પૃષ્ઠ:Kashmirano Pravas.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પણ થોડું રસિક નથી. પાણીની હીલચાલ તપાસવી એમાં પણ ઘણું જ્ઞાન સમાયેલું છે. ટુંકામાં એવા પ્રદેશોમાં, દરેક ઝાડ, દરેક ઝરણ, દરેક ટેકરી, દરેક ખીણ, દરેક વાદળું, અને દરેક પથ્થર મનુષ્યના આત્મા સાથે આનંદની વાતો કરે છે અને ગુરુની માફક જુદા જુદા બોધ આપે છે. "જીવ્યા કરતાં જોયું ભલું" એ વાક્ય બીલકુલ સાચું છે. કયું સારૂં કામ કઠિન નથી ? દેશ જીતવો એ સહેલું છે ? પરમાર્થી થવું એ સહેલું છે ? નીતિથી ચાલવું એ સહેલું છે ? ખરેખાત દરેક વસ્તુ કઠિન છે. કઠિન છે ખરી પણ તેનાથી ડરી દૂર રહેવાથી તે વધારે ભયંકર દીસે છે. સિંહ પણ પાસે રહેવાથી નરમ થ‌ઇ જાય છે. માણસો ઉત્તર મહાસાગરના બરફમાં રખડે છે, માણસો દરીયામાં જ વસે છે, માણસો ગોળીના વર્ષાદમાં ફરે છે, માણસો બાણ શૈયા પર શયન કરે છે ; માણસો શું નથી કરતાં ! કાશ્મીરમાં જ‌ઇ આવવું એ આની સાથે સરખાવતાં કાંઇજ નથી. સુખની કીંમત દુઃખથી જ થાય છે અને સંપત્તિની કીંમત વિપત્તિથી જ થાય છે. વિપત્તિ એજ માણસને માણસ બનાવે છે, અને વિપત્તિ એજ માણસની તુલના કરે છે. વિપત્તિથી જ મોટાનાનું થવાય છે, અને વિપત્તિથી જ ચડતી પડતી થાય છે. "સબસે ભલી વીપતડી જો થોરે દીન હોય" એમાં જરા પણ સંશય નથી. કાશ્મીરમાં જવું એમાં જરા વિપત્તિ પણ છે ખરી, પણ તે દુઃખનો બદલો વ્યાજ સુદ્ધાંત કુદરત આપી દે છે. ઠેકડો મારી ડુંગરપર ચડાતું નથી અથવા એક ઘાથી કૂવો ખોદાતો નથી. એક માણસ આજ બીકણ હોય તે કાલ શૂરો થ‌ઇ શકતો નથી. જેને નાનાં કામ માટે નાનાં સાહસ કરવાની ટેવ પડેલી હોય છે તેજ મોટાં સંકટોમાં નીડર રહી મોટા પરિણામો મેળવી શકે છે. "બાઉ" કહેતાં જે છોકરૂં ડરે તે મોટું થયા પછી શું તરવાર મારવાનું ? કલકતામાં થોડા દિવસ પહેલાં એક માણસ વિમાન (બલુન)માં ઊંચે ચડ્યો હતો, અને પછી છત્રી ઝાલી નીચે ઉતર્યો હતો. એક બાલકે આ તમાશો જોયો. બે દિવસ પછી તે