પૃષ્ઠ:Kashmirano Pravas.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દોડવાં લાગ્યાં, અંધારું વધારે ઘાડું થવા લાગ્યું, ડુંગર પર મયૂરો જલધરની ઘરઘર ગર્જના સાંભળી ટેહું ટેહું કરવા લાગ્યા, સૂર્ય ક્યાંઇ આકાશમાં સંતાઇ ગયો. અંધારી કોટડીમાં સગડીથી જ અજવાળું હતું, ઝાડની ઘટા શ્યામ થઇ ગઇ, પર્વતો બમણા રમણીય, શાંત અને ગંભીર દીસવા લાગ્યા. થોડાં જ વખતમાં ટપટપ ટપટપ વરસાદના મોટાં મોટાં બિંદુઓ પડવા લાગ્યાં, થોડાં જ વખતમાં મેઘવૃષ્ટિ વધારે જોસથી થવા લાગી, થોડાં જ વખતમાં વૃક્ષો અને નેવાંવરસવા લાગ્યાં, થોડાં જ વખતમાં પશુપક્ષીઓ અને માણસો શાંત થ‌ઇ જવાથી માત્ર આકાશમાંથી પડતી ધારાનો જ તડાતડાટ સંભળાવા લાગ્યો, અને આકાશ, પૃથ્વી અને વાદળ ફાડી નાખે તેવી ગર્જના અને મોટાં કડાકા થવા લાગ્યા પણ વરસાદ વધારે થતો હતો અને વાદળાં પણ વધારે જ ઘટ જામતાં હતાં. થોડા જ વખતમાં ડુંગર પરથી ખળખળીયા ચાલવા લાગ્યાં; અને થોડાં જ વખતમાં સૃષ્ટિ જલમય થઈ ગઈ. પાણીના ફોરાં પાણી પર જ પડવાથી તે પાછાં ઉછળતાં હતાં તેથી હજારો ભાલાની અણીઓ જાણે પૃથ્વીમાંથી બહાર નીકળી પાછી તેમાં સમાઈ જતી હોય તેમ દેખાવા લાગ્યું, પાણી આકાશમાંથી પડતું હતું, પહાડ પરથી ઉતરતું હતું, વૃક્ષો પરથી ખરતું હતું, છાપરા પરથી રડતું હતું, નેવાં પરથી ટપકતું હતું અને જાણે પૃથ્વીમાંથી પણ ઉછળતું અથવા બહાર બહાર નીસરી આવતું હોય તેમ દીસવા લાગ્યું. આ વરસાદની હેલી હવે સાત