૧. દુમેળ અને કોહાલાની વચમાં ચાર ભોંયરા (ટનેલ્સ) છે, તેની નીચે થ‌ઇને ઘોડાગાડીને અને દરેક વટેમાર્ગુને ચાલવું પડે છે. આમાંનું એક ઘણું મોટું છે, ભોંયરામાં ઉપરથી અને બન્ને બાજુમાં પાણી વહ્યા કરે છે. નીચે ચાલતી વખતે કોઇ કોઇ ટીપાં ઉપર પડે છે તેથી આ નાની જૂદીજ સૃષ્ટિમાં હમેશ વર્ષા ઋતુ વસતી હોય તેવું ભાસે છે. ઉપર ભારે પથ્થર ઝઝૂમી રહેલા છે તેથી કોઇના જીવની હાનિ થશે એવી ધાસ્તી રહે છે. આ ભોંયરાને પાડી નાખવાં અથવા અંદરથી ચણાવી લેવરાવવા જોઇએ, નહીં તો તે કોઇ નહીં ને કોઇ દિવસ અસલી કાળીકાની માફક કોઇ નિરપરાધી મનુષ્યપ્રાણીનો ભોગ લેશે.

૧૨. "દાણ ઉઘરાવનારા માણસોએ અમારા માણસોને કાંઇ હરકત તો નહિજ કરી હોય ને !" એવા વિચાર કરતા કોહાલે આવી પહોંચ્યા. અહીંના ડાકબંગલામાં અમારે રાત રહેવી હતી.