પૃષ્ઠ:Kashmirano Pravas.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વહેલી ઊડી ગઈ, હવે સવારે ઉઠી અમે શ્રીનગર તરફ ચાલ્યા.


તા. ૧૪-૧૧-૯૧ :-:- સવારમાં સૂર્યોદય પહેલાં કોહાલા છોડ્યું. રાતે જરાક વર્ષાદ આવી ગયો હતો તેથી અને ઝાકળથી પૃથ્વી ભીનાશવાળી હતી. શુક્રનો તારો પ્રભાતકાલ સૂચવતો ચળકી રહ્યો હતો, સપ્તઋષિ મંડલ પર્વતોની ખીણોમાં કોઇ વખતે લટકતું નજરે પડતું હતું, કાશ્મિરમાં આ સાતે ઋષિઓ આખી રાત દર્શન દેતા હતા, ઝળઝળીયું થયું, ઝુંપડામાં અહીં તહીં ઝબકતા કાશ્મિરી લાકડીઓના દીવા ઓલખાયા ને આકાશ પરના તારાની સાથે ઝાંખા પડવા લાગ્યા. કોઈ વખતે એકાદ તારો ખરી પડતો હતો. એક ઊંડી ગુફામાંથી પાણીનો ધોધ પડતો હતો. તેના પર વાદળાં જાણે સ્નાન કરવા આવ્યાં હોય તેમ છવાઇ ગયાં હતાં, પાણીની સાથે ગુફામાંથી બહાર નીકળતાં અથવા રેડાતાં હોય તેમ દીસતાં હતાં, પાંખોવાળા હાથીઓ જેવાં ભાસતાં હતાં અને મંદગતીથી આમ તેમ ફરતાં હતાં, એક અતિ ઊંડી ખીણની વચમાં એક મગરના જેવું મોટું વાદળું લટકતું હતું, લાંબુ થતું જતું હતું, થોડા વખતમાં મોટા અજગર જેવું ભાસવા લાગ્યું અને થોડા વખતમાં ટેકરી આડી આવી જવાથી અદૃશ્ય થ‌ઇ ગયું, નાનાં મોટાં વાદળાં દેવના વીમાનો જેવાં ચોતરફ આમતેમ દોડતાં હતાં, રાક્ષસોની માફક કદ અને આકાર બદલતાં હતાં, પ્રભાત સંધ્યા રાગને શોભાવતાં હતાં અને શોભતાં હતાં. હરિણ અને તેનાં બચ્ચાં જંગલમાં ફરવા લાગ્યાં હતાં અને ગાડીથી ચમકી, ચપળ, બીકણ, વિશાલ નેત્રોથી આમતેમ જોઇ કુદીકુદી ભાગી જતાં હતાં, પક્ષીઓ માળામાંથી બહાર નીસરી સૂર્યને આમંત્રણ આપતાં હતાં અને કેટલાંક આકાશમાં ભ્રમણ કરતાં હતાં. માણસો હજી ઊઠ્યાં નહોતાં પણ અમારા જેવા વટેમાર્ગુ, પોતાના સ્નેહિઓની વાતો કરતા, નિસાસા મેલતા, બગાસા ખાતા, વિચિત્ર રીતે કાંઇક ગણગણતા, ઊંટનાં અને પોઠિયાનાં ટોળાં સાથે ચાલ્યા જતા દેખાતા હતા. ખરેખાત "જેની